નવીદિલ્હી
ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ હાલ કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર દેખાવ કરી રહ્યો છે. અગાઉ વન-ડે કપમાં શૉએ બેવડી સદી ફટકાર્યા બાદ તેણે બીજી મેચમાં આક્રમક સદી ફટકારતા નોર્થમ્ટનશાયરની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રવિવારે શૉએ ૭૬ બોલમાં ૧૫ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી ૧૨૫ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. શૉની આક્રમક ઈનિંગ્સના સહારે નોર્થન્ટ્સનો દુરહામ સામે છ વિકેટે વિજય થયો હતો. નોર્થમ્પટનશાયરે ૧૯૮ રનનો ટારગેટ સરળતાથી પાર પાડ્યો હતો. નોર્થમ્પટનશાયરના ઝડપી બોલર લ્યુક પ્રોક્ટરે અગાઉ નવ ઓવરમાં ૩૪ રન આપીને ચાર વિકેટ ઝડપતાં દુરહામને ૪૩.૨ ઓવરમાં ઓલ આઉટ કર્યું હતું. ત્યારબાદ ઓપનર પૃથ્વી શોની અણનમ સદીની મદદથી નોર્થન્ટ્સે ૨૫.૪ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પાર પાડી જીત મેળવી હતી. રોબ કેઓઘે શૉનો સાથ આપતા ૪૦ બોલમાં ૪૨ રન ફટકાર્યા હતા. અગાઉ ૯ ઓગસ્ટના રોજ મુંબઈના બેટ્સમેન શૉએ ૧૫૩ બોલમાં ૨૪૪ રનની ધમાકેદાર ઈનિંગ્સ રમી હતી જેમાં ૨૮ ચોગ્ગા અને ૧૧ સિક્સરનો સમાવેશ થયો હતો. આ મેચમાં નોર્થમ્પટનશાયરનો સોમરસેટ સામે ૮૭ રને વિજય થયો હતો. પૃથ્વી શૉ હાલમાં ભારતીય ટીમમાં કમબેક માટે પ્રયાસ કરી રહ્યો છે અને તે ભારતીય ટી૨૦ ટીમમાં છેલ્લે શ્રીલંકા સામે ૨૦૨૧માં રમ્યો હતો. ઘરઆંગણે ડોમેસ્ટિક સિઝનમાં પૃથ્વી દુલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોનની ટીમમાંથી રમ્યો હતો પરંતુ તે બેટિંગમાં ખાસ દેખાવ કરી શક્યો નહતો.
