જીવન જીવવા માટે જેમ પાણીની જરૂરીયાત રહે છે તેવી જ રીતે વૃક્ષોનો ઉછેર પણ જરૂરી: કુંવરજીભાઇ બાવળીયા
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે પર્યાવરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા વનપાલ, વનરક્ષક, મિશન ગ્રીન-બોટાદને સન્માનિત કરાયા
ગુજરાતના જળ સંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષ સ્થાને તેમજ ગાંધીનગર-મોનીટરીંગના નાયબ વન સંરક્ષક ગાર્ડી પોપટ ગણપતરાવની પ્રેરક ઉપસ્થિતિમાં ફુલવાડી, શ્રી વિસામણબાપુની જગ્યા, પાળીયાદ ખાતે “જિલ્લા કક્ષાનો ૭૪મો વન મહોત્સવ” કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કક્ષાના ૭૪મા વન મહોત્સવના કાર્યક્રમમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર “ગ્રીન ગુજરાત-ક્લીન ગુજરાત”ના લક્ષ્ય ભણી આગળ વધી રહી છે. વધુને વધુ વૃક્ષોનુ વાવેતર કરી તેનું જતન કરી “ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત” ના સંકલ્પનાને સાકાર કરવા સરકાર કટીબધ્ધ હોવાનું મંત્રી એ જણાવ્યું હતું. આવનારી પેઢીને વારસામાં કંઈ આપવા માટે ટકાઉ વિકાસ ખુબ જ જરૂરી છે, માટે પર્યાવરણની જાળવણી માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી ના નેતૃત્વમાં પર્યટક સ્થળોએ અનેક સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરીને વન મહોત્સવ અંગે પ્રોત્સાહન પુરું પાડવામાં આવી રહ્યું છે.
દર વર્ષે વર્ષાઋતુના સમયગાળામાં સમગ્ર રાષ્ટ્ર અને રાજ્યમાં વન મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. જેના થકી લોકોમાં વૃક્ષો પ્રત્યેનો પ્રેમ વધે છે. જે રીતે જીવન જીવવા માટે પાણીની જરૂરીયાત રહે છે તેવી જ રીતે વૃક્ષોનો ઉછેર પણ જરૂરી હોવાની સાથે બોટાદવાસીઓને શેઢે, પાળે, પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવા, સરકારી અધિકારીઓ-કર્મચારીઓને એક એક વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવાં મંત્રી એ આહ્વાન કર્યું હતું.
બોટાદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા બોટાદ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૧,૩૬૫ હેક્ટર જમીનમાં ૧૧ લાખથી પણ વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વર્ષે બોટાદ જિલ્લાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં ૨.૭૫ હેક્ટરમાં ૨૭,૫૦૦ રોપા રોપીને ત્રણ કવચ વન એટલે કે મિયાંવાકી પધ્ધતિથી ફોરેસ્ટ તેમજ બરવાળા નગરપાલિકા વિસ્તારમાં એક અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરાશે. મંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે નવહથ્થા હનુમાનજી મંદિર પાસે એક પવિત્ર ઉપવનનું નિર્માણ કરાયું છે. તાજેતરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બોટાદ જિલ્લામાં ૩ નમો વડનું પણ નિર્માણ કરાયું હોવાનું જણાવ્યું મંત્રી એ જણાવ્યું હતું. જિલ્લામાં પર્યાવરણક્ષેત્રે થયેલી શ્રેષ્ઠ કામગીરી બદલ સામાજિક વનીકરણ વિભાગ અને સામાજિક સંસ્થાઓને મંત્રી એ અભિનંદન પાઠવ્યાં હતાં.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી, ગાંધીનગર-મોનીટરીંગના નાયબ વન સંરક્ષક ગાર્ડી પોપટ ગણપતરાવ અને પૂજ્યશ્રી વિસામણબાપુની જગ્યા પાળીયાદના પ.પૂ.શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુએ વન મહોત્સવના મહત્વ અંગે પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં.આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે ડી.સી.પી નર્સરી રોપ ઉછેરની સારી કામગીરી બદલ તાજપરના લાભાર્થી જયેશભાઇ શામજીભાઇ રાઠોડ અને ધનજીભાઇ સુતરીયાને ત્રીજા હપ્તાનો ચેક એનાયત કરાયો હતો. પ્રતિક રૂપે ૨ લાભાર્થીઓને નિર્ધુમ ચુલા, ”મિશન ગ્રીન બોટાદ” ધ્વારા બોટાદ જિલ્લામાં વિવિધ રસ્તાઓ પર પીંજરા સાથે વૃક્ષારોપણ કરી જતનપૂર્વક ઉછેર કરવાની કામગીરી તેમજ બોટાદ જિલ્લાના શહેરી વિસ્તારમાં પંચવટી વન, પ્રમુખ પાર્ક, નક્ષત્ર વન જેવી વૃક્ષારોપણની ઉમદા કામગીરી કરવા બદલ સન્માન પત્ર તેમજ શ્રેષ્ઠ કામગીરી બદલ વનપાલ મહાવીરસિંહ પરમાર અને વનરક્ષક આર.આર. સરૈયાને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતાં. કાર્યક્રમ પૂર્ણ થયાબાદ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિત અન્ય મહાનુભાવોએ ફુલવાડી શ્રી વિસામણબાપુની જગ્યા ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. પ્રારંભમાં નાયબ વન સંરક્ષક આયુષ વર્માએ સૌનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસર ચૌધરીએ આભાર દર્શન કર્યું હતું.
કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના સદસ્યશ્રી પૂજ્ય ભયલુબાપુ, કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ, પ્રાંત અધિકારી દિપક સતાણી, બોટાદ APMCના મનહરભાઇ માતરિયા સહિત જિલ્લાના અધિકારીઓ- પદાધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ-કર્મીઓ સહિત પાળીયાદ શહેરના નાગરિકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ


