સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના હાથમતી નદી કિનારે આવેલ સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આજે ચાલન વિધિ સવારથી શરુ કરવામાં આવી છે જે સાંજ સુધી ચાલશે. ત્યારે ત્રણ માસ બાદ નવીન મંદિરની કામગીરી શરૂ થશે. અધિક અને શ્રાવણ માસમાં ભક્તો સ્વયંભૂ ભોલેશ્વર દાદાની પૂજા કરી શકશે.ત્રણ મહિના પહેલા ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વા રૂપિયા એક કરોડની ફાળવણી કરવામાં આવ્યા બાદ સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારની કામગીરીને લઈને ધજા, દંડ અને કળશની ઉત્થાપન વિધિ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિર દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ મંદિરની ત્રણ દીવાલો પર પત્થર નહિં ટકવાને લઈને મંદિરની ત્રણ દીવાલો દુર કરવાની જરૂરિયાત હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલન વિધિ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.અષાઢી બીજને રથયાત્રાના દિવસે મંદિરમાં યજમાનો દ્વારા સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરના પટ્ટાગણમાં આચાર્ય બ્રાહ્મણો દ્વારા પૂજન અર્ચન વિધિ શરુ થઇ હતી. તો આ પૂજન અર્ચન સવારથી સાંજ સુધીમાં ચાલશે ત્યારબાદ મંદિરમાં સ્થાપિત પાર્વતીજી, ગણેશજી, ભૈરવજી, નંદીજી, કર્મજી, યમરાજજી, કુબેરજી, વરુણજી ધજા દંડજી અને કળશજીની ચાલન વિધિ કરીને તાંબાના ઘડામાં પ્રાણ પૂરીને તમામ તાંબાના કળશ એક રૂમમાં મુકવામાં આવશે અને વિધિ પૂર્ણ થશે. ત્યારબાદ અધિક અને શ્રાવણ માસ બાદ આખાય મંદિરનું કામ શરુ થશે. તો બીજી તરફ ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા વધુ ફંડ માટેની કાર્યવાહી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી છે. તેની મંજૂરી ત્રણ મહિનામાં મળી જશે. જેથી સંપૂર્ણ મંદિર ધાંગ્રધા પત્થરનું બનશે જેની કામગીરી ત્રણ મહિના બાદ શરુ થશે.આ અંગે સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, મેનેજીગ ટ્રસ્ટી બદ્રીભાઇ મિસ્ત્રી અને મંત્રી સુમનભાઈ રાવલે જણાવ્યું હતું કે, નવીન મંદિર ત્રણ મહિના બાદ બનવાનું શરુ થશે જેને લઈને મંદિરની ત્રણ દીવાલ દુર કરવાની છે. જે કામગીરી આજે ચાલન વિધિ પૂર્ણ થયા બાદ ત્રણ મહિના બાદ દુર કરવામાં આવશે અને મંદિરની કામગીરી શ્રાવણ અને અધિક માસ બાદ શરુ થશે.


