ગાંધીનગર
ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે, વર્ષ ૨૦૧૫-૧૬ થી અત્યારસુધીમાં કુદરતી આફતોમાં અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને ચૂકવાયેલી સહાયની રકમનો આંકડો આ વાતનો પુરાવો છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૫-૧૬ થી લઈને વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં કુદરતી આફતમાં થયેલા પાક નુકશાનીમાં રાહત આપવા ૮૮.૭૬ લાખ અસરગ્રસ્ત ખેડૂતોને રૂ. ૧૦,૫૩૨ કરોડથી વધુ રકમની આર્થિક સહાય ચૂકવી છે.
એ સર્વવિદિત છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમ ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે કાર્યરત છે, પણ કમનસીબે અનેકવાર અતિવૃષ્ટી, અનાવૃષ્ટી, વાવાઝોડું કે માવઠા જેવા કુદરતી પરિબળોના કારણે કિસાનોએ વ્યાપક પ્રમાણમાં પાક-નુકશાની સહન કરવી પડી છે. જાે કે, આવા કપરા સંજાેગોમાં કેન્દ્ર અને ગુજરાત સરકાર ખેડૂતોની પડખે અડીખમ ઉભી રહી છે.
જાે વિગતવાર જાેઈએ તો, વર્ષ ૨૦૧૫-૧૬માં ભારે વરસાદ અને કમોસમી વરસાદના પગલે ૧,૮૨,૦૪૧ ખેડૂતોના પાકને મોટા પાયે નુકશાન થયું હતું. આ નુકશાનીની સહાય પેટે સ્ટેટ ડિઝાસ્ટર રિલિઝ ફંડ હેઠળ ખેડૂતોને રૂ. ૨૭૯.૨૨ કરોડની સહાય ચૂકવવામાં આવી હતી. તે જ રીતે વર્ષ ૨૦૧૭-૧૮માં ભારે વરસાદ, પૂર અને જમીન ધોવાણના કિસ્સામાં ૭,૬૯,૫૭૦ ખેડૂતોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો હતો. રાજ્ય સરકારે ખેડૂતોને આ નુકશાની પેટે રૂ. ૧,૭૦૬. ૬૦ કરોડની રકમ સહાય તરીકે ચૂકવી હતી.
બીજા જ વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૮-૧૯ માં પણ ભારે વરસાદ,પૂર અને દુષ્કાળ જેવી આફતોમાં ૧૭,૫૯,૬૧૪ ખેડૂતોને રાજ્ય સરકારે રૂ.૧,૬૭૮.૦૯ કરોડની રકમ સહાય પેટે ચૂકવી. તે જ રીતે વર્ષ ૨૦૧૯-૨૦માં પણ કમોસમી વરસાદના કિસ્સામાં ૩૩,૧૮,૦૯૭ ખેડૂતોને કૃષિ સહાય પેકેજ તરીકે રૂ. ૨,૪૮૯.૫૮ કરોડની સહાય ચૂકવવામાં આવી. વર્ષ ૨૦૨૦-૨૧ પણ બાકાત ન હતું. આ વર્ષમાં ભારે વરસાદ, પૂરના પગલે રાજ્યના ૧૯,૦૩,૫૭૫ ખેડૂતોને ખેતીમાં નુકશાન થયું. જેની સહાય પેટે સરકાર દ્વારા રૂ.૨,૯૦૫.૯૭ કરોડની ચૂકવણી કરવામાં આવી. વર્ષ ૨૦૨૧-૨૨માં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો.
વાવાઝોડાથી થયેલા નુકશાનના પગલે રાજ્યના ૭,૬૭,૩૩૦ ખેડૂતોને બે તબક્કામાં રૂ. ૧,૨૪૦.૫૮ કરોડની સહાય ચૂકવવામાં આવી.
વર્ષ ૨૦૨૨-૨૩ માં પણ રાજ્યએ અતિવૃષ્ટીનો સામનો કરવો પડ્યો. અતિવૃષ્ટીના કારણે ૧,૩૮,૬૯૧ ખેડૂતોને આર્થિક નુકશાની સહન કરવાનો વારો આવ્યો. આ સ્થિતિમાં રાજ્ય સરકારે રૂ. ૧૪૭ કરોડની સહાય ચૂકવી. વર્ષ ૨૦૨૩-૨૪માં પણ કમોસમી વરસાદની સ્થિતિમાં ૩૭,૦૪૫ ખેડૂતોને કૃષિ રાહત પેકેજ જાહેર કરીને ૮૫.૪૯ કરોડની સહાય ચૂકવી.
આમ, છેલ્લા ૯ વર્ષના સમય-ગાળામાં ગુજરાતમાં આવેલી કુદરતી આફતોમાં ગુજરાત સરકાર ધરતીપુત્ર સાથે ખભેખભા મિલાવી ઉભી રહી છે.
