ધારાસભ્યશ્રી રિટાબેન પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર તાલુકાના પીંપળજ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લામાં ધારાસભ્યશ્રી રિટાબેન પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર તાલુકાના પીંપળજ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આ યજ્ઞમાં સહભાગી બનવા સૌએ સહયોગ આપવાનો છે.જાે પોતે પાત્રતા ધરાવો છો તો લાભથી વંચિત નથી રહેવાનું અને જાે તમે યોજનાની માહિતી ધરાવો છો, પણ પાત્રતા નહીં તો જરૂરતમંદોને લાભ અપાવવા મદદ કરી તમે પણ વિકસિત ભારતમાં પોતાનું યોગદાન આપી શકો છો. આ પ્રસંગે તેમણે ખેડૂતોને ઉદ્દેશીને ભારપૂર્વક જણાવતા સવાલ કર્યો હતો કે આપણા પૂર્વજાેએ આપેલી ફળદ્રુપ જમીનને આપણે બંજર બનાવી છે, તો શું આપણે આપણી આવનારી પેઢીને આ બંજર જમીન આપીશું? તેમ જણાવતા તેમણે રાસાયણિક ખાતરોના ઉપયોગથી થનારા ભયંકર પરિણામોથી સૌને અવગત કરી પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત આ કાર્યક્રમમાં ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓ અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પીંપળજ ગામને હરઘર શૌચાલય અંતર્ગત ૧૦૦ ટકા કામગીરી બદલ ધારાસભ્યશ્રીના હસ્તે અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાઓના લાભ વિશેની વાત કરી હતી. જેમાં આયુષ્માન કાર્ડના લાભાર્થી ભીખુસિંહજી તથા પ્રધાનમંત્રી માતૃવંદનાના લાભાર્થી પારેજી જયાબેને પોતાના શબ્દોમાં યોજનાથી મળેલા લાભની વાત કરી અન્યને પણ યોજનાના લાભ લેવા પ્રેરિત કર્યા હતા. આ તકે વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતી ફિલ્મને લોકોએ રસપૂર્વક નિહાળી હતી. તેમજ વિકસિત ભારત માટે પોતાનું યોગદાન આપવા પ્રતિજ્ઞા લીધી હતી.નોંધનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત વિનામૂલ્યે આરોગ્ય ચેકઅપ કેમ્પનો લોકોએ કાર્યક્રમ સ્થળે લાભ લીધો હતો.
પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ‘ધરતી કહે પુકાર કે’ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળી જમીનના રક્ષક બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે પીંપળજ ગામના સરપંચશ્રી ભીખુસિંહ વાઘેલા ,જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી ઇન્દ્રવદનભાઈ પટેલ, ડે. સરપંચશ્રી સંદીપ સિંહ વાઘેલા, અગ્રણીશ્રી પિયુષ પટેલ તથા તાલુકા વહીવટી તંત્રના પદાધિકારીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.