નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લો જાન્યુઆરી ૨૦૨૩થી બન્યો યોગમય
***
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ખેડા જિલ્લામાં યોગનું મહત્વ સમજાવતી અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવી
***
સૂર્ય નમસ્કાર કાર્યક્રમ, સ્ટેટ લેવલની યોગ સ્પર્ધા, બાળકોને યોગ અંગેની માહિતી અને પ્રશિક્ષણ, પોલીસ કર્મીઓને યોગ માટેની તાલીમ, યોગ શિબિર અને સમર કેમ્પ જેવી પ્રવૃતિઓથી જિલ્લાનાં લોકોને યોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા
***
ભારત સરકાર તથા રાજ્ય સરકારશ્રી દ્વારા G-20 ની “One Earth, One Health’ની થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય” ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ અને હર ઘરના આંગણે યોગ”ની થીમ સાથે ૨૧મી જુન, ૨૦૨૩ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત ખેડા જિલ્લામાં તા. ૨૧ જૂનના રોજ નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા તથા નગરપાલિકામાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.
નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જાન્યુઆરી ૨૦૨૩થી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રચાર પ્રસારના વિવિધ માધ્યમો દ્વારા અને પ્રવૃત્તિઓ દ્વારા યોગનું મહત્વ સમજાવવાની અને જન જન સુધી યોગ પહોંચાડવાની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ખેડા જિલ્લામાં યોગ સાધકો દ્વારા સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ, સ્ટેટ લેવલની યોગ સ્પર્ધાનું, બાળકોને યોગ અંગેની માહિતી અને પ્રશિક્ષણ, પોલીસ કર્મીઓને યોગ માટેની તાલીમ, યોગ શિબિર અને સમર કેમ્પની વિવિધ યોગનું મહત્વ સમજાવતી પ્રવૃતિઓ હાથ ધરી જિલ્લાનાં લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
“આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીની પૂર્વ તૈયારી રૂપે ખેડા જિલ્લામાં તારીખ ૧૩જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ એક સાથે ૧૫૦થી વધુ યોગ સાધકો દ્વારા સૂર્ય નમસ્કારનો ભવ્ય કાર્યક્રમ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવેલ હતો. ૨૭ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ખેડા જિલ્લા એકમ દ્વારા સ્ટેટ લેવલની યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ ઇવેન્ટમાં મંત્રીશ્રી રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શ્રી હર્ષસંઘવીએ પણ રૂબરૂમાં હાજર રહીને સાધકોને પ્રોત્સાહિત કર્યા હતા. તા. ૧૭ફેબ્રુઆરી, ૨૦૨૩ થી ૨૮ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધી શારદા મંદિર શાળામાં ૫૦૦થી વધુ બાળકોને યોગ અંગેની માહિતી અને પ્રશિક્ષણ પૂરું પાડવામાં આવ્યું જ્યાં ધ્યાન માટેની વિશેષ તાલીમ પણ આપવામાં આવી હતી.
તા. ૨૧/૦૫/૨૦૨૩ થી ૩૦/૦૫/૨૦૨૩ દરમ્યાન નડિયાદ ખાતે ૧૦ દિવસ “સમર યોગ કેમ્પ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. અને આ “સમર યોગ કેમ્પ” માં ખેડા જિલ્લાના ૧૬૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં યોગ ટ્રેનરો દ્વારા બાળકોને વિવિધ યોગ કરાવવામાં આવ્યા તથા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર, કેપ અને યોગ પુસ્તિકા આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ખેડા જિલ્લા દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ, નડિયાદ ખાતે તા.૨૩એપ્રિલ અને ર૯ એપ્રિલના રોજ ૬૦૦થી વધુ પોલીસ કર્મીઓને યોગ માટેની તાલીમ આપવામાં આવી. આ સાથેજ તા. ૨૨, મે ૨૦૨૩ના રોજ શ્રી સંતરામ મંદિર પરિસર ખાતે વિશિષ્ટ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧૦૦થી વધારે લોકોએ કોમન યોગા પ્રોટોકોલ વિશે સમજૂતી મેળવી. વધુમાં, તા. ૨૧મે, ૨૦૨૩ થી ૩૦મે, ૨૦૨૩ સુધી કુલ બે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાંથી એક સમર કેમ્પ બ્રહ્માકુમારી સંસ્થાન ખાતે રાખવામાં આવ્યો જેમાં ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને બીજો કેમ્પ શારદા મંદિર હાઇસ્કુલ ખાતે રાખવામાં આવ્યો. જેમાં પણ લગભગ ૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
આ ઉપરાંત તારીખ ૧૫ થી ૨૦ જૂન સુધી જુદા જુદા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગ દ્વારા યોગનું મહત્વ વધે તે હેતુથી વિવિધ કાર્યક્રમોના આયોજન અંતર્ગત પંચાયત વિભાગ દ્વારા તારીખ ૧૫ જૂન ૨૦૨૩ના રોજ તાલુકા પંચાયતની વિવિધ કચેરીઓ અને જિલ્લા પંચાયત કચેરી દ્વારા યોગના પ્રચાર પ્રસાર માટે “યોગ જનજાગૃતિ રેલી”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, જોડાયા હતા.
તા. ૧૬, જૂન ૨૦૨૩ ના રોજ ખેડા જિલ્લાના કુલ-૩૦૬ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોમાં આયોજીત કાર્યક્રમમાં જિલ્લાના કુલ ૫૧૮૭ લોકોએ ભાગ લીધો હતો. તથા આ જ દિવસે ખેડા જિલ્લા સાંસદ યોગ સ્પર્ધાનું સમાપન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં સાંસદ યોગ સ્પર્ધા અંતર્ગત કુલ ૪ કેટેગરીમાં યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ખેડા તથા જિલ્લા યોગ બોર્ડના સયુંકત ઉપક્રમે ખેડા સંસદીય ક્ષેત્રની સાંસદ યોગ સ્પર્ધાનો સમાપન કાર્યક્રમ રમત સંકુલ નડિયાદ ખાતે તા. ૧૬-૦૬-૨૩ના રોજ યોજવામાં આવ્યો હતો. આ યોગ સ્પર્ધામાં જિલ્લામાંથી બહોળા પ્રમાણમાં યોગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ૩૮ ભાઈઓ અને ૬૪ બહેનો એમ કુલ ૧૦૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધા પૂર્ણ થતા વિજેતા ખેલાડીઓને મેડલ, તથા પ્રમાણપત્ર આયોજક દ્વારા આપવામાં આવ્યા હતા.
સાથે સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ખેડા એકમ દ્વારા તા. ૧૭મી જૂન, ૨૦૨૩ ના રોજ અમૂલ ડેરીના ખાત્રજ પ્લાન્ટ ખાતે કર્મચારીઓને કોમન યોગા પ્રોટોકોલ વિશે તાલીમનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત ૧૮ જૂનના રોજ ગૃહ વિભાગ દ્વારા જુદા જુદા કાર્યક્રમોથી યોગનું મહત્વ સમજાય અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીના આહવાન રૂપે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. વધુમાં તા.૧૯જૂન, ૨૦૨૩ના રોજ ટોરેન્ટ કેબલ નડિયાદ ખાતે કર્મચારીઓને કોમન યોગા પ્રોટોકોલની તાલીમ પણ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર ખેડા જિલ્લામાં લગભગ ૧૦૦ થી વધારે સ્થળોએ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના લગભગ એક લાખથી વધારે લોકો આ આયોજનમાં ભાગ લેશે. જેમાં દરેક કાર્યક્રમ સ્થળો પર LED સ્ક્રીન દ્વારા યોગ નિદર્શન કરાવવામાં આવશે અને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, ભુપેન્દ્રભાઈ પટેલ પણ આ પ્રસંગે પોતાના વક્તવ્ય દ્વારા જોમ અને જુસ્સો પૂરો પાડવાના છે.
આ ઉપરાંત તાલુકા અને નગરપાલિકા કક્ષાએ પણ મુખ્ય મથકો ઉપર “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી થવા જઈ રહી છે જેમાં જિલ્લાના પ્રત્યેક તાલુકા અને નગરપાલિકામાં કુલ મળીને ૧૫૦૦૦ થી પણ વધુ યોગસાધકો એક સાથે યોગ પ્રોટોકોલ મુજબ આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી એક રજીસ્ટ્રેશન લિંક osdyogboard@gujarat.gov.in પણ આપવામાં આવી છે જેના દ્વારા સામાન્ય નાગરિકો પણ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીમાં ભાગ લેવા માટે પાર્ટિસિપેશન કરી શકશે. સાથે જ જિલ્લાની પ્રત્યેક શાળાઓ, કોલેજો, શિક્ષણ સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, જિલ્લા અને તાલુકા આરોગ્ય કેન્દ્રો, પોલીસ મથકો, જેલ અને બધી જ સરકારી કચેરીઓ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવશે.


