Gujarat

સરકારના ચોપડે ગુજરાતમાં કુલ ૩૪૪માંથી કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ૨૮૫ કામ પૂર્ણ

અમદાવાદ
અમદાવાદ સહિત અનેક શહેરો જિલ્લાના મુખ્ય મથકોમાં ખાડા પડવાથી લઇને ટ્રાફિક, પ્રદૂષણ, નદીઓમાં ઠલવાતો ઔદ્યોગિક કચરો સહિત અન્ય નાગરિક સેવાઓની અનેક સમસ્યાઓ હોય, પરંતુ સરકારના ચોપડે ગુજરાતમાં કુલ ૩૪૪માંથી કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ૨૮૫ કામ પૂર્ણ થઇ જવા પામ્યા છે. એટલું જ નહીં, આ કામ પાછળ ૯૦૮૭.૧૭ કરોડ રૂપિયાનો ખર્ચ પણ થઇ ગયો છે!હાલ ૫૯ જેટલા કામ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહ્યા છે, જેની પાછળ કુલ ૩૩૮૪.૯૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. અહેવાલ અનુસાર, ગુજરાત સહિત દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી મિશન શરૂ કરાયું છે. તે અંતર્ગત દેશના ૧૦૦ શહેરમાં ૭૯૭૮ પ્રોજેક્ટમાંથી ૫૯૦૯ પ્રોજેક્ટ (૭૪ ટકા) પૂર્ણ થઇ ગયા છે. ૭ જુલાઇ-૨૦૨૩ સુધીમાં ૧૦૦ શહેરો માટે કેન્દ્ર સરકારે ૭૩,૪૫૪ કરોડ રૂપિયાની ગ્રાન્ટ રિલીઝ કરી છે તેમાંથી ૬૬,૨૦૩ કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરી દેવાયો છે. જે પ્રોજેક્ટ બાકી રહી ગયા છે તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા જૂન-૨૦૨૪ સુધીની સમય મર્યાદા લંબાવાઇ છે જેથી ત્યાં સુધીમાં જે તે શહેરોના કામ પૂર્ણ થઇ શકે. ગુજરાતમાં સ્માર્ટ સિટી અંતર્ગત ૧૨૪૭૨.૧૨ કરોડના ખર્ચે કુલ ૩૪૪ પ્રોજેક્ટ હાથ ધરાયા હતા. આ પ્રોજેક્ટમાં મજબૂત આઇટી કનેક્ટિવિટી, ઇ-ગવર્નન્સ, ડિજિટલાઇઝેશનના કામો વધારવા, ઘન કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા, જાહેર પરિવહન, આરોગ્ય-શિક્ષણની શહેરી સુવિધામાં વધારો, પર્યાવરણમાં સુધારો, બાળકો, વૃધ્ધો-મહિલાઓને લગતી સુવિધા સુરક્ષાના કામો વગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરના ૬૭ કામ પાછળ ૨૫૧૧ કરોડનો ખર્ચ થયો છે અને ૭૯૨ કરોડના ૩ કામ બાકી છે. ગાંધીનગરના ૨૬ કામ પાછળ ૫૦૦ કરોડ, રાજકોટના ૪૨ કામ પાછળ ૯૯૩ કરોડ, સુરતમાં ૭૯ કામ માટે ૨૮૧૧ કરોડ, વડોદરામાં ૩૬ કામ માટે ૧૫૯૬ કરોડનો ખર્ચ થયો છે. જ્યારે દાહોદમાં ૩૨૫ કરોડના ૧૨ કામ, ગાંધીનગરમાં ૫૦૬ કરોડના ૬ કામ, રાજકોટમાં ૧૧૬૭ કરોડના ૨૯ કામ, સુરતમાં ૨૪૫ કરોડના ૩ કામ અને વડોદરામાં ૩૪૭ કરોડના ૪ કામ બાકી છે. જે આગામી સમયમાં પૂર્ણ કરાશે.

Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *