ગુજરાતમાં દારૂનો વેપલો ખુલ્લેઆમ થતો હોવાના કિસ્સાઓ છાશવારે પ્રકાશમાં આવે છે. આવી જ એક ઘટના જેતપુરમાંથી જાહેર થઇ છે. જેતપુરમાં ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. આ દારૂની હાટડીઓ ગરીબ અને મજૂર પરિવારો માટે આફત સાબિત થઈ છે. કારણ કે વ્યસની લોકો પોતાના પરિવારને બદલે દારૂમાં પાછળ પૈસા વાપરે છે.
જેતપુરમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકી હતી. જેતપુર સીટી પોલીસને બાતમી મળતા દેરડીધાર વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ઉપર રેડ કરી હતી. દેરડી ધાર પાસે આવેલ ઝૂંપડામાં પોલીસે ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ચાર ઝુંપડામાંથી દેશી દારૂનો આથો અને દારૂ બનાવવાની સામગ્રી પકડી પાડી હતી.
પોલીસે દેશી દારૂ બનાવવાના બેરલ, કેન અને દેશી દારૂનો અંદાજીત 500 લીટર આથો નાશ કર્યો છે. પોલીસે ઝુંપડામાંથી દેશી દારૂ બનાવવાની સામગ્રી અને ભઠ્ઠી ઉપર બની રહેલો આથો ઝડપી નાશ કર્યો છે. સમગ્ર કેસની પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


