સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાને સુવર્ણ કુંડલામાં પરિવર્તિત કરવાનું લક્ષ્ય હોય તો શહેરનાં શૌચાલયો પણ સુવિધાયુકત સ્વચ્છ અને સુઘડ હોવા જોઈએ. અહીં આવતાં પ્રવાસીઓ પણ બોલી ઉઠવા જોઈએ કે ચાલો શૌચાલય સંગે એક સેલ્ફી લઈ લઈએ.
———————————————————————
સાવરકુંડલા શહેરમાં જૂના બસસ્ટેન્ડ તરીકે ઓળખાતા વિસ્તારમાં જાહેર યુરિનલ એક જ ખાના વાળી હોય અહીં અવારનવાર લોકોને ઘણીવખત લઘુશંકા કરવા માટે લાઈનમાં પણ ઉભા રહેવું પડતું હોય છે. આ વિસ્તાર શહેરની મધ્યમાં આવેલ હોય વળી અહીંથી આસપાસના ગામડે જતાં આવતાં મુસાફરોની સંખ્યા પણ નોંધનીય હોય તેમજ આ વિસ્તારમાં પણ અનેક દુકાનો આવેલ હોય અહીં હટાણું કરવા આવતાં ગ્રામજનોની સંખ્યા પણ વધુ હોય. આ વિસ્તાર આસપાસ દવાખાના પણ ઘણાં આવેલ હોય દર્દીઓની સાથે આવતાં સગા સંબંધીઓની સંખ્યા પણ ઘણી હોય છે. એટલે એક ખાનાંવાળી યુરીનલની સુવિધા પર્યાપ્ત ન ગણાય. વળી આ યુરીનલની સફાઈ પણ યોગ્ય થાય તેવું આ યુરીનલની મુલાકાત લેતાં રાહદારીઓ ઈચ્છે છે. શહેરની તમામ જાહેર શૌચાલયની જો લોકપ્રતિનિધિઓ અને સલંગ્ન અધિકારીઓ પણ એકવખત મુલાકાત લે તો તેઓને પણ વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવે. દેશ જ્યારે આર્થિક વિકાસ માટે હરણફાળ ભરી રહ્યો હોય અને સાવરકુંડલા શહેરનું તો રેલવે સ્ટેશન પણ અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર થવાનું હોય તેવી પરિસ્થિતિમાં અહીં આવનારા પ્રવાસીઓ પણ સ્વચ્છ અને સુઘડ શૌચાલય ઇચ્છે એ પણ સ્વાભાવિક છે. તો વહેલી તકે સાવરકુંડલા જૂના બસ સ્ટેન્ડ સહિત શહેરના અન્ય વિસ્તારોમાં સુવિધાયુક્ત શૌચાલયો બને અને તેની સફાઈ પણ નિયમિત રીતે એરપોર્ટના યુરીનલની માફક કરવામાં આવે એવું શહેરીજનો પણ ઇચ્છી રહ્યા છે. આમ ગણીએ તો માણસ એ સુસંસ્કૃત સામાજિક પ્રાણી છે એટલે ખુલ્લામાં શક્ય હોય ત્યાં સુધી શૌચ ન કરે એટલે જ યોગ્ય સુવિધા સાથે જાહૈર માર્ગો પર પર્યાપ્ત માત્રામાં શૌચાલય ઉપલબ્ધ થાય તેવું ઇચ્છે એમાં કશું ખોટું પણ નથી. બાકી માનવી સિવાયનું જીવજગત ક્યાં શૌચાલયની સુવિધા માંગે છે?

