ગાંધીનગર
ભાજપને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત મળી છે. પાર્ટીએ ૧૮૨ સભ્યોની વિધાનસભામાં ૧૫૬ બેઠકો કબજે કરી હતી. નવી સરકારની રચનાના આઠ મહિના બાદ હવે રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની ખાલી પડેલી ૩૨ બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપ આ ચૂંટણીઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરવા માંગે છે, જ્યારે કોંગ્રેસ અને છછઁને ઝટકો આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ૧૫૬ બેઠકો સાથે વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત બાદ, ભાજપની સ્થાનિક સંસ્થાની કુલ ૩૨ બેઠકોની પેટાચૂંટણીમાં તેની પ્રથમ કસોટી થશે. રાજ્યની બે મહાનગરપાલિકાની ૩ અને ૧૯ નગરપાલિકામાં ખાલી પડેલી ૨૯ બેઠકો માટે ૬ ઓગસ્ટે મતદાન થશે. ભાજપ આ ચૂંટણીમાં જીત નોંધાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. ૨૦ જુલાઈના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાત પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠક પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં સ્થાનિક સંસ્થાની ૩૨ બેઠકોના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા.


