જુનાગઢ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ દ્વારા કેશોદ ખાતે ૭૪ માં વન મહોત્સવ અંતર્ગત તા. ૫ ઓગસ્ટના રોજ સવારે ૯-૩૦ કલાકે આદર્શ નિવાસી શાળા માંગરોળ રોડ ,કેશોદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન દિનેશભાઈ ખટારીયા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ વન વિભાગના વરિષ્ઠ અધિકારી ઉપરાંત કલેકટર, ડીડીઓ સહિતના અધિકારીઓ અને વન અને પર્યાવરણ સાથે સંકળાયેલી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમનું આયોજન- સંકલન શ્રી પ્રશાંત તોમર નોડલ અધિકારી અને નાયબ વનસંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ ,ગીર સોમનાથના માર્ગદર્શનમાં કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૭૪માં વન મહોત્સવના સુચારૂ આયોજન માટે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના નિર્દેશ મુજબ નિવાસી અધિક કલેકટર શ્રી પી. જી. પટેલ અને નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી.
આ બેઠકમાં સરકારી કચેરી સહિતના સ્થળોએ વૃક્ષારોપણ માટે અને વન મહોત્સવની ઉજવણી માટે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો. સાથે જ વૃક્ષારોપણની સાથે વૃક્ષ ઉછેર માટે પણ પુરતી કાળજી લેવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
