જૂનાગઢ સખીવન સ્ટોપ દ્રારા છેલ્લા છ માસ દરમિયાન જાન્યુઆરી-૨૦૨૩ થી જૂન-૨૦૨૩ સુધીમાં સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢ પર કુલ ૮૪ કેસો આવેલ હતા. જેમાં સેન્ટર દ્વારા જુદી જુદી સેવાઓ પૂરી પાડી, ૮૪ કેસો પૈકી તમામ કેસોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતુ. જેમાં ૬૨ કેસોમાં આશ્રય સહાય, ૭૭ કેસોનું સમાધાન, અને જુરુર જણાયે કેસને તબીબી સહાય, પોલીસ સહાય અને કાયદાકીય સહાય પણ અપાવવામાં આવેલ છે.
તે ઉપરાંત સેન્ટર પર આવેલા કેસો પૈકી જિલ્લા વહિવટી તંત્રનાં વિવિધ વિભાગોનાં સંકલન થકી રાજ્ય બહારની પણ બે મહિલાઓનું સેન્ટર દ્વારા પરિવારમાં પુનઃસ્થાપન કરવામાં આવેલ છે.
તાજેતરમાં જ ૭૦ વર્ષીય મહિલાનું તેમના પરીવાર સાથે પુનઃમિલન જૂનાગઢ સખીવન સ્ટોપ સેન્ટર દ્રારા કરાયું હતુ. જેઓ રાજકોટના રહેવાસી હતા અને જૂનાગઢમાં પ્રસંગમાં આવેલા વૃદ્ધ મહિલાની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોવાના કારણે ત્યાં થી નીકળી ગયેલ અને જૂનાગઢ બાયપાસ પાસે બેઠેલા જોઈ કોઈ જાગૃત નાગરીકે ૧૮૧ મહિલા હેલ્પ લાઈનમાં ફોન કર્યો હતો.
૧૮૧ની ટીમ દ્વારા આ વૃદ્ધ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢ ખાતે આશ્રય અપાવવામાં આવ્યો હતો. જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા આ મહિલાના પરિવારની વિગતો જાણવા પ્રયત્નો કરતા તેઓ ગોંડલ ભોજપરા શેરી નંબર ૧૬નું રટણ કરતા હતા. તેથી સેન્ટરના કર્મચારીઓ દ્વારા ગોંડલના સખી વન સ્ટોપ સેન્ટરની મદદ લેવામાં આવેલ અને તેમના પરિવારનો સંપર્ક કર્યો હતો. તેમની પાસેથી જૂનાગઢમાં રહેતા સગાના ફોન નંબર મેળવી તેમની સાથે વાતચીત કરતાં વૃદ્ધ મહિલાના પરિવારના લોકોને સેન્ટર પર બોલાવી વિખુટા પડેલા વૃદ્ધ મહિલાનું પરીવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતુ.
