જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો અને ૩૧૩ ગામોની જીવાદોરી સમાન ઓઝત-૨ ડેમ સીઝનના પ્રથમ જ વરસાદમાં ૭૮ ટકા જેટલો ભરવામાં આવ્યો છે. સાથે જ આ ડેમ ૪૩ ગામોના ખેડૂતોને ૯૪૦૦ હેકટરમાં સિંચાઈનું પાણી પણ પૂરું પાડે છે. આમ, જિલ્લામાં સારા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
બાદલપુર ગામ પાસેના ઓઝત-૨ જળ સંપત્તિ યોજનાના સેક્શન ઓફિસર શ્રી ડી.ડી. ભારાઈ કહે છે કે, ૨૫ દરવાજા ધરાવતા આ ડેમના સારા વરસાદના પગલે ૧૦ જેટલા દરવાજા દોઢ મીટર સુધીના ખોલવામાં આવ્યા હતા. હાલ આ ડેમના પાણીના આવકના પ્રવાહને ધ્યાનમાં રાખીને બે દરવાજા અડધા ફુટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. તેઓ જણાવે છે કે, ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમને પૂર્ણ સપાટીએ ભરવામાં આવે છે. હાલ ઓઝત – ૨ની ૭૬.૫૦ મીટરની સપાટી છે. ડેમની પૂર્ણ સપાટી ૭૭.૫૦ મીટરની છે. એટલે કે એફ.આર.એલ ( Full Reservior Level) સુધી ચોમાસુ આગળ વધે તેમ તબક્કાવાર ભરવામાં આવે છે. અત્યારે ડેમ એટલા માટે પૂર્ણ સપાટી ભરવામાં નથી આવતો કે, ફ્લડની સ્થિતિને નિયંત્રિત કરી શકાય.
ઓઝત-૨ ડેમની ૩૬.૨૦ મિલિયન ઘન મીટર પાણીનો જથ્થો સમાવવાની ક્ષમતા છે. જે પીવાના પાણી માટે પ્રતિદિન અંદાજે ૪ કરોડ લીટર (૪૦-MLD) જેટલું પાણી પૂરું પાડી શકે છે. ઉપરાંત ૯૪૦૦ હેક્ટરમાં આ ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. આ સાથે શ્રી ડી.ડી. ભારાઈએ જણાવ્યું કે, કાર્યપાલક ઈજનેર શ્રી ઉકાણીના માર્ગદર્શનમાં ઓઝત-૨ સંપત્તિ યોજના પર સતત મોનિટરિંગ- દેખરેખ રાખવામાં આવી રહી છે.
