આ હૃદય કંપાવી દેતા દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના. ના ટ્રેકટર ના બળદ. એક ગરીબ ખેડૂત જાતે જ બળદ બની તેની પત્ની સાથે કરી રહ્યો છે ખેતી. આ ખેડૂત છે અનુભાઈ રાઠવા, જે રીતે મધર ઈન્ડીયા ફિલ્મમાં એક ખેડૂત માતા પોતાના બાળકોના પેટ ભરવા માટે જાતેજ હલ ખેચી જમીન ચિરી ખેતી કરે છે તેવીજ રીતે અહી અનુભાઈ અને તેમના પત્ની સીતાબેન પણ પોતાનું અને પોતાના દીકરાના પેટ માટે જાતે જ બળદ બની હળ ખેચવા મજબૂર છે. અનુભાઈના પરિવારમાં એક સંતાન છે જે માનસિક દિવ્યાંગ છે. અને આ જ કારણે અનુભાઈ અને તેમનો પરિવાર વર્ષોથી આર્થિક બદહાલીમાં જીવન જીવી રહ્યા છે. ઘરમાં બે ભેસોંછે તેમજ ખેત મજૂરી કરી જે કમાણી થાય છે તેમાંથી મોટાભાગનો ખર્ચો
યુવાન દીકરાની સારવાર પાછળ ખર્ચ થાય છે. વારસાગત જમીનનાં ભાગલા પડતાં પડતા અનુભાઈના ભાગે માત્ર અડધા વીઘા જેટલો ટુકડો ભાગે આવ્યો જેમાં ખેતી કરી ગુજરાન ચલાવવું અશક્ય છે. જેથી પોતાનું અને પરિવારનું જીવન ગુજારવા અનુભાઇ ભાગે ખેતી રાખે છે. જ્યાં જમીન બીજાની અને ખાતર બિયારણ તેમજ મહેનત અનુભાઈ અને તેમની પત્નીની. હવે આ મોંઘવારીમાં મોઘું બિયારણ, મોઘું ખાતર અને ઉપરથી જો ખેડાણ માટે બળદ કે ટ્રેકટર ભાડે લે તો વધુ ખર્ચ થાય તેથી વર્ષોથી અનુભાઈ જાતે જ હળ ખેંચે છે અને પાછળ તેમની પત્ની મદદ કરે છે.
એવું નથી કે અનુભાઈની વ્યથાથી કોઈ અજાણ હોય, તાલુકા સેવા સદન તરફ જતા અતિ વ્યસ્ત માર્ગથી અડીને જ અનુભાઈ ખેતી કરી રહ્યા છે. સૌ કોઈ જાણે જ છે પરંતુ નિસહાય દંપતીની દયનીય હાલત પ્રત્યે માત્ર સંવેદના જ વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતને સરકારી સહાય થી ટ્રેકટર મળે છે પરંતુ એના માટે પણ સબસિડી બાદ કરી મોટી રકમ તો ચૂકવવી પડે જેની પણ અનુંભાઈ સગવડ કરી શકે તેમ નથી. તેવામાં શું કરવું તે મોટો સવાલ છે ? શું આવી રીતે જ અનુભાઈ અને તેમનું પરિવાર આખું જીવન વિતાવશે??
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર