સંસ્કૃત સાહિત્યમાં એક બહુ ચર્ચિત કથા આવે છે કે એકવાર વસંત ઋતુમાં એક કોયલ વૃક્ષ ઉપર બેસીને મધુર અવાજમાં કૂક કૂક કરી રહી હતી.આવતા-જતા લોકો તેના મધુર અવાજને સાંભળીને આનંદ લેતા હતા અને તેની પ્રસંશા કરતા હતા.કેટલાક સમય પછી ત્યાં એક કાગડો તીવ્ર ગતિથી આવે છે ત્યારે કોયલ પુછે છે કે આટલી તીવ્ર ગતિથી ક્યાં જઇ રહ્યા છો? થોડીવાર અહીયાં બેસો તો વાતો કરીએ ત્યારે કાગડો કહે છે કે હું જરા ઉતાવળમાં છું અને હવે આ દેશ છોડીને પરદેશ જઇ રહ્યો છું.
કોયલે દેશ છોડવાનું કારણ પુછ્યું તો કાગડો કહે છે કે અહીના લોકો ઘણા ખરાબ છે.બધા તને જ ચાહે છે,તારો જ આદર કરે છે.અહીના લોકો ઇચ્છે છે કે તૂં હંમેશાના માટે તેમના ક્ષેત્રમાં રહે અને મધુર અવાજથી તેમને પ્રસન્ન કરતી રહે અને મારી વાત કરૂં તો મને કોઇ ચાહતું નથી કે મને કોઇ જોવા પણ ઇચ્છતું નથી.હું કોઇના મકાન ઉપર બેસું તો પત્થર મારીને મને ઉડાડી દેવામાં આવે છે.મારો અવાજ કોઇ સાંભળવા ઇચ્છતું નથી અને જ્યાં મારૂં અપમાન થતું હોય ત્યાં હું એક મિનિટ પણ રહેવા માંગતો નથી. જ્ઞાનીઓએ પણ કહ્યું છે કે જ્યાં આપણું અપમાન થતું હોય ત્યાં ના રહેવું જોઇએ..
કાગડાની વાત સાંભળી કોયલ કહે છે કે તમારે પરદેશ જાઉં હોય તો તમારી મરજી ખુશીથી જાઓ પરંતુ એક વાતનું ધ્યાન રાખજો કે પરદેશ જતાં પહેલાં પોતાની અવાજ-વાણીને બદલી નાખજો.પોતાની વાણીને મધુર બનાવી દેજો.તમારી વાણી અત્યારે છે તેવી કઠોર રહેશે તો આ દેશમાં લોકો તમારી સાથે જેવો વ્યવહાર કરે છે તેવો જ વ્યવહાર પરદેશમાં પણ કરશે.
સંસાર જે છે જેવો છે તેને બદલી શકાતો નથી પરંતુ અમે અમારી દ્રષ્ટિ અને વાણીને બદલી શકીએ છીએ.આ બંન્નેના બદલાવવાથી જીવનની દિશા અને દશા બંન્ને બદલાઇ જતી હોય છે અને આમ કરવાથી જ સંસારમાં આનંદ અને સુખની પ્રાપ્તિની શરૂઆત થતી હોય છે.
જે વ્યક્તિ પોતાના વ્યવહારથી કે પોતાની વાણીની કડવાશથી બીજાનું દિલ દુભાવે છે તેના જીવનમાં અંધકાર ભરાઇ જાય છે.જેની વાણી અને મન સુરક્ષિત બનીને હંમેશાં તમામ પ્રકારથી પરમાત્મામાં લાગેલું રહે છે તે વેદાધ્યાન-તપ અને ત્યાગ આ તમામ ફળને પામે છે.
૫રમ હિતકારી સત્ય વચનો બોલવાં,કોઇના દિલને દુઃખ થાય તેવું ના બોલવું એ વાણીની ૫વિત્રતા છે.મનુષ્ય એ હંમેશાં જે મળ્યું છે તેમાં સંતોષ રાખવો જોઇએ,વધુની ઇચ્છા ન કરવી.હંમેશાં મધુર વાણીનો જ ઉ૫યોગ કરવો.અભદ્ર વચનો ક્યારેય ન બોલવાં.કોઇપણ પ્રકારનું અભિમાન ન કરવું.
દિલથી પ્રાર્થના કરીએ તો માંગેલું બધું જ મળી જાય છે,ફૂલોના છોડને રોજ પાણી મળતું રહે તો કળી પણ ફૂલ બની જાય છે,વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય છે,દિલમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ભગવાન પણ મળી જાય છે.
સત્સંગથી જ વાણીમાં મીઠાશ અને ૫રો૫કારની ભાવના જાગ્રત થાય છે.જેને જીજ્ઞાસા હોય એણે સત્સંગ જરૂર કરવો.જીજ્ઞાસાનો અર્થ થાય છે જાણવાની ઈચ્છા.જેણે ઈશ્વરનું સ્વરૂપ જાણવું હોય,આત્માનું સ્વરૂપ જાણવું હોય,ધર્મનું સ્વરૂપ જાણવું હોય,ગુઢ તત્વોને જાણવા હોય એણે સત્સંગ જરૂર કરવો.
અન્નથી મન અને પાણીથી વાણી નિર્માણ થાય છે તેથી ખાન-પાનમાં સંયમ રાખવો.
શબ્દો ક્યારેય બેજુબાન(મુંગા) નથી હોતા.શબ્દ ઔષધિનું કામ કરે છે અને ઘાવ(દર્દ) આપવાનું કામ પણ કરે છે.દરેક મનુષ્યએ એવી વાણી બોલવી જોઇએ જેનાથી સાંભળનારનો ગુસ્સો ઓછો થાય, મનમાં ઠંડકનો અનુભવ કરે,સારી લાગે,મનને આનંદિત કરી શકે,સુખનો અનુભવ કરાવી શકે અને આપણા મનને પણ આનંદ આપી શકે.મીઠી વાણીથી અમે દરેકનો પ્રેમ અને આદર મેળવી શકીએ છીએ.મીઠી વાણીથી આપણે દરેકની ઉપર વિજ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.
ક્રોધનો જવાબ મીઠી વાણીથી આપવો જોઇએ.ક્રોધના સમયે વાણી ઉપર સંયમ રાખવો જોઇએ. હંમેશાં મધુર વાણીનો જ ઉ૫યોગ કરવો,અભદ્ર વચનો ક્યારેય ન બોલવાં.૫રમ હિતકારી સત્ય વચનો બોલવાં,કોઇના દિલને દુઃખ થાય તેવું ના બોલવું..એ વાણીની ૫વિત્રતા છે.જે વ્યક્તિ પોતાના વ્યવહારથી કે પોતાની વાણીની કડવાશથી બીજાનું દિલ દુભાવે છે તેના જીવનમાં અંધકાર ભરાઇ જાય છે.
હતાશ વ્યક્તિ વાણીનો સંયમ ચુકી જતી હોય છે.તલવારનો ઘા સમય આવે રૂઝાઇ જશે પણ જો કોઇના માટે કડવા શબ્દોનો પ્રયોગ કરીશું તો તેના દિલમાં જે દર્દનો ઘા થશે તે જીવનભર જશે નહી.કર્કશ વાણીમાંથી થયો કળીયુગ..કલહનું રૂપ તે કળીયુગ.વાણી-વર્તન અને વિચારને શુદ્ધ રાખવા તે તપશ્ચર્યા છે.કાયા-વાણી અને મનથી કોઈને દુભાવવું નહિ તે અહિંસા છે.
સંસારના સુખોના આઠ મૂળભૂત તત્વોઃસાચા મિત્રોનું મળવું,વિપુલ ધનની પ્રાપ્તિ,પુત્ર સાથે આલિંગનબદ્ધ થઇ મળવું,પતિ-પત્નીની એક સાથે નિવૃત્તિ,મધુર વાણી,પોતાના સમુદાયમાં ઉન્નતી, મનોવાંછિત વસ્તુની પ્રાપ્તિ અને સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ.
અભિમાનમાંથી ક્રોધ જાગે છે અને ક્રોધમાંથી કર્કશ વાણી ઉત્પન્ન થાય છે.મહાભારત અને રામાયણ ના કરૂણ પ્રસંગોનું મૂળ કર્કશ વાણીમાં છે.દ્રોપદીએ દુર્યોધનને આંધળાનો પુત્ર આંધળો કહ્યો અને મહાભારત નો આરંભ થયો.સીતાજીએ લક્ષ્મણને કર્કશ વાણીમાં ઠપકો આપ્યો.લક્ષ્મણને મારીચ પાછળ જવું પડ્યું અને તેમની ગેરહાજરીમાં રાવણ સીતાજીને ઉઠાવી ગયો અને રામાયણ શરૂ થયું.
સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી
છક્કડીયા(ધાણીત્રા),તા.ગોધરા(પંચમહાલ)


