Gujarat

પ્રાકૃતિક ખેતી જ પ્રગતિનો સાચો માર્ગ છે, ખેડૂતો પૂર્ણ વિશ્વાસથી પ્રાકૃતિક ખેતી કરે ઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગર
કચ્છના મુન્દ્રા-માંડવી વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગોષ્ઠિ કરવા રાજભવન પધાર્યા હતા. શ્રી રાજશક્તિ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીના ૨૨૫ જેટલા સભ્યો પૈકીના આ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના પોતાના અનુભવો કહ્યા હતા. રાજ્યપાલશ્રીએ દરેક ખેડૂતને વ્યક્તિગત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી જ પ્રગતિનો સાચો માર્ગ છે. ખેડૂતો પૂર્ણ વિશ્વાસથી પ્રાકૃતિક ખેતી કરે.
મુન્દ્રા-માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના નેતૃત્વમાં રાજભવન પધારેલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક પોતાના અનુભવો કહ્યા, એટલું જ નહીં તેઓ પોતાની સાથે પોતાના પ્રાકૃતિક ખેત ઉત્પાદનો પણ હોંશભેર લાવ્યા હતા. ફળ, શાકભાજી અને અનાજની ગુણવત્તા રાજ્યપાલશ્રી સમક્ષ રજૂ કરતા ખેડૂતોનો આનંદ છલકાતો હતો. આ ક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પ્રયત્નશીલ અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહ પણ ખેડૂતો સાથે રહ્યા હતા.
કચ્છ જિલ્લાના મુન્દ્રા વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી જીવરાજ ગઢવીએ ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી જ કરે એવો સંકલ્પ સિદ્ધ કરવા પોતે જૂતાં નહીં પહેરવાનો સંકલ્પ લીધો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી જીવરાજ ગઢવીના આ સંકલ્પની સરાહના કરતાં તે જલ્દીમાં જલ્દી સાકાર થાય એ માટે સહિયારા પ્રયત્નો કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો.
જીવરાજભાઈ ગઢવી એ કહ્યું કે, તેઓ છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેમની જમીનનો ઓર્ગેનિક કાર્બન ૦.૩% હતો જે આજે વધીને બે ટકા થઈ ગયો છે. પ્રાકૃતિક ખેતીથી તેઓ એટલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બાજરીનું ઉત્પાદન કરે છે કે તેમની બાજરી ૩૦૦ રૂપિયે કિલો વેચાય છે. તેમણે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા પોતાનો પરંપરાગત પહેરવેશ જ અપનાવી લીધો છે. પ્રાકૃતિક ખેતીથી તેઓ એટલા સુખી થયા છે કે, પોતાના ખેતરમાં એગ્રો ટુરીઝમ વિકસાવવાનું આયોજન કરી રહ્યા છે. તેઓ કચ્છમાં અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીથી કમલમ્‌ ફ્રુટનો પાક લેતા મહિલા ખેડૂત ગીતાબેન જેઠવાએ કહ્યું કે, તેઓ વર્ષે રૂપિયા અઢીથી ત્રણ લાખના કમલમ્‌ ફ્રુટનું ઉત્પાદન કરીને ભુજ અને રાજકોટના બજારમાં વેચે છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમને ઘનજીવામૃત બનાવવાની યોગ્ય પદ્ધતિ સમજાવી હતી અને વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતી કરવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે બિયારણને બીજામૃતથી સંસ્કારીત કરીને વાવેતર કરવાની, ધનજીવામૃત બનાવવાની, આચ્છાદન કરવાની, એક સાથે અનેક પાક લેવાની પદ્ધતિઓ વિગતવાર સમજાવી હતી.
મહિલા ખેડૂત જ્યોતિબેન ટાંક પોતાના ખેતરનાં કારેલા લાવ્યા હતા. રાજ્યપાલશ્રી કારેલાનું કદ અને ગુણવત્તા જાેઈને પ્રભાવિત થયા હતા. રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનોનું જાતે જ મૂલ્યવર્ધન કરીને યોગ્ય માર્કેટિંગ કરે. આમ કરવાથી આવકમાં વધારો થશે.
રામભાઈ ગઢવી પોતાની વાડીના જંગબારી નાળિયેર લાવ્યા હતા. વિશાળ કદના નાળિયેર જાેઈને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી પ્રત્યે વિશ્વાસ ઉભો કરો, વેચાણ માટે માર્કેટ તો આપોઆપ ઊભું થઈ જશે. ભુજપુરના સરપંચ માણેકભાઈ ગઢવી, માવજીભાઈ વગેરે ખેડૂતોએ પણ પોતાના અનુભવો વર્ણવ્યા હતા અને પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિ માટે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. રાજ્યપાલશ્રીએ અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટે પ્રેરણા અને માર્ગદર્શન આપવા સૌ ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

File-02-Page-Ex-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *