કર્ણાટક
દૂધના ભાવમાં વધારો થતાં લોકોને વધુ એક આંચકો લાગ્યો છે. કર્ણાટક કેબિનેટે ૧ ઓગસ્ટથી નંદિની દૂધના ભાવમાં ૩ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવાનો ર્નિણય લીધો છે. કર્ણાટક મિલ્ક ફેડરેશન ઉત્પાદનોનું બ્રાન્ડ નામ નંદિની છે. કેબિનેટની બેઠકમાં દૂધ ઉત્પાદકોની માંગને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. બચાવ કરતાં મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, કર્ણાટક સૌથી ઓછા ભાવે દૂધ વેચી રહ્યું છે, જ્યારે અન્ય રાજ્યોમાં દૂધની કિંમત ઘણી ઊંચી છે. મુખ્યમંત્રીએ કહ્યું, ‘૩૯ રૂપિયાની કિંમતનું દૂધ હવે ૪૨ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાશે. અન્ય સ્થળોએ, સમાન દૂધ રૂ.૫૪ થી રૂ.૫૬ પ્રતિ લીટરની વચ્ચે વેચાય છે. તમિલનાડુમાં તેની કિંમત ૪૪ રૂપિયા પ્રતિ લીટર છે. આ ર્નિણય પર ટિપ્પણી કરતા નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું, ‘અમારે ખેડૂતો (દૂધ ઉત્પાદકો)ને પૈસા આપવા પડશે. આજે (ટોન મિલ્ક) સમગ્ર દેશમાં રૂ.૫૬ પ્રતિ લિટર છે. આપણા રાજ્યમાં લોકો તેને ખૂબ જ ઓછા ખર્ચે મેળવી રહ્યા છે. સરકારે ખેડૂતોને મદદ કરવા માટે દૂધના ભાવમાં ૩ રૂપિયાનો વધારો કરવાનો ર્નિણય લીધો છે. અગાઉ એપ્રિલ મહિનામાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને ગુજરાતમાં અમૂલ દૂધના ભાવમાં ૨ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. આ વધારા બાદ અમૂલ ભેંસના દૂધની કિંમત ૬૮ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે અમૂલ ગોલ્ડની કિંમત ૬૪ રૂપિયા પ્રતિ લિટર અને અમૂલ શક્તિ ૫૮ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. અમૂલ ગાયના દૂધની કિંમત પ્રતિ લિટર રૂ. ૫૪, અમૂલ તાજા રૂ. ૫૨ પ્રતિ લિટર અને અમૂલ ટી-સ્પેશિયલ રૂ. ૬૦ પ્રતિ લિટર થઈ ગઈ છે.