નવીદિલ્હી
ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૩ની છેલ્લી લીગ મેચમાં પાકિસ્તાનને હરાવીને ચાલુ ટુર્નામેન્ટમાં તેમનું અજેય અભિયાન ચાલુ રાખ્યું હતું. કેપ્ટન હરમનપ્રીત સિંહના બે ગોલના આધારે યજમાન ભારતે ચેન્નાઈમાં રમાયેલી રોમાંચક મેચમાં પાકિસ્તાનને ૪-૦થી હરાવ્યું હતું. વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતની ૫ મેચોમાં આ ચોથી જીત છે. તેણે એક મેચ ડ્રો રમી છે. જ્યારે આટલી મેચોમાં પાકિસ્તાનની આ બીજી હાર છે. જ્યારે બે મેચ ડ્રો રહી છે જ્યારે તેણે એક મેચ જીતી છે. ભારતનો પહેલો ગોલ કેપ્ટન હરમપ્રીત સિંહે મેચની આઠમી મિનિટે કર્યો હતો. હરમનપ્રીતે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ભારતને પ્રારંભિક લીડ અપાવી હતી. બીજા ક્વાર્ટરમાં બંને ટીમો તરફથી કોઈ ગોલ થયો ન હતો. ૨૩મી મિનિટમાં હરમનપ્રીતે પેનલ્ટી સ્પોટ પરથી ફરી ગોલ કરીને ભારતની લીડ બમણી કરી હતી. પ્રથમ હાફ સુધી ભારત ૨-૦થી આગળ હતું. ત્રીજા હાફમાં જુગરાજ સિંહે પેનલ્ટીને ગોલમાં ફેરવી ભારતની લીડ ૩-૦થી વધારી દીધી હતી. છેલ્લે છેલ્લે રહેલી કસર આકાશદીપે પૂર્ણ કરી હતી. આકાશદીપે ભારત માટે ચોથો ગોલ કરીને પાકિસ્તાનને હરાવ્યું હતું. બંને ટીમ આ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ રહી છે. બંનેએ અત્યાર સુધી ૩-૩ ટાઇટલ જીત્યા છે.


