જિલ્લા કલેકટર કે.એલ બચાણીની અધ્યક્ષતામાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા આયોજિત અનુસૂચિત જાતિ પેટા યોજના સમીક્ષા બેઠક કલેકટર કચેરી નડિયાદ ખાતે યોજવામાં આવી. આ બેઠકમાં માર્ચ ૨૦૨૩ અને જુન ૨૦૨૩ માટે વિવિધ અનુસૂચિત જાતિ પેટા યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
અનુસૂચિત જાતિ પેટા યોજના અંતર્ગત મનરેગા, કુટીર ઉદ્યોગ, પાક વ્યવસ્થા, પશુપાલન કાર્યક્રમ, મરઘા ઉછેર, ગામ પાણી પુરવઠા, વીજળીકરણ, વન વિકાસ, પછાત વર્ગનું કલ્યાણ સહિતની યોજનાઓ અને કાર્યક્રમોમાં મંજૂર થયેલ કામ અને પ્રગતિ હેઠળના કામ, કામની ગુણવત્તા અને સમયમર્યાદા જેવા મહત્વના મુદ્દાઓ ઉપર કલેકટરશ્રી દ્વારા જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની એ. ગોયલ, જિલ્લા શિક્ષણ અધિકારી, ખેતીવાડી અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પશુપાલન નિયામક, મત્સ્ય ઉદ્યોગ, સમાજ સુરક્ષા, નાયબ વન સંરક્ષક, રોજગાર અને પોલીસ સહિત વિભાગના અઘિકારીઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.


