ફટાકડા ફોડી આતશબાજી કરી જીતને વધાવી
જુનાગઢ જિલ્લાના વંથલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીની મત ગણતરી આજરોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી જેમાં ખરીદવેચાણ સંઘમાં ભાજપ પ્રેરિત પેનલના બંને ઉમેદવારોનો વિજય થયો હતો વેપારી વિભાગમાં કોંગ્રેસ પ્રેરિત પેનલમાં તમામ 4 ઉમેદવારોનો વિજય થયો હતો તેમજ ખેડૂત વિભાગમાં ભાજપ પ્રેરિત પેનલના તમામ 10 ઉમેદવારોનો વિજય થયો હતો ગઇ કાલે યોજાયેલ ચૂંટ ણીમાં ભાજપ તેમજ કોંગ્રેસ પ્રેરિત પક્ષના ઉમેદવારોએ માર્કેટિંગ યાર્ડ કબ્જે કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું ત્યારે આજે સવારે 9 વાગ્યે હાથ ધરાયેલ મત ગણતરીમાં શરૂઆતથી વેપારી પેનલને બાદ કરતાં ખરીદ વેચાણ સંઘ અને ખેડૂત વિભાગમાં શરૂઆતથી જ ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો આગળ રહ્યા હતા અને મતગણતરીના અંતે ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થતા કાર્યકરો અને સહકારી ક્ષેત્રના આગેવાનોએ જીતને વધાવી વિજેતા થયેલ તમામ ઉમેદવારોને હારતોરા કરી અભિનંદન પાઠવ્યા હતા.
વધુમાં ભાજપ પ્રેરિત વિજેતા ઉમેદવાર દિનેશભાઈ ખટારીયા એ જણાવ્યું હતું કે ભાજપ સરકાર તેમજ મોદી સાહેબના નેતૃત્વમાં લોકોએ મૂકેલા વિશ્વાસનું પરિણામ છે તેમજ તેઓએ આક્ષેપ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા અમારી પેનલના ઉમેદવારોને લોભ લાલચ પણ આપવામાં આવી હતી છતાં પણ ઉમેદવારો લોભ લાલચમાં આવ્યા નથી અને વધુમાં જણાવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય તેમજ ચાલુ ધારાસભ્યના પરદા પાછળથી અમારી પેનલના ઉમેદવારોને હરાવવા માટે અથાગ પ્રયત્નો કરવા છતાં પણ આજે ભાજપ પ્રેરિત પેનલનો જ્વલંત વિજય થયો છે તે બદલ તેમણે મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ફ્રૂટ માટે હબ કહેવાતા વંથલી ફ્રૂટ માર્કેટમાં કેસર કેરી ,રાવણા,સીતાફળ,ચીકુ ના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને માર્કેટિંગયાર્ડનો વધુ વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી


