સંભવિત બિપરજોય વાવાઝોડાની અસરના પગલે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત કાળજી લેવામાં આવી રહી છે. અગમચેતીના ભાગરુપે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં કાર્યરત મલટીપર્પઝ સાઈક્લોન શેલ્ટરમાં આશ્રિત છેવાડાના માનવીની તમામ પ્રકારની તકેદારી રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લાના મલ્ટીપર્પઝ સાઈક્લોન શેલ્ટરર્સમા ઉત્તમ સુવિધાઓ આપવામાં આવી છે, આશ્રિતોના સ્વાસ્થ્ય- ભોજન-સહિતની તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. માંગરોળ તાલુકાના લોએજ- આંત્રોલી સહિતના શેલ્ટરમાં તંત્ર સાથે ગ્રામજનો પણ ખડે પગે રાહત કાર્યમાં સતત હાજર રહ્યા છે.
લોએજ ગામના શેલ્ટરમાં અત્યાર સુધીમાં ૫૯ જેટલા લોકોને આશરો આપવામાં આવ્યો છે. અહીં આરોગ્ય ટીમ, પોલીસ, આશા વર્કરો, આંગણવાડીના બહેનો દ્વારા ફરજ બજાવવામાં આવી રહી છે. આશ્રિતોના સુગર ટેસ્ટ સહિતની તકેદારી રાખી જરુરી દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.
ગામના માજી સરપંચ શ્રી રવિભાઈ નંદાણિયાએ જણાવ્યુ કે, ચાર દિવસથી વહીવટીતંત્ર સાથે સંકલન સાધી અમે અહીં સેવા કરી રહ્યાં છીએ. આંગણવાડીના બહેનો આશ્રિતોના બાળકોને રચનાત્મક પ્રવૃત્તિઓ કરાવી તેમનું મન પ્રફુલ્લિત રાખવામાં આવી રહ્યું છે. અમે સાત્વિક ભોજન આપીએ છીએ, વહીવટી તંત્ર દ્વારા પણ ફુડ પેકેટની સુવિધા આપવામાં આવી છે. સૌ સાથે મળી આ આફત સામે લડવા એકબીજાને મનોબળ પૂરું પાડી રહ્યા છીએ.
નજીકના ગામ આંત્રોલીમાં પણ કાચાં મકાન-ઝૂપડામા વસતાં ૪૬ વ્યક્તિઓનું સલામતીના ભાગરુપે સ્થળાંતર કરવામાં આવ્યું છે.