Gujarat

મનુષ્યની સ્થિતિ તેની ભાવના ઉપર નિર્ભર છે.

એક મંદિર હતું તેમાં તમામ લોકો પગાર ઉપર કામ કરતા હતા.આરતી ઉતારનાર,ઘંટ વગાડનાર પણ પગારદાર હતા.ઘંટ વગાડનાર આરતીના સમયે પ્રભુ ભક્તિના ભાવમાં એટલા મશગુલ થઇ જતા હતા કે તેમને પોતાના અસ્તિત્વનું ભાન રહેતું નહોતું.મંદિરમાં આવતા તમામ દર્શનાર્થીઓ ભગવાનની સાથે સાથે ઘંટ વગાડનાર વ્યક્તિના ભાવના પણ દર્શન કરતા અને તેમની વાહ-વાહ કરતા હતા.

એક દિવસ મંદિરનું ટ્રસ્ટ બદલાઇ જાય છે અને નવા ટ્રસ્ટીઓએ આદેશ બહાર પાડ્યો કે આપણા મંદિરમાં કામ કરતા તમામ લોકો ભણેલા-ગણેલા હોવા જોઇએ અને જે ભણેલા નહોતા તેમને કાઢી મુકવામાં આવે છે.મંદિરમાં ઘંટ વગાડનાર ભણેલા ન હોવાથી તેમનો આજદિન સુધીનો પગાર આપીને તેમને નોકરીમાંથી છુટા કરી દેવામાં આવે છે ત્યારે ઘંટ વગાડનાર ભાઇએ કહ્યું કે સાહેબ ! ભલે હું ભણેલો ગણેલો નથી પરંતુ આ ઘંટ વગાડવાની સેવામાં મારો ભગવાનની સાથે ભાવ જોડાયેલો છે ત્યારે ટ્રસ્ટીઓએ કહ્યું કે ભાઇ તમે ભણેલા ન હોવાથી તમોને નોકરીમાં રાખી શકાય તેમ નથી.

બીજા દિવસે મંદિરમાં નવા માણસોને રાખવામાં આવે છે પરંતુ આરતીમાં આવેલા ભક્તજનોને પહેલા જેવો આનંદ આવતો નથી અને ઘંટ વગાડનાર વ્યક્તિની ખોટ લાગે છે એટલે કેટલાક વ્યક્તિઓ ભેગા થઇને ઘંટ વગાડનારના ઘેર જાય છે અને મંદિરમાં આવવાની વિનંતી કરે છે ત્યારે અગાઉ ઘંટ વગાડનાર ભાઇ કહે છે કે હું જો મંદિરમાં આવીશ તો ટ્રસ્ટીઓ વિચાર કરશે કે હું નોકરી કરવા માટે આવ્યો છું એટલે હું આવી શકું તેમ નથી.

શ્રદ્ધાળુ ભક્તોએ એક ઉપાય બતાવ્યો કે તમે મંદિરની સામે એક દુકાન ખોલો અને ફક્ત આરતીના સમયે ઘંટ વગાડવા માટે આવજો એટલે તમોને કોઇ નહી કહે કે તમે નોકરી માટે મંદિરમાં આવ્યા છો.તે ભાઇએ મંદિરની બહાર એક દુકાન ખોલી અને દુકાન એટલી ચાલી કે એકમાં સાત દુકાનો થઇ અને સમય જતાં એક ફેકટરી પણ ખોલી.

હવે તે વ્યક્તિ મર્સિડીઝ કાર લઇને મંદિરમાં ઘંટ વગાડવા માટે આવતા હતા.સમય પસાર થતાં આ વાત જુની થઇ ગઇ.ફરીથી મંદિરનું ટ્રસ્ટ બદલાયું.નવા ટ્રસ્ટને નવું મંદિર બનાવવા માટે દાનની જરૂર હતી એટલે નવા ટ્રસ્ટીઓએ વિચાર કર્યો કે સૌથી પહેલાં આપણા નગરના ફેકટરીના માલિક સાથે વાત કરીએ એમ વિચારી ફેકટરીના માલિક પાસે જાય છે અને મંદિર માટે સાત લાખની જરૂરીયાત છે તે વાત વિસ્તારથી કહી તો ફેકટરીના માલિકે કોઇપણ જાતનો પ્રશ્ન કર્યા વિના મુનિમને સાત લાખનો ચેક લખી આપવા કહ્યું એટલે સાત લાખનો ચેક લખી ટ્રસ્ટીઓના હાથમાં આપી દીધો.

ટ્રસ્ટીઓએ ચેક હાથમાં લઇને જોયું તો ચેક ઉપર સહી બાકી હતી એટલે ફેકટરી માલિકને કહ્યું કે ચેક ઉપર સહી તો બાકી છે ત્યારે ફેકટરી માલિક કહે છે કે મને સહી કરતાં નથી આવડતી કેમકે હું અભણ છું ચેક લાવો હું મારા અંગૂઠાનું નિશાન લગાવી દઉં છું તે બેંક સ્વીકાર કરશે.

આ સાંભળીને ટ્રસ્ટીઓને નવાઇ લાગે છે ! તેથી કહે છે કે સાહેબ ! આપ અભણ હોવા છતાં આટલી પ્રગતિ કરી છે,જો આપ ભણેલા-ગણેલા હોત તો ક્યાંના ક્યાં પહોંચી ગયા હોત ! ત્યારે શેઠ ર્હંસતાં-ર્હંસતાં કહે છે કે ભાઇ ! હું ભણેલો-ગણેલો હોત તો આજે પણ મંદિરમાં ઘંટ વગાડતો હોત !

આ બોધકથામાંથી એ સાર લેવાનો છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય મનુષ્યની સ્થિતિ તેની ભાવના ઉપર નિર્ભર હોય છે.આપણી ભાવના શુદ્ધ હશે તો ઇશ્વર અને સુંદર ભવિષ્ય આપણને અવશ્ય સાથ આપશે.જે પણ કામ કરો સો ટકા પ્રેમ અને મહેનતથી કરો.વિપરીત સ્થિતિઓમાં કોઇ બીજાને દોષ ના આપો.ખરાબ પરિસ્થિતિમાં પણ કદાચ આપણું સુખદ ભવિષ્ય છુપાયેલું હોઇ શકે છે.

કર્તાની જાણકારી પછી જ સંતુષ્‍ટિનો ભાવ આવે છે.જ્યારે પ્રભુ હ્રદયમાં વસી જાય તો વિનમ્રતાનો ભાવ સહજમાં જ આવી જાય છે.સેવા કાર્ય ફક્ત સેવા ભાવથી જ કરો.સેવા કાર્યમાં જ્યારે અહમ્ તથા કર્તાભાવ આવી જાય છે ત્યારે સુખ-આનંદ મળતાં નથી.

ઇશ્વર સર્વ સમર્થ છે તે પોતાના શરણાગત ભક્ત ઉ૫ર પ્રસન્ન થઇને તેમના ભાવ અનુસાર તમામ સુખો પ્રદાન કરે છે.ઇશ્વરમાં મન લગાડવાથી ચંચળતા આપોઆપ સમાપ્‍ત થઇ જાય છે.આના માટે ભગવત્કૃપાનું અવલંબન લેવું ૫ડે છે કારણ કે વ્યક્તિની બુદ્ધિ શક્તિ પ્રયત્ન અને પુરૂષાર્થ સિમિત છે.સિમિત સાધનોથી અસિમિતને કેવી રીતે મેળવી શકાય !! એટલે પુરૂષાર્થની સાથે સાથે ભગવાનની કૃપાનો આશ્રય ગ્રહણ કરવો આવશ્યક છે.ભગવાનના શરણાગત થઇને પ્રભુને પ્રાર્થના કરવી જોઇએ.

આપણા ૫રીચયમાં આવનારા તમામ મનુષ્‍યોને આદર ભાવ આપવો.આપણે બીજા માટે જેવો ભાવ રાખીએ તેવો જ ભાવ તે આપણા માટે રાખશે.

પ્રભુ ૫રમાત્‍માના ચરણારવિંદમાં અહમ  અને મમત્‍વ નું સમર્પણ કરીને મનની શુધ્‍ધિ અને ભાવ શુધ્‍ધિ દ્રારા જે એકમાત્ર પ્રભુ પરમાત્‍માનો આશ્રય લે છે તેના હ્રદયમાં પ્રભુ ૫રમાત્‍મા વિરાજે છે.જેના આચાર વિચાર શુધ્‍ધ અને અંતઃકરણ નિર્મળ છે,જેની કામનાઓ શુધ્‍ધ છે તથા જે ભોગોથી વિરક્ત થઇ ચુક્યો છે તે આત્‍મજ્ઞાની પુરુષ તમામ કર્મોનો ત્‍યાગ કરીને આલોકમાં સન્‍માનિત થઇને ૫રલોકમાં જઇ બ્રહ્મભાવને પામે છે.

નમસ્કાર એટલે નમ્રતાનું દર્શન-મમતા અને અહંકારની નિવૃત્તિ.જે વસ્‍તુને આ૫ણે આ૫ની માનીએ છીએ તે ખરેખર ભગવાનની છે અને આ૫ણે ૫ણ ભગવાનના છીએ એવા ભાવ સહિતની વંદના.સૌના પ્રત્યે સ્‍નેહ, સૌનું હિત કરવાનો ભાવ,અન્યના સુખે સુખી થવાનો ભાવ તે મૈત્રી.અન્યના દુઃખે દુઃખી થવું અને અન્યના દુઃખને દૂર કરવાનો ભાવ થવો તે કરૂણા.

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *