એક બોધ કથા છે કે એક વ્યક્તિ રૂમમાં બેસીને દિવાલ ઉ૫ર લટકાવેલ ઘડીયાળમાંથી નિરંતર આવતો ટક ટક અવાજ અવાજ સાંભળી રહ્યો હતો,એટલામાં ફળીયામાંથી જ જોરશોરથી બેન્ડવાજાંનો અવાજ કાને પડ્યો.જેથી તેમની ઘડીયાળની ટક ટક સંભળાવવાની બંધ થઇ ગઇ.ભયભીત થઇને તેમને નોકરને બોલાવીને પૂછ્યું કે આ ઘડીયાળની ટક ટક સંભળાતી બંધ કેમ થઇ ગઇ છે? તપાસ કરો કે તે ચાલુ છે કે બંધ પડી ગઇ છે? નોકરે ધ્યાનથી ઘડીયાળ તરફ જોઇને કહ્યું કે ઘડીયાળ તો ચાલુ છે પરંતુ બહાર ઘણો જ ઘોઘાટ હોવાથી ઘડીયાળની ટક ટક તમોને સંભળાતી નથી.
આ બોધકથામાંનું રૂમ એ આપણું મન છે, તેની અંદર પરમાત્માની ધ્વનિ નિરંતર ચાલુ જ છે પરંતુ તે ધ્વનિને બહારની ઇચ્છાઓ અને વાસનાઓના વાજાંના અવાજે દબાવી દીધી છે.અંદરનાં ૫ટ ત્યારે જ ખુલે છે કે જ્યારે બહારના પટ બંધ થાય છે.બહારના પટનો અર્થ છેઃ વિષયોનો પરીત્યાગ,ઇચ્છા રહિત જીવન કે જે સહજમાં પ્રાપ્ત થતું નથી કારણ કે આ ઇચ્છાઓનો સબંધ અનેક વાસનાઓની સાથે છે.આ વાસનાઓ જ કર્મનું મૂળ છે.
અનેક જન્મોની અધૂરી રહેલી આ સંસારની મિથ્યા વાસનાઓ લાંબા સમયના અભ્યાસ વિના ક્ષીણ થતી નથી અને જ્યાંસુધી વાસનાઓ છે ત્યાંસુધી કર્મ ચાલુ રહે છે.કર્મોને સમાપ્ત કરવાં હોય તો વાસનાને મારવી પડે છે અને તે ભગવાનનું નામ લેવાથી જ મરે છે.તેથી જ સુકરાત ભગવાનને પ્રાર્થના કરે છે કે હું અંદરથી ખુબસુરત બનું.અંદરથી ખુબસુરત બનવાનો અર્થ છે કે મનને નિર્વિષય બનાવવું તથા શમ વિચાર સંતોષ અને સત્સંગ..આ ચારનું પ્રયત્નપૂર્વક સેવન કરવું.આ ચાર મોક્ષના દ્રારપાળ છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે જેમ બધી બાજુંથી ભરપુર,અચળ,પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઇ જાય છે તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિતપ્રજ્ઞ પુરૂષમાં કોઇપણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઇ જાય છે તે જ પુરૂષ પરમ શાંતિને પામે છે. (ગીતાઃ૨/૭૦)
માનવીની તમામ એષણાઓ આત્મકામ આત્મસ્વરૂ૫માં વિલિન થઇ જાય છે ત્યારે જ પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે.અમે સંસારમાં રહીએ પરંતુ સંસાર અમારા મનમાં ના રહે તેવો પ્રયત્ન કરવો જોઇએ.મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે.વિષયાસક્ત મન બધ્ધ અને નિર્વિષય મન જ મુક્ત માનવામાં આવે છે.શંકરાચાર્યજી કહે છે કે જેને મનને જીતી લીધું છે તેને જગતને જીતી લીધું.મનનો પૂર્ણ નિરોધ કરવામાં વિષયવિહિન મન જ સમર્થ હોય છે.મનની શક્તિ વિશ્રામ નહી પરંતુ અભ્યાસ છે.જેવી રીતે પ્રાતઃકાળ સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઇ જાય છે તેવી જ રીતે મનની પ્રસન્નતાથી તમામ બાધાઓ શાંત થઇ જાય છે.
મનના બે પ્રકારના દોષ માનવામાં આવે છેઃ સ્થાઇ અને આવેગ જન્ય.લોભ મોહ આસક્તિ અને માન મેળવવાની ઇચ્છા એ સ્થાઇ દોષ છે,તે નિરંતર મનમાં રહેલા હોય છે.વિવેક-વેરાગ્ય અને સત્સંગના દ્વારા તેને દૂર કરી શકાય છે.કામ અને ક્રોધ આવેગજન્ય દોષ છે.રોગમાં તથા વૃધ્ધાવસ્થામાં કામવેગ સમાપ્ત થઇ જાય છે.જ્યાં ભય હોય ત્યાં ક્રોધ આવતો નથી.કામ અને ક્રોધ ક્યારે ઉત્પન્ન થઇ જાય તેની ખબર પડતી નથી.આવી ગયા પછી જો બુધ્ધિથી સાવધાની રાખીએ તો તેને દબાવવાનો પ્રયત્ન કરી શકાય છે. કામ-ક્રોધને આવવા જ ના દેવાય તેવી અગાઉથી કોઇ વ્યવસ્થા કરવી સંભવ નથી.આપણે જો સ્થાઇ દોષો ઉ૫ર વધુ ધ્યાન આપીએ તો તેનું ઉન્મૂલન કરી દઇએ તો આવેગજન્ય દોષો આપણું કશું જ બગાડી શકતા નથી.
વિદૂરજીએ કહ્યું છે કે મમતા એ જ સૌથી મોટું દુઃખ છે.મહાભારતમાં મમતાનો સર્વથા ત્ગાગ કરવાનું કહ્યું છે સાથે સાથે એવું કહ્યું છે કે જો મમતા કરવી જ હોય તો તેને વ્યાપક બનાવો.
સંત નિરંકારી મિશનના પ્રસિધ્ધ ગ્રંથ અવતારવાણીમાં કહ્યું છે કેઃપૂત્ર-પત્નીની કે કોઇ કર્મ કમાણી ઉપર આશા ના રાખો,રમતા રામનો ભરોસો રાખો કેમકે આ જગતનો કોઇ વિશ્વાસ નથી.સદગુરૂ પરમાત્મા ઉપર આશા રાખો કે જેનો કણ કણમાં વાસ છે.પ્રભુને દરેક ઘટની અંદર સમજીને સૌ માનવ સાથે પ્રેમ કરો. પ્રભુને દરેક ઘટની અંદર સમજીને દરેકનો આદર અને સત્કાર કરો.એક પ્રભુ પરમાત્માના ગુણગાન કરો અને તેમનો જ આધાર રાખો.
આજનો માનવ મંદિર સુધી તો પહોંચી જાય છે પરંતુ ભગવાન સુધી પહોંચી શકતો નથી.મંદિર સુધી પહોંચવું સરળ છે પરંતુ ભગવાન સુધી પહોંચવું કઠીન છે.ચરણ અમોને મંદિર સુધી લઇ જાય છે અને આચરણ સ્વચ્છ હશે તો તે અમોને ભગવાન સુધી પહોંચાડશે.
માનવ મનની વિકૃતિઓ કામ ક્રોધ લોભ મોહ અહંકાર જ મંદિર અને ભગવાન વચ્ચેનો પડદો છે. જ્યાંસુધી આ દુર્ગુણોનો પડદો હટતો નથી ત્યાં સુધી મંદિર સુધી પહોંચવા છતાં અમે ભગવાનથી કોસો દૂર છીએ.મંદિર સુધી પહોંચવું શરીરનો વિષય છે અને ભગવાન સુધી પહોંચવું મનનો વિષય છે.જ્યાં મનની નિર્મળતા સરળતા અને નિષ્કપટતા છે ત્યાં ભગવાનનો વાસ અવશ્ય હોય છે.
સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે મનુષ્યને ગંદા અને મૈલા કપડાં પહેરવામાં શરમ આવે છે તો ગંદા અને મૈલા વિચારોની પણ શરમ આવવી જોઇએ.અમારા જીવન નિર્માણમાં વિચારોની ઘણી જ મુખ્ય ભૂમિકા હોય છે.જેટલા સારા અમારા વિચારો હશે તેટલું સ્વચ્છ અમારૂં જીવન બનશે.અમારા વિચારોથી અમારૂં આચરણ નિર્માણ થાય છે.સ્વચ્છ વિચારો જ શ્રેષ્ઠ આચરણને જન્મ આપે છે એટલે હંમેશાં સારા વિચારો માટે પ્રયાસરત રહીએ કારણ કે શરીરથી વધુ મન અને ચહેરાથી વધુ ચરીત્રની પવિત્રતા જીવનને શ્રેષ્ઠ બનાવે છે.
પ્રસિદ્ધિ મનની શાંતિમાં અવરોધ પેદા કરે છે.સફળતા મેળવવા મનને શાંત કરવું આવશ્યક છે.એક અશાંત મનથી સારા પરીણામની આશા રાખી શકાતી નથી.અશાંત મન કોઇપણ કામમાં પૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી જેનાથી અમે કોઇપણ કાર્યમાં સર્વશ્રેષ્ઠ લક્ષ્યને પ્રાપ્ત કરી શકતા નથી.આપના જીવનમાં જો શાંતિ છે તો આપ સંસારના સૌથી સુખી વ્યક્તિ છો.
કોઇપણ સમાજમાં શાંતિને વ્યક્તિથી અલગ જોઇ શકાતી નથી.વ્યક્તિ તમામ ભૌતિક સુખો મળ્યા પછી પણ સંતુષ્ઠ થતો નથી કારણ કે જ્યાંસુધી મનુષ્ય માનસિકરૂપથી શાંત ના હોય ત્યાંસુધી ભૌતિક વસ્તુઓ તેને સુખ-શાંતિ આપી શકતાં નથી.ક્યારેક વ્યક્તિની પ્રસિદ્ધિ પણ તેની શાંતિનો નાશ કરે છે કારણ કે પ્રસિદ્ધિ ટકાવી રાખવા માટે વ્યક્તિ પોતાની તમામ શક્તિ લગાવી દેતો હોય છે,કેટલાક સમય સુધી લોકપ્રિયતાથી તેને ખુશી મળે છે પરંતુ ત્યારબાદ ગુસ્સો અને નિરસતા તેના જીવનમાં આવી જાય છે.
મનને શાંત રાખવું જીવનમાં અતિ આવશ્યક છે કારણ કે તેના વિના જીવન-પથ નિરર્થક સાબિત થાય છે.જીવન નિર્માણમાં મન ઘણી જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.ઘણા લોકોને ટેવ હોય છે કે તે જુની વાતોને વર્ષો સુધી યાદ રાખે છે અને તે વાતો વિશે જ વિચારો કરતા રહે છે.કોઇએ કોઇ કડવી વાત કહી દીધી તો તેને લાંબો સમય સુધી પોતાના મગજમાં ભરી રાખે છે અને તેના વિશે જ વિચાર્યા કરે છે અને આ વાત જ મનને બગાડે છે એટલે કડવી વાતોને વધુ સમય સુધી મનમાં ના રાખતાં મનને સારી લાગે તેવી કેટલીક સારી અને મધુર સ્મૃતિઓના વિશે વિચાર કરવો.
મનને શાંત રાખવા વિશે એકવાર દલાઇ લામાએ કહ્યું હતું કે..વૃક્ષને કાપીને,પશુઓને મારીને તથા લોહીની નદીઓ વહેવડાવીને જો સ્વર્ગ પ્રાપ્ત થતું હોય તો પછી નર્ક કોને પ્રાપ્ત થશે? વિભિન્ન મતના અનુયાયીઓએ એકબીજામાં વિશ્વાસ તથા મૂલ્યોનું સન્માન કરવું જોઇએ.
અમોને શાંતિ કેવી રીતે મળે? એ જાણવું એ જીંદગીની વાસ્તવિકતા છે.ઘણું બધું ધન કમાવી લેવા માત્રથી વ્યક્તિ ધનવાન તો બની શકે છે પરંતુ મનની શાંતિને પ્રાપ્ત કરી શકતો નથી અને છેલ્લે તે શાંતિની શોધમાં પરમાત્માને પ્રાર્થના કરે છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


