અમદાવાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આધાર કાર્ડ સાથે છેડછાડ કરનાર યુવકની ગુજરાત પોલીસે અટકાયત કરી છે. તેને મુઝફ્ફરપુરના કાંટીથી પકડી લેવામાં આવ્યો છે. હાલ, ગુજરાત પોલીસ તેને બિહારથી લઈને ગુજરાત આવવા રવાના થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીની ઓળખ કાંટીના સદાતપુરના રહેવાસી અર્પણ દુબે ઉર્ફે મદન કુમાર તરીકે થઈ છે. તે મૂળ મુઝફ્ફરપુરના પારુ વિસ્તારનો રહેવાસી છે. સદાતપુરમાં રહીને ડિગ્રી માટે અભ્યાસ કરત હતો. તેની પાસેથી મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ મોબાઈલમાં આધાર કાર્ડ સાથે છેડછાડ કરાયાના પુરાવા પણ મળી આવ્યા છે. તેની અટકાયત કરાયા બાદ ગુજરાત પોલીસ તેને ગુજરાત લાવવા માટે રવાના થઈ ચૂકી છે. કાંટી પોલીસ સ્ટેશનના સંજય કુમારે અર્પણ દુબેની અટકાયતની પુષ્ટિ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગુજરાત પોલીસની સાથે કાંટી અને અહિયાપુર પોલીસની ટીમ પણ આ ઓપરેશન દરમિયાન સાથે હતી. ચર્ચા છે કે, ગત કેટલાક દિવસોથી અર્પણે આધાર કાર્ડ પોર્ટલના માધ્યમથી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથના આધાર કાર્ડમાં છેડછાડ કર્યા હતા. બંનેની જન્મતિથિ સહિત અન્ય ડેટાની સાથે છેડછાડનો પ્રયાસ કર્યો હતો. તેના બાદ ગુજરાતની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસમાં મોબાઈલના આઈપી એડ્રેસના માધ્યમથી ડિટેઈલ કાઢીને આરોપીની અટકાયતની કામગીરી શરૂ કરાઈ હતી. તેના બાદ ગુજરાતના અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ મુઝફ્ફરનગર પહોંચી હતી. આ મામલે ત્યાંના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ હતી. તેના બાદ અહિયાપુર અને કાંટી પોલીસ સ્ટેશનની મદદથી સદાતપુરમાં છાપામારી કરાઈ હતી. જ્યાંથી અર્પણ દૂબેની ધરપકડ કરાઈ છે. તેના ભાઈનો પણ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે.
