નવીદિલ્હી
પાકિસ્તાન ક્રિકેટ ટીમે એશિયા કપ ૨૦૨૩ની ધમાકેદાર શરૂઆત કરી છે. બાબર આઝમની આગેવાની હેઠળની ટીમે ઉદ્ઘાટન મેચમાં નેપાળને મોટા અંતરથી હરાવીને વિરોધી ટીમોને ચેતવણી આપી છે. બાબર આઝમની કેપ્ટનશીપની ઇનિંગ્સ અને ઇફ્તિખાર અહમદની શાનદાર સદીના આધારે પાકિસ્તાને નેપાળને ૨૩૮ રનથી હરાવ્યું હતું. આ જીત સાથે પાકિસ્તાનના ૨ પોઈન્ટ્સ થઈ ગયા છે. બાબરની ટીમ હવે રવિવાર (૨ સપ્ટેમ્બર)ના રોજ પલ્લેકલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં તેની બીજી મેચમાં શ્રીલંકાનો સામનો કરશે. પાકિસ્તાને આપેલા ૩૪૩ રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી નેપાળની ટીમ ૨૩.૪ ઓવરમાં ૧૦૪ રન જ બનાવી શકી હતી. તેના તરફથી સોમપાલે ૨૮ રન બનાવ્યા હતા. જ્યારે આસિફ શેખે ૨૬ રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાદાબ ખાને ૪ જ્યારે શાહીન આફ્રિદી અને હરિસ રઉફે ૨-૨ વિકેટ લીધી હતી. નેપાળની શરૂઆત સારી રહી ન હતી અને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. ૧૪ના સ્કોર પર નેપાળની ૩ વિકેટ પડી ગઈ હતી જેમાં ઓપનર કુશલ ભુર્તેલ, કેપ્ટન રોહિત પૌડેલ અને આસિફ શેખની વિકેટ સામેલ હતી. જ્યારે કુશલ ૮ રન બનાવીને આઉટ થયો હતો જ્યારે શેખે ૫ રન બનાવ્યા હતા. રોહિત ખાતું પણ ખોલી શક્યો નહોતો. દીપેન્દ્ર સિંહ ૩ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પાકિસ્તાને કેપ્ટન બાબર આઝમ અને ઇફ્તિખાર અહમદની સદીની ઇનિંગ્સ અને ૫મી વિકેટ માટે ૧૩૧ બોલમાં ૨૧૪ રનની ભાગીદારીના આધારે ૬ વિકેટે ૩૪૨ રન બનાવ્યા હતા. બંને દેશો વચ્ચેની આ પ્રથમ વન-ડે મેચ છે અને પાકિસ્તાનના બેટ્સમેનોએ નેપાળના બોલરોની બિનઅનુભવીતાનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. નેપાળના ફિલ્ડરોએ ખરાબ પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનના બેટ્સમેનોને ૨૫ થી ૩૦ વધુ રન બનાવવાની તક આપી હતી. બાબરે ૧૩૧ બોલની ઈનિંગમાં ૧૪ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૧૫૧ રન બનાવ્યા હતા. જ્યારે ઈફ્તિખારે ૭૧ બોલની અણનમ ઈનિંગમાં ૧૧ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૧૦૯ રન બનાવ્યા હતા. ઇફ્તિખારની આ પ્રથમ વન-ડે સદી છે, જ્યારે બાબર સૌથી ઓછી ઇનિંગ્સમાં ૧૯ સદી પૂરી કરનાર બેટ્સમેન બન્યો હતો. બાબરે તેની ૧૯મી સદી સુધી પહોંચવામાં ૧૦૪ મેચ અને ૧૦૨ ઇનિંગ્સ લીધી હતી. આ પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના હસીમ અમલાના નામે હતો જેણે ૧૦૪ ઈનિંગમાં આ માઈલસ્ટોન પૂરો કર્યો હતો. ભારતનો કરિશ્માઈ બેટ્સમેન વિરાટ કોહલી હવે આ યાદીમાં ત્રીજા સ્થાને આવી ગયો છે. કોહલીએ ૧૨૪ ઇનિંગ્સમાં તેની ૧૯મી વન-ડે સદી ફટકારી હતી. નેપાળ તરફથી સોમપાલ કામીએ બે જ્યારે કરણ કેસી અને સંદીપ લામિછાનેએ એક-એક વિકેટ લીધી હતી. પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. સોમપાલ અને કરણે ચુસ્ત બોલિંગ કરી હતી, જેનો ફાયદો નેપાળને છઠ્ઠી ઓવરમાં થયો હતો. ફખર ઝમાન (૧૪) કરણની બોલિંગ પર વિકેટકીપર આસિફ શેખને કેચ આપી બેઠો હતો. આગલી ઓવરમાં ઇમામ-ઉલ-હક (પાંચ) કેપ્ટન રોહિત પૌડેલના ચોક્કસ થ્રો પર રનઆઉટ થતાં પેવેલિયન પરત ફર્યો હતો.

