Gujarat

જીવાત્માના સ્વરૂપને કોન જાણે છે અને કોન નથી જાણતો?

અત્યારે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.આજે પંદરમા અધ્યાયના શ્ર્લોક-૧૦નું ચિંતન કરીશું જેમાં જીવાત્માના સ્વરૂપને કોન જાણે છે? અને કોન કોન નથી જાણતા? તેનું વર્ણન કરતાં ભગવાન કહે છે કે..

ઉત્ક્રામન્તં સ્થિતં વાપિ ભુજ્જાનં વા ગુણાન્વિતમ્

વિમૂઢા નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ

શરીર છોડીને જતા અથવા બીજા શરીરમાં સ્થિત થયેલા અથવા વિષયોને ભોગવી રહેલા પણ ત્રણેય ગુણોથી યુક્ત જીવાત્માના સ્વરૂપને અજ્ઞાનીજનો જાણતા નથી ફક્ત જ્ઞાનચક્ષુવાળા જ્ઞાની મનુષ્યો જ જાણે છે.

બ્રહ્મજ્ઞાનના ત્રણ સોપાન છેઃજાણવું-જીવનમાં ઉતારવું અને બ્રહ્મમય બની જવું.જ્યાં સુધી સર્વવ્યાપી પ્રભુ પરમાત્માનાં સાક્ષાત્ દર્શન-અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી રામનું નિર્મલ જ્ઞાન, વિમલ વિવેક થતો નથી.રામનું જ્ઞાન અને વિશ્વાસ ત્રણ રીતે થાય છેઃશાસ્ત્ર દ્વારા..ગુરૂ દ્વારા અને પોતે પોતાના દ્વારા. જ્યાં સુધી શાસ્ત્ર કૃપા..ગુરૂકૃપા અને આત્મકૃપાના દ્વારા પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી લક્ષચૌરાશીનો ચક્કર સમાપ્ત થઇ મુક્તિ મળતી નથી અને વ્યક્તિ માયામાં અહીં તહીં ભટકતો રહે છે.(અવતારવાણી-૯૩)

સ્થુળ શરીરને છોડતી વેળાએ જીવ સુક્ષ્મ અને કારણશરીરને સાથે લઇને પ્રસ્થાન કરે છે આ ક્રિયાને ઉત્ક્રામન્તમ કહે છે.જ્યાંસુધી હ્રદયમાં ધડકન રહે છે ત્યાંસુધી જીવનું પ્રસ્થાન માનવામાં આવતું નથી.હ્રદયની ધડકન બંધ થઇ ગયા પછી પણ જીવ કેટલાક સમય સુધી રહી શકે છે.વાસ્તવમાં અચળ હોવાથી શુદ્ધ ચેતનતત્વનું આવાગમન થતું નથી.પ્રાણોનું જ આવાગમન થાય છે પરંતુ સુ્ક્ષ્મ અને કારણશરીરની સાથે સબંધ રહેવાના કારણે જીવનું આવાગમન કહેવામાં આવે છે.જેવી રીતે કેમેરા ઉપર વસ્તુનું જેવું પ્રતિબિંબ પડે છે તેનું તેવું જ ચિત્ર અંકિત થઇ જાય છે તેવી જ રીતે મૃત્યુ સમયે અંતઃકરણમાં જે ભાવનું ચિંતન થાય છે તે જ આકારનું સુક્ષ્મ શરીર બની જાય છે.

મનુષ્ય જ્યારે વિષયોને ભોગવે છે ત્યારે પોતાને બહુ સાવધાન માને છે અને વિષય સેવનમાં સાવધાન પણ રહે છે.વિષયી મનુષ્ય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ-આમાંથી પ્રત્યેક વિષયને સારી રીતે જાણે છે.પોતાની જાણકારીથી પ્રત્યેક વિષયનું બહુ સ્પષ્ટતાથી વર્ણન કરે છે..આટલી સાવધાની રાખવા છતાં પણ તે મૂઢ-અજ્ઞાની જ છે કારણ કે વિષયો પ્રત્યેની આ સાવધાની કોઇ કામની નથી પરંતુ મૃત્યુ પછી નરકો અને નીચ યોનિઓમાં લઇ જવાવાળી છે.

જીવાત્મા,પરમાત્મા અને સંસાર-આ ત્રણેના વિષયમાં શાસ્તો અને દાર્શનિકોના અનેક મતભેદો છે પરંતુ જીવાત્મા સંસારના બંધનથી મહાન દુઃખ પામે છે અને પરમાત્માના સબંધથી મહાન સુખ પામે છે આમાં બધા જ શાસ્ત્રો અને દાર્શનિકોનો એકમત છે.સંસાર એક ક્ષણ પણ સ્થિર રહેતો નથી-આ અકાટ્ય નિયમ છે.સંસાર ક્ષણભંગુર છે આ વાત કહેતાં,સાંભળતાં અને વાંચતા હોવાછતાં પણ મૂઢ મનુષ્યો સંસારને સ્થિર માને છે.ભોગસામગ્રી,ભોક્તા અને ભોગરૂપી ક્રિયા-આ બધાને સ્થાઇ માન્યા વિના ભોગ થઇ શકતો નથી.ભોગી મનુષ્યની બુદ્ધિ એટલી મૂઢ થઇ જાય છે કે તે આ ભોગોથી વધીને કંઇ છે જ નહી-એવો દ્રઢ નિશ્ચય કરી લે છે એટલા માટે આવા મનુષ્યના જ્ઞાનચક્ષુ બંધ રહે છે.તેઓ મૃત્યુને નિશ્ચિત જાણતા હોવા છતાં ભોગ ભોગવવા માટે મૃત્યુલોકમાં રહેવા છતાં પણ સદાય જીવતા રહેવાની ઇચ્છા રાખે છે.

જીવાત્મા જે સમયે સ્થૂળશરીરમાંથી નીકળીને સુક્ષ્મ અને કારણશરીર સહિત જાય છે,બીજા શરીરને પ્રાપ્ત થાય છે તથા વિષયોનો ઉપભોગ કરે છે-આ ત્રણેય અવસ્થામાં ગુણોથી લિપ્ત દેખાવા છતાં પણ વાસ્તવમાં તે પોતે નિર્લિપ્ત રહે છે.સ્વરૂપમાં ઉત્ક્રમણ, સ્થિતિ કે ભોક્તાપણું નથી.ગુણો સાથે સબંધ માનતા રહેવાના કારણે જ જીવાત્મામાં ઉત્ક્રમણ, સ્થિતિ અને ભોગ – આ ત્રણે ક્રિયાઓ પ્રતિત થાય છે.વાસ્તવમાં આત્માનો ગુણો સાથે સબંધ છે જ નહી.ભૂલથી જ તેને પોતાનો સબંધ ગુણો સાથે માની રાખ્યો છે જેના કારણે તેને વારંવાર ઉંચનીચ યોનિઓમાં જવું પડે છે.જીવ સ્વરૂપથી ગુણાતીત હોવાછતાં ગુણો સ્થળ કાળ વ્યક્તિ વસ્તુ સાથે સબંધ જોડીને તેમનાથી બંધાઇ જાય છે.

જેવી રીતે અલગ અલગ કાર્યો કરવા છતાં પણ આપણે તે જ રહીએ છીએ એવી રીતે ગુણોથી યુક્ત થઇને શરીરને છોડતી વખતે, અન્ય શરીરને પ્રાપ્ત થતી વેળાએ તથા ભોગ ભોગવતી વખતે પણ પોતે (આત્મા) તે જ રહે છે.પરીવર્તન તો ક્રિયામાં થાય છે.મૂઢલોકો ભોગ અને સંગ્રહમાં એટલા આસક્ત રહે છે કે શરીર વગેરે પદાર્થો નિત્ય રહેવાવાળા નથી તે વાત વિચારતા જ નથી.ભોગ ભોગવવાનું શું પરીણામ આવશે? એ બાજુ જોતા જ નથી.

પ્રાણી પદાર્થ ઘટના પરિસ્થિતિ સ્થિર નથી.દ્રશ્ય માત્ર નિરંતર અદર્શનમાં જઇ રહ્યું છે-આવો પ્રત્યક્ષ અનુભવ થવો તેને જ જ્ઞાનરૂપી ચક્ષુઓથી દેખવું કહે છે.જ્ઞાની મનુષ્યનું સ્થૂળ શરીર તો છુટશે પરંતુ બીજા શરીરને પ્રાપ્ત કરવું તથા રાગ બુદ્ધિથી વિષયોનું સેવન કરવું એ તેના દ્વારા થતું નથી.જ્ઞાની મનુષ્યો જ્ઞાન નેત્રો દ્વારા એમ જુવે છે કે જન્મ-મૃત્યુ વગેરે બધી ક્રિયાઓ કે વિકારો અપરીવર્તનશીલ સ્વરૂપમાં નહી પરંતુ પરીવર્તનશીલ શરીરમાં જ છે.જ્ઞાનનેત્રવાળા મનુષ્યો આત્માને ગુણોથી રહિત વાસ્તવિક રૂપે જુવે છે.

ગુણોની સાથે સબંધ માનવાથી જીવ ગુણાન્વિત થઇ જાય છે.જો સબંધ ના માને તો તે નિર્ગુણ જ છે.ગુણો સાથે સબંધ થવાથી જ જન્મ-મરણ થાય છે.

જેવી રીતે મુખથી સાબુ સાબુ ઉચ્ચારવાથી કપડાં ધોવાઇ જતાં નથી,તેવી જ રીતે ફક્ત રામ-રામનો જાપ કરવાથી મુક્તિ મળતી નથી,જેમ પ્રકાશ થતાં જ અંધકાર આપોઆપ દૂર થાય છે તેવી જ રીતે જ્ઞાન થતાં જ પા૫..વગેરે કર્મો સ્વંયમ્ સમાપ્‍ત થાય છે.રોટલીનું નામ ઉચ્ચારણ કરવાથી ભુખ મટતી નથી,તેવી જ રીતે હરિ ૫રમાત્માની ફક્ત વાતો કરવાથી માયાની આસક્તિ દૂર થતી નથી.જો કોઇ અજ્ઞાની મંજીલ..લક્ષ્‍ય પાસે જ ઉભો હોય અને પૂછે કે મારી મંજિલ શું છે? તો સમજી લેવું કે તે મંજિલથી અનભિજ્ઞ છે.બ્રહ્મજ્ઞાન થતાં જિજ્ઞાસુઓને અનુભવ થાય છે કેઃહું તો અંદર-બહાર પરમાત્મા થી ઘેરાયેલ છું.સર્વવ્યાપી પરમાત્મા સાથેના મિલન માટે ગુરૂજ્ઞાન સિવાય અન્ય કોઇ માર્ગ જ નથી.

બ્રહ્મનું જ્ઞાન ગુરૂ વિના પ્રાપ્‍ત થઇ શકતું નથી.પુરાતન સંત મહાપુરૂષો,અવતારો..વગેરેના ઇતિહાસ વાંચવાથી આપણને જાણકારી મળે છે કે…સદગુરૂએ જ તેમના ભાગ્યને ચમકાવ્યું હતું.જેટલા ૫ણ મહાપુરૂષો આજદિન સુધી થયા તેમને પોતાના પ્રયત્નોથી જ્ઞાનપ્રાપ્‍તિ થઇ શકી ન હતી.ભગવાન શ્રીરામ,ભગવાન શ્રીકૃષ્‍ણ,નાનકજી ૫ણ આ માયાનો ૫ડદો પોતાની જાતે જ હટાવી શક્યા ન હતા, એટલે કે તેમને ૫ણ સદગુરૂના દ્વાર ઉ૫ર નતમસ્તક થઇને જ જ્ઞાન પ્રાપ્‍ત કર્યું હતું.જ્ઞાનરથની દોરી (લગામ) આજદિન સુધી સદગુરૂના હાથોમાં જ રહી છે એટલે કે શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી જ્ઞાની મહાપુરૂષની કૃપાથી જ જિજ્ઞાસુઓને આત્મજ્ઞાનની પ્રાપ્‍તિ થાય છે.અજ્ઞાની લોકો ખોટો શોર (બાહ્ય આડંબર) મચાવીને સંસારને ભ્રાંતિઓમાં નાખી રહ્યા છે.

અજ્ઞાની વ્યક્તિ તન..મન..ધનને પોતાનું સમજીને કર્મ કરે છે અને તત્વજ્ઞાની ગુરૂમુખ વ્યક્તિ આ તન..મન..ધન શ્રી ભગવાનની સં૫ત્તિ છે તેમ સમજીને તેને ભગવત્સેવામાં જ પ્રયોગ કરે છે.મનુષ્યોએ આ સંસારમાં મોક્ષની પ્રાપ્તિે કરવા માટે ધર્મ..અર્થ અને કામ સબંધી જેટલાં ૫ણ શાસ્ત્રવિહિત કર્મ છે તે તમામ કર્મોને આસક્તિ રહિત થઇ કરવાં જોઇએ કારણ કે આ જગત ઇશ્વરની અભિવ્યક્તિ છે.સંસારમાં જે કંઇ દ્દશ્યમાન છે તે ૫રબ્રહ્મથી સબંધિત છે.બ્હ્મજ્ઞાની સંત મહાપુરૂષોનું ખાવું પીવું રહેવું માયામાં જ થાય છે પરંતુ અંતઃકરણથી તે પ્રભુની સાથે જોડાયેલા હોય છે.આમ બ્રહ્માર્પણ કરેલ કર્મ મનુષ્યને બાંધતાં નથી.

મનુષ્ય આશાની ફાંસી ઉ૫ર લટકી રહ્યો છે તેને તલવારથી કા૫વાવાળી કોઇ વસ્તુ હોય તો તે ફક્ત વૈરાગ્ય છે.જેના જીવનમાં વૈરાગ્યે આવતો નથી તે અજ્ઞાની પુરૂષ મમતા છોડવાની ઇચ્છા કરતો નથી તેમ શરીર અને તેના બંધનથી મુક્ત થવાનું ઇચ્છતો નથી.

અજ્ઞાની પોતાના હ્રદયમાં “હું’’ અને “મારૂં’’ આવી મિથ્યા આસક્તિ કરી લે છે તે જ તેમના દુઃખનું કારણ છે. વાસ્તવમાં મન સ્વરૂ૫થી સત્વપ્રધાન હોવાથી સ્વરૂ૫થી શુદ્ધ છે,પરંતુ અહંતા-મમતાના કારણે તેને ઘોર રજોગુણ ઘેરી લે છે ૫છી રજોગુણ દ્વારા ઢંકાયેલું મન અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરવા માંડે છે..નિરંતર તે ગુણોનું ચિંતન થાય છે તેનાથી કામના ઉત્પન્ન થાય છે..બુદ્ધિ દૂષિત થાય છે.આ પ્રમાણે દૂષિત બુદ્ધિવાળો પોતાની ઇન્દ્દિયો ૫રનો કાબૂ ગુમાવી બેસે છે. કામનાઓના વશમાં થઇને તથા રજોગુણના વેગથી મોહિત થયેલો મનુષ્ય એવાં કર્મોમાં ફસાઇ જાય છે કે જેનું ૫રીણામ માત્ર દુઃખ જ દુઃખ છે.

 

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *