ટાટા પ્રોજેક્ટ્સ બનાવી રહી છે માઇક્રોનની પ્રથમ ભારતીય ચિપ ફેક્ટરી
ભારતમાં સેમિકન્ડક્ટર ક્રાંતિ લાવવાના સરકારના પ્રયાસો હવે શરૂ થઈ ગયા છે. અમેરિકન સેમિકન્ડક્ટર કંપની માઈક્રોન ટેક્નોલોજીએ ભારતમાં તેના પ્રથમ પ્લાન્ટ પર કામ શરૂ કરી દીધું છે. માઈક્રોને આ પ્લાન્ટ માટે ભારતીય કંપની ટાટા પ્રોજેક્ટ્સની મદદ લીધી છે. કંપનીએ આ પ્લાન્ટ માટે હાયરિંગ પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. માઈક્રોન લિમિટેડનો આ પ્લાન્ટ ગુજરાતના સાણંદમાં બની રહ્યો છે. કંપની તેની સૂચિત ફેક્ટરીમાં ૨.૭૫ બિલિયન ડોલરનું રોકાણ કરવા જઈ રહી છે. માઈક્રોને શનિવારે આ માટે ભૂમિ પૂજન સમારોહનું આયોજન કર્યું હતું. આ રીતે સાણંદ ઔદ્યોગિક વિસ્તારમાં માઈક્રોનની પ્રથમ ભારતીય ફેક્ટરીનું નિર્માણ કાર્ય ઔપચારિક રીતે શરૂ થયું છે.
આ માઈક્રોન ફેક્ટરી સાણંદ ઔદ્યોગિક વસાહતમાં ૯૩ એકરના પ્લોટ પર બનાવવામાં આવી રહી છે. અમેરિકન કંપની આ પ્લાન્ટમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરવા જઈ રહી નથી પરંતુ આ પ્લાન્ટમાં એસેમ્બલી, ટેસ્ટ, માર્કિંગ અને પેકેજિંગનું કામ કરવામાં આવશે. શનિવારે ભૂમિ પૂજન સમારોહની સાથે માઈક્રોને પ્લાન્ટ માટે ટાટા પ્રોજેક્ટ્સ સાથે કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. સરકાર સેમિકન્ડક્ટર મામલે દેશને આર્ત્મનિભર બનાવવા પર ભાર આપી રહી છે. આ કારણોસર સરકાર ભારતમાં પ્લાન્ટ સ્થાપતી કંપનીઓને ઘણી મદદ કરી રહી છે. માઈક્રોનને સરકાર તરફથી પણ મદદ મળવા જઈ રહી છે. આ નિર્માણાધીન પ્લાન્ટની કુલ કિંમતનો અડધો ભાગ કેન્દ્ર સરકાર ભોગવશે જ્યારે રાજ્ય સરકાર વિવિધ રાહત પગલાં દ્વારા ખર્ચના ૨૦ ટકા ભોગવશે. આ રીતે માઈક્રોને કુલ કિંમતના માત્ર ૩૦ ટકા ચૂકવવા પડશે. માઈક્રોનના આ પ્લાન્ટમાં ૫ લાખ ચોરસ ફૂટનો ક્લીન રૂમ પણ સામેલ છે. કંપનીને આશા છે કે પ્લાન્ટનું નિર્માણ કાર્ય આવતા વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. અમેરિકન ચિપ કંપની ૨૦૨૪ ના અંત સુધીમાં પ્લાન્ટ પૂર્ણ થયા પછી કામગીરી શરૂ કરવાની આશા રાખે છે.
મતલબ કે આ માઈક્રોન પ્લાન્ટમાં કામગીરી ૨૦૨૫થી શરૂ થઈ શકે છે. માઈક્રોને એમ પણ કહ્યું કે તેણે પ્રસ્તાવિત પ્લાન્ટ માટે લોકોની ભરતી શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન માઈક્રોને આ પ્લાન્ટને લઈને એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કંપની આ પ્લાન્ટમાં કુલ ૨.૭૫ અબજ ડોલરનું રોકાણ કરવા જઈ રહી છે.
અમેરિકન કંપની આ ફેક્ટરીના નિર્માણમાં બે તબક્કામાં ૮૨૫ મિલિયન ડોલરનું રોકાણ કરશે. આ પ્લાન્ટમાંથી લગભગ ૫ હજાર લોકોને પ્રત્યક્ષ રોજગારીની તકો મળશે, જ્યારે ૧૫ હજાર લોકોને પરોક્ષ રોજગારની તકો મળી શકે તેવી અપેક્ષા છે.