West Bengal

કલકત્તા હાઈકોર્ટે ૪૮ કલાકની અંદર દરેક જિલ્લામાં કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો

કલકત્તા
પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી હિંસા કેસમાં મમતા સરકાર અને રાજ્ય ચૂંટણી પંચની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કલકત્તા હાઈકોર્ટે ૪૮ કલાકની અંદર દરેક જિલ્લામાં કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીને લઈને મમતા સરકારને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટના ર્નિણયને યથાવત રાખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યના દરેક જિલ્લામાં કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવે. આ સાથે રાજ્ય સરકાર પર આકરી ટીપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી કરાવવી એ હિંસા કરવાનું લાયસન્સ નથી.સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ મનોજ મિશ્રની બેંચે કહ્યું હતું કે હાઈકોર્ટના નિર્દેશથી રાજ્ય ચૂંટણી પંચને ચૂંટણી કરાવવાની તેની જવાબદારી પૂરી કરવામાં મદદ મળશે. ખંડપીઠે જણાવ્યું હતું કે હાઈકોર્ટના નિર્દેશો એ સુનિશ્ચિત કરશે કે બિન-સંવેદનશીલ વિસ્તારોમાં પણ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય છે. કલકત્તા હાઈકોર્ટે ૪૮ કલાકની અંદર દરેક જિલ્લામાં કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. જેની સામે રાજ્ય સરકાર અને રાજ્ય ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.પશ્વિમ બંગાળ સરકારના વકીલે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, ૧૩ જૂને રાજ્ય ચૂંટણી પંચ રાજ્ય સરકાર સાથે સુરક્ષાને લઈને મૂલ્યાંકન કરી રહ્યું હતું, પરંતુ ૧૫ જૂને હાઈકોર્ટે ૪૮ કલાકની અંદર અર્ધલશ્કરી દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે કોર્ટે વર્તમાન સ્થિતિ વિશે પૂછ્યું ત્યારે રાજ્ય સરકારના વકીલે કહ્યું હતું કે ૮ જૂલાઈએ ચૂંટણી યોજાવાની છે. આજે (૨૦ જૂન) નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. અહીં ૧૮૯ સંવેદનશીલ બૂથ છે. અમે સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.સુપ્રીમ કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે હાઈકોર્ટે આ આદેશ એટલા માટે આપ્યો કારણ કે ૨૦૧૩ અને ૨૦૧૮ની ચૂંટણીમાં હિંસાનો જૂનો ઈતિહાસ છે. હિંસાના વાતાવરણમાં ચૂંટણી યોજી શકાય નહીં. ચૂંટણી નિષ્પક્ષ અને મુક્ત હોવી જાેઈએ. જાે લોકોને ઉમેદવારી પત્ર ભરવાની સ્વતંત્રતા પણ ન હોય, તેમની હત્યા થઈ રહી હોય તો મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીનો પ્રશ્ન જ ઊભો થતો નથી. કોર્ટે કહ્યું હતું કે તમારી પોતાની માહિતી મુજબ તમારી પાસે પોલીસ ફોર્સની અછત છે અને તમે અન્ય રાજ્યોમાંથી પોલીસ ફોર્સ લાવવાની વાત કરી રહ્યા છો. આ કારણોસર હાઈકોર્ટે અન્ય રાજ્યોમાંથી પોલીસ બોલાવવાને બદલે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને તૈનાત કરવા કહ્યું હશે. તેના પર પશ્ચિમ બંગાળ સરકારના વકીલે કહ્યું કે એવું નથી, અમે પોલીસ ફોર્સની વ્યવસ્થા કરી છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચે અત્યાર સુધી શું કર્યું છે. રાજ્ય ચૂંટણી પંચ માત્ર જરૂરિયાતનું મૂલ્યાંકન કરે છે અને રાજ્ય સરકારોને સુરક્ષા દળોની જરૂરિયાત વિશે માહિતી આપે છે અને રાજ્ય સરકારો સુરક્ષા દળો તૈનાત કરે છે. અરજદાર સુવેન્દુ અધિકારી તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ જણાવ્યું હતું કે જાે રાજ્ય સરકાર એવી ધારણા હેઠળ ચાલી રહી છે કે સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સ ‘ કોઇ આક્રમણકારી સેના ‘ છે તો આ માઇન્ડસેટથી કંઈ થઈ શકે નહીં.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *