Gujarat

પૌરાણિક આઠ દિવ્ય બાળકોઃમાર્કણ્ડેય ઋષિ અને ગુરૂભક્ત એકલવ્ય

અમારા ધર્મગ્રંથોમાં એવા અનેક બાળકોના વિશે વર્ણન કરવામાં આવ્યું છે જેઓ ઉંમરમાં નાના હોવા છતાં એવા કાર્યો કર્યા જે તેમની કક્ષા બહાર હતા આમ હોવાછતાં તેમને ઇમાનદારી,નિષ્ઠા અને સમર્પણના સહારે મુશ્કેલ કામો પણ ઘણી જ સફળતાથી કર્યા હતા.આજે આપણે આવા આઠ બાળકો ધ્રૃવ, ગુરૂભક્ત આરૂણી, ગુરૂભક્ત ઉપમન્યુ, પરમ જ્ઞાની અષ્ટાવક્ર, આસ્તિક, ભક્ત પ્રહ્લાદ, માર્કણ્ડેય ઋષિ અને ગુરૂ ભક્ત એકલવ્ય પૈકી આજે માર્કણ્ડેય ઋષિના જીવનચરીત્રની ચર્ચા કરીશું જેનું વર્ણન શ્રીમદ ભાગવતના બારમા સ્કંદના આઠમા અધ્યાયમાં આવે છે.

મર્કણ્ડુ ઋષિના પૂત્ર માર્કણ્ડેય ઋષિ દીર્ધાયુ છે અને જ્યારે જગતનો નાશ કરનાર પ્રલય તમામ જગતને ભરખી જાય છે ત્યારે પણ તેઓ બચી ગયા હતા.ધર્મગ્રંથો અનુસાર માર્કણ્ડેય ઋષિ અમર છે. તેમના પિતાનું નામ મર્કણ્ડુ ઋષિ હતું.તેમને કોઇ સંતાન ન હતું એટલે તેમની પત્ની સહિત તેમને ભગવાન શિવની આરાધના કરી.તેમની તપસ્યાથી પ્રસન્ન થઇ ભગવાન શિવે કહ્યું કે તમારે ગુણહીન દીર્ધાયુ પૂત્ર જોઇએ છે કે ગુણવાન સોળ વર્ષ જીવે તેવો અલ્પાયુવાળો પૂત્ર જોઇએ છે? તમારે મર્કણ્ડુ ઋષિએ કહ્યું કે અમારે અલ્પાયુ પરંતુ ગુણવાન પૂત્ર જોઇએ છે.ભગવાન શિવે તેમને વરદાન આપ્યું.

માર્કણ્ડેય જ્યારે પંદર વર્ષની ઉંમરના થયા ત્યારે પોતાની માતા દ્વારા આ વાતની જાણકારી થઇ. મૃત્યુના વિશે જાણવા છતાં તે વિચલિત ના થયા અને શિવ ભક્તિમાં લીન રહ્યા.આ સમયે તેમને સપ્ત ઋષિઓની સહાયતાથી બ્રહ્મદેવ પાસેથી નીચે જણાવેલ મહામૃત્યુંજય મંત્રની દિક્ષા મળી.

ऊँ त्र्यंबकम् यजामहे सुगंधिम् पुष्टिवर्द्धनम् 

ऊर्वारुकमिव बंधनात मृत्योर्मुक्षिय मामृतात् ।।

(અમે ત્રિનેત્ર ભગવાન શિવનું મનથી સ્મરણ કરીએ છીએ.તમે અમારા જીવનની મધુરતાને પોષિત અને પુષ્ટ કરો છે.જીવન અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થઇને અમૃત તરફ આગળ વધારો.)

માર્કંડેયે મહામૃત્યુંજય મંત્રની ઉપાસના કરી અને શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કરવા લાગ્યાં. આ પ્રકારે એક વર્ષ વિતી ગયું.માર્કંડેયનું આયુષ્ય સોળ વર્ષનું જ હતું તે પુરૂ થતાં યમરાજ તેમની સામે પ્રકટ થયા ત્યારે માર્કણ્ડેયે શિવલિંગને પકડી લીધું.યમરાજ તેને લઇ જવા માંગતા હતાં તે સમયે ભગવાન શિવજી પ્રકટ થયા.ભગવાન શિવે કહ્યું કે હું આ બાળકની તપસ્યા અને ભક્તિ જોઇને હું પ્રસન્ન થયો છું અને તેને અમરતાનું વરદાન આપું છું.શિવજીએ માર્કંડેયને જણાવ્યું કે હવે જે પણ ભક્ત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરશે, તેના બધા જ કષ્ટ દૂર થશે અને તે અસમય મૃત્યુના ભયથી પણ બચી જશે.

પૌરાણિક આઠમા દિવ્ય બાળક હતા ગુરૂભક્ત એકલવ્ય.એકલવ્યની કથાનું વર્ણન મહાભારતમાં આવે છે.એકલવ્ય નિષાદરાજ હિરણ્યધનુના પૂત્ર હતા.તેઓ ધનુર્વિદ્યા શિખવા માટે પાંડવો-કૌરવોના ગુરૂ દ્રોણાચાર્ય પાસે જાય છે પરંતુ તે રાજવંશના ન હોવાથી દ્રોણાચાર્યે તેમને ધનુર્વિદ્યા શિખવાડવાની ના પાડી જેથી એકલવ્યે દ્રોણાચાર્યના ચરણોમાં મસ્તક મુકીને પ્રણામ કર્યા અને પરત વનમાં જઇને દ્રોણાચાર્યની માટીની મૂર્તિ બનાવી અને તેમાં આચાર્યની પરમ ઉચ્ચ ભાવના રાખીને ધનુર્વિદ્યાનો અભ્યાસ શરૂ કર્યો.

એકવાર ગુરૂ દ્રોણાચાર્ય તમામ રાજકુમારો તથા એક કૂતરાને સાથે લઇને શિકાર કરવા માટે વનમાં જાય છે.આ વનમાં એકલવ્ય અભ્યાસ કરી રહ્યા હતા.અભ્યાસના સમયે કૂતરાના ભસવાના અવાજથી અભ્યાસમાં વિઘ્ન થવાથી એકલવ્યે એક સાથે સાત બાણ મારીને કૂતરાનું મોં બંધ કરી દીધું તેમછતાં કૂતરાને કોઇપણ પ્રકારની ઇજા થતી નથી.જ્યારે દ્રોણાચાર્ય અને રાજકુમારોએ કૂતરાને આ હાલતમાં જોયો ત્યારે એ ધનુર્ધરને શોધવા લાગ્યા કે જેને આટલી કુશળતાથી બાણ ચલાવ્યા હતા.

વનમાં આગળ જતાં તેમની મુલાકાત એકલવ્ય સાથે થાય છે અને તે કહે છે કે આ કૂતરો મારી સાધનામાં વિઘ્ન કરતો હતો એટલે મેં જ આ કૂતરાને બાણ મારીને તેનું મુખ બાણોથી ભરી દીધું છે.ત્યારે ગુરૂ દ્રોણાચાર્ય એકલવ્યના ગુરૂ વિશે પુછે છે ત્યારે એકલવ્ય કહે છે કે હું આપના શરણમાં બાણવિદ્યા શિખવા માટે આવ્યો હતો પરંતુ આપે બાણવિદ્યા શિખવવાની ના કહી હતી એટલે મેં મનોમન આપશ્રીને ગુરૂ ધારણ કરી આપની પ્રતિમા બનાવી વિદ્યા શિખ્યો છું.આ ઘટના પછી એકાંતમાં અર્જુન ગુરૂ દ્રોણાચાર્યને કહે છે કે ગુરૂદેવ આપે મને આલિંગનમાં લઇ આર્શિવાદ આપ્યો હતો કે તારાથી અધિક કોઇ મારો શિષ્ય થશે નહી આમ છતાં નિષાદરાજનો પૂત્ર એકલવ્ય અસ્ત્ર-વિદ્યામાં મારાથી વધુ કુશળ અને તમામ લોકોમાં મારાથી વધુ પરાક્રમી કેવી રીતે થયો? આચાર્ય દ્રોણ એકલવ્યના વિશે બે ઘડી વિચાર કરીને અર્જુનને સાથે લઇને એકલવ્ય પાસે જાય છે.

આચાર્ય દ્રોણ આવતાં એકલવ્ય દંડવત્ પ્રણામ કરી ગુરૂ દ્રોણની વિધિવત્ પૂજા કરે છે ત્યારે દ્રોણાચાર્ય કહે છે કે જો તૂં મારો શિષ્ય હોય તો અને તેં મારી પાસેથી બાણવિદ્યા  શિખી હોય તો તારે મને ગુરૂદક્ષિણા આપવી પડશે.આ સાંભળીને એકલવ્ય ઘણો જ પ્રસન્ન થાય છે અને કહે છે કે હું આપને શું ભેટ આપું? આપ જે આજ્ઞા આપશો તે દક્ષિણાના રૂપમાં અર્પણ કરીશ.ત્યારે ગુરૂ દ્રોણાચાર્યે ગુરૂદક્ષિણાના રૂપમાં એકલવ્યના જમણા હાથનો અંગૂઠો માંગી લીધો.દ્રોણાચાર્યજીના આ દારૂણ વચન સાંભળીને હંમેશાં સત્ય ઉપર અટલ રહેનાર એકલવ્યે પોતાની પ્રતિજ્ઞાની રક્ષા કરવા પ્રસન્ન મુખે ઉદારચિત્ત રહી કોઇપણ પ્રકારનો વિચાર કર્યા વિના પોતાના જમણા હાથનો અંગૂઠો કાપી દ્રોણાચાર્યને આપી દીધો હતો.

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *