Gujarat

પૌરાણિક આઠ દિવ્ય બાળકોઃ ગુરૂભક્ત આરૂણિ અને ઉપમન્યુ

અમારા ધર્મગ્રંથોમાં એવા અનેક બાળકોના વિશે વર્ણન કરવામાં આવ્યું છે જેઓ ઉંમરમાં નાના હોવા છતાં એવા કાર્યો કર્યા જે તેમની કક્ષા બહાર હતા આમ હોવાછતાં તેમને ઇમાનદારી,નિષ્ઠા અને સમર્પણના સહારે મુશ્કેલ કામો પણ ઘણી જ સફળતાથી કર્યા હતા.આજે આપણે આવા આઠ બાળકો ધ્રૃવ, ગુરૂભક્ત આરૂણી, ગુરૂભક્ત ઉપમન્યુ, પરમભક્ત અષ્ટાવક્ર, આસ્તિક, ભક્ત પ્રહ્લાદ, માર્કણ્ડેય ઋષિ અને ગુરૂ ભક્ત એકલવ્ય પૈકી આજે ગુરૂ ભક્ત આરૂણિ અને ઉપમન્યુ કે જેને ગુરૂની આજ્ઞાનું પાલન કરી આર્શિવાદ મેળવ્યો હતો તેની કથા મહાભારતના આદિપર્વમાં વર્ણવેલ છે તેની ચર્ચા કરીશું.

આયોદધૌમ્ય નામના એક પ્રસિદ્ધ ઋષિ હતા.તેમના આરૂણિ પાંચાલ,ઉપમન્યુ અને વેદ નામના ત્રણ શિષ્ય હતા.ચોમાસાના દિવસો ચાલી રહ્યા છે.ભારે વરસાદ વરસી રહ્યો હતો તે દિવસે ગુરૂજીએ આરૂણિને આદેશ આપ્યો કે ડાંગરના ક્યારડા પાણીથી ભરાઇ ગયા હશે.તેના પાળા તૂટી જશે તો બધું પાણી બહાર વહી જશે માટે તેના પાળા બાંધી આવો.આરૂણિ ગુરૂ આજ્ઞાનું પાલન કરવા ખેતરમાં જઇને જુવે છે તો ડાંગરનો ક્યારડો પાણીથી ભરાઇ ગયો છે પરંતુ તેની પાળ તૂટી ગઇ હોવાથી પાણી બહાર વહી રહ્યું છે. આરૂણિ તૂટેલી પાળ બાંધવા માટી નાખવા લાગ્યા પરંતુ પાણીના વેગમાં માટી ભીની હોવાથી તણાઇ જાય છે જેથી છેલ્લે તેને એક વિકલ્પ શોધ્યો.વહી જતું પાણી રોકવા ક્યારડાની પાળની જગ્યાએ પોતે જાતે સૂઇ જઇને પાણીના પ્રવાહને રોકે છે.આખી રાત તેને ઠંડા પાણીમાં થથરતાં પસાર કરી જેથી પાણી બહાર નીકળતું બચી ગયું.

સવાર થતાં બધા શિષ્યો ગુરૂદેવને પ્રણામ કરવા આવે છે તેમાં આરૂણિ ના દેખાયો એટલે ગુરૂજીને ચિંતા થાય છે એટલે શિષ્યોને લઇને ગુરૂજી ખેતરમાં જઇને આરૂણિને પોકાર કરે છે ત્યારે આરૂણિ ખેતરના પાળામાંથી ઉભા થઇ ગુરૂ સમક્ષ ઉપસ્થિત થઇ પ્રણામ કરીને કહે છે કે આપની આજ્ઞાનુસાર ક્યારડાની પાળ બાંધવા માટે ખેતરમાં આવ્યો હતો પરંતુ પાણીનો પ્રવાહ વધુ તેજ હોવાથી હું જાતે જ તૂટેલી પાળમાં આડો સૂઇ ગયો ત્યારે પાણીને રોકી શક્યો છું. હવે મારા માટે અન્ય શું હુકમ છે? ત્યારે ગુરૂજી કહે છે કે તૂં ક્યારડાની પાળીમાં સૂઇ જઇને પાણીનો પ્રવાહ રોક્યો છે એટલે આ ઉદલનકર્મ કર્યું છે એટલે આજથી તૂં ઉદાલક નામથી પ્રસિદ્ધ થશે અને તે મારી આજ્ઞાનું પાલન કર્યું છે એટલે મારો આર્શિવાદ છે કે તારૂં કલ્યાણ થશે.તમામ વેદ અને તમામ ધર્મશાસ્ત્રો વિના પ્રયત્ને તારી બુદ્ધિમાં પ્રકાશિત થશે.ગુરૂદેવના અમોઘ આર્શિવાદ મેળવી પોતે પોતાના દેશમાં જાય છે.

આયોદધૌમ્ય ઋષિએ એકવાર પોતાના શિષ્ય ઉપમન્યુને ગાયો ચરાવવાની સેવા સોંપે છે.ગુરૂની આજ્ઞાનુસાર ઉપમન્યુ આખો દિવસ ગાયોની રક્ષા કરે છે અને સાંજે આવીને પ્રણામ કરે છે.ગુરૂજી જુવે છે કે ઉપમન્યુ તંદુરસ્ત હટ્ટો-કટ્ટો છે તેથી પુછે છે કે તૂં તારી ભોજનની વ્યવસ્થા કેવી રીતે કરે છે? ત્યારે ઉપમન્યુ કહે છે કે ગુરૂદેવ ! હું ભિક્ષાથી જીવનનિર્વાહ ચલાવું છું.આ સાંભળી ગુરૂજી કહે છે કે તૂં મને અર્પણ કર્યા વિના ભિક્ષાનું અન્ન ગ્રહણ કરી શકતો નથી તેથી ઉપમન્યુ લાવેલ ભિક્ષા ગુરૂજીને અર્પણ કરે છે જેને ગુરૂજી સ્વીકારી તમામ ભિક્ષા લઇ લે છે અને ઉપમન્યુ ગાયો ચરાવવા ચાલ્યા જાય છે અને સાંજે આવીને ગુરૂજીને પ્રણામ કરે છે.

ઉપમન્યુ દ્વારા લાવવામાંથી આવેલ ભિક્ષામાંથી કંઇજ ન આપવા છતાં ઉપમન્યુ તંદુરસ્ત હટ્ટો-કટ્ટો દેખાય છે તેથી એક દિવસ ગુરૂજી પુછે છે કે બધી જ ભિક્ષા હું લઇ લેવા છતાં તૂં કેવી રીતે જીવન નિર્વાહ કરે છે? ત્યારે ઉપમન્યુ કહે છે કે પહેલીવાર લાવેલ ભિક્ષા આપને અર્પણ કરૂં છું અને મારા માટે બીજીવાર ભિક્ષા લેવા માટે જાઉં છું અને તેનાથી જીવન નિર્વાહ ચલાઉં છું.ત્યારે ગુરૂજી કહે છે કે આ ન્યાયયુક્ત અને શ્રેષ્ઠ વૃત્તિ નથી.આમ કરવાથી બીજા ભિક્ષાથી નિર્વાહ કરનારને બાધારૂપ બનો છો એટલે બીજીવાર ભિક્ષા ના લેવી જોઇએ.

ઉપમન્યુએ ગુરૂની આજ્ઞા માથે ચઢાવી ફરીથી ગાયો ચરાવવા લાગ્યા અને સાંજે આવી પ્રણામ કરે છે.એક દિવસ સાંજના સમયે તે આવીને પ્રણામ કરે છે ત્યારે ગુરૂજી વિચાર કરે છે કે ભિક્ષાથી ભોજન નથી કરતો તેમછતાં હજું ઉપમન્યુ તંદુરસ્ત હટ્ટો-કટ્ટો કેવી રીતે ? તેથી પુછે છે કે તૂં તારા ભોજનની વ્યવસ્થા કેવી રીતે કરે છે? ત્યારે ઉપમન્યુ કહે છે કે ભગવાન ! ગાયોનું દૂધ પી ને હું જીવનનિર્વાહ ચલાવું છું ત્યારે ગુરૂજી કહે છે કે મેં તને ગાયોનું દૂધ પીવાની આજ્ઞા નથી આપી તેથી દૂધ પીવું તારા માટે ઉચિત નથી.

ઉપમન્યુએ ગુરૂ આજ્ઞાનુસાર ગાયોનું દૂધ પીવાનું બંધ કરી દીધું.એકવાર સાંજે ગાયો ચરાવી આશ્રમમાં આવીને ગુરૂજીને પ્રણામ કરે છે ત્યારે ગુરૂજી ઉપમન્યુને તંદુરસ્ત હટ્ટો-કટ્ટો જોઇને ગુરૂજી કહે છે કે ભિક્ષાથી ભોજન કરતો નથી,ગાયોનું દૂધ પીતો નથી તો હવે કેવી રીતે ભોજનની વ્યવસ્થા કરે છે ત્યારે ઉપમન્યુ કહે છે કે વાછરડા માતાના સ્તનોમાંથી દૂધ પીવે છે તે સમયે જે ફીણ બહાર પડે છે તે પી ને જીવનનિર્વાહ ચલાઉં છું.ત્યારે ગુરૂજી કહે છે કે વાછરડા ઉત્તમ ગુણોથી યુક્ત છે એટલે તારી ઉપર દયા કરીને વધારે ફીણ બહાર કાઢે છે આમ કરવાથી તૂં તેમના ભોજનમાં અડચણરૂપ બને છે.

ગુરૂજીની આજ્ઞાથી તે ભિક્ષા લાવી ગુરૂને અર્પણ કરે છે,બીજીવાર ભિક્ષા લેવા જતા નથી,ગાયોનું દૂધ પીતા નથી કે વાછરડા ધાવતી વખતે બહાર ફેંકતા ફીણ પણ પીવાની મનાઇ કરેલ હોવાથી તે ભુખ્યો રહે છે.એક દિવસ અતિશય ભૂખના કારણે તે આકડાના ઝેરી પાન ખાઇ જાય છે.આકડાના પાન ખાવાથી તેના પેટમાં અગ્નિની જ્વાળા થાય છે અને ફળસ્વરૂપે તેની બંન્ને આંખની રોશની જતી રહે છે તે આંધળો થઇ જાય છે અને આશ્રમમાં જતાં રસ્તે આવતા એક કૂવામાં પડી જાય છે.

સાંજના સમયે તમામ ગાયો આશ્રમમાં આવી જાય છે પરંતુ સાથે ઉપમન્યુને ન જોતાં ગુરૂજીને ચિંતા થાય છે.ગુરૂજીએ વિચાર્યું કે ઉપમન્યુને આજીવિકા બંધ કરી દીધી તેથી તે નારાજ થઇ ગયો હશે એટલે તેને શોધવા માટે ગુરૂજી અન્ય શિષ્યોને સાથે લઇને જંગલમાં જાય છે અને ઉપમન્યુ તમે ક્યાં છો? તેવી બુમો મારે છે ત્યારે ઉપમન્યુ કૂવામાંથી બોલે છે કે ગુરૂજી હું કૂવામાં પડી ગયો છું ત્યારે ગુરૂજી કહે છે કે તૂં કૂવામાં કેવી રીતે પડી ગયો? ત્યારે ઉપમન્યુ કહે છે કે અતિશય ભૂખથી વ્યાકુળ થઇ મેં આકડાના ઝેરી પાન ખાવાથી હું આંધળો થઇ ગયો છું.

ગુરૂજીએ કહ્યું કે બેટા ! બંન્ને અશ્વિનીકુમારો દેવતાઓના વૈદ્ય છે.તમે તેમની સ્તુતિ કરો.તે તમારી આંખો સારી કરી દેશે.ગુરૂના આદેશાનુસાર ઉપમન્યુએ ઋગ્વેદના અનેક મંત્રો દ્વારા અશ્વિનીકુમારોની સ્તુતિ કરે છે.(આ સ્તુતિ લાંબી હોવાથી લીધેલ નથી પરંતુ મહાભારતમાં તેને વિગતવાર વાંચી શકશો)

ઉપમન્યુના સ્તવનથી બંન્ને અશ્વિનીકુમારો પ્રગટ થાય છે અને કહે છે કે ઉપમન્યુ ! તમે આ માલપુઆ ખાઓ જેનાથી તમારી આંખોની રોશની પાછી આવશે.ત્યારે ઉપમન્યુ કહે છે કે ભગવન ! મારા ગુરૂની આજ્ઞા વિના હું તેને ખાઇ શકતો નથી.ઉપમન્યુની ગુરૂભક્તિથી પ્રસન્ન થઇને અશ્વિનીકુમારોએ તેને પહેલાં જેવા હતા તેવા જ સ્વસ્થ થવાનું વરદાન આપ્યું.ઉપમન્યુની આંખોની રોશની પુનઃ પ્રાપ્ત થઇ. ગુરૂના આર્શિવાદથી તેમને તમામ વેદ અને ધર્મશાસ્ત્રોનું જ્ઞાન થઇ ગયું.ગુરૂની એકનિષ્ઠ ભક્તિના માર્ગમાં શરૂઆતમાં તેને અનેક કઠણ પરીક્ષાઓમાંથી પસાર થવું પડ્યું હતું.સામાન્ય શિષ્યો આવી કઠણ પરીક્ષામાં ડગી જતા હોય છે પરંતુ અસામાન્ય મનોબળના શ્રદ્ધા ભક્તિવાળા શિષ્યો ચલાયમાન થતા નથી અને છેલ્લે તેમને ગુરૂના આર્શિવાદ મળતા હોય છે.

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *