દુબઈ
ભારતના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણીમાં પ્રભાવી દેખાવ કરતા તેને ટેસ્ટ રેન્કિંગમાં નોંધપાત્ર ફાયદો થયો છે. તાજેતરમાં જાહેર થયેલા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં જયસ્વાલ ૧૧ સ્થાનની છલાંગ સાથે ૬૩માં ક્રમે રહ્યો હતો. જ્યાર ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા એક સ્થાનના ફાયદા સાથે નવમાં ક્રમનો શ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેન રહ્યો છે. શ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેનની યાદીમાં જયસ્વાલ ૪૬૬ રેન્કિંગ પોઈન્ટ્સ ધરાવે છે જ્યારે રોહિત શર્માએ બીજી ટેસ્ટમાં ૮૦ અને ૫૭ રનની ઈનિંગ્સ રમતા તેના ૭૫૯ રેન્કિંગ પોઈન્ટ્સ થયા છે અને તે શ્રીલંકાના સુકાની દિમુથ કરુણારત્ને સાથે સંયુક્ત નવમો ક્રમ ધરાવે છે. રિશભ પંત એક સ્થાન નીચે સરકીને ૧૨માં ક્રમે જ્યારે વિરાટ કોહલી ૧૪માં ક્રમે યથાવત્ રહ્યો છે.
ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન ૮૮૩ રેન્કિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ ક્રમે રહ્યો છે જ્યારે બેટ્સમેનના લિસ્ટમાં ઓસી.નો માર્નસ લાબુશેન અને ઈંગ્લેન્ડનો જાે રૂટ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. ઈંગ્લેન્ડનો ઝેક ક્રોલી ૧૩ સ્થાનના ફાયદા સાથે ૩૫માં ક્રમે જ્યારે હેરી બ્રુક ૧૧ સ્થાને આગળ વધીને જાેની બેરસ્ટો સાથે સંયુક્ત ૧૯માં ક્રમે છે. ભારતનો ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન બોલર્સની યાદીમાં શ્રેષ્ઠ ટેસ્ટ બોલર્સ તરીકે યથાવત્ છે. રવિન્દ્ર જાડેજા આગેકૂચ સાથે છઠ્ઠા ક્રમે રહ્યો છે. મોહમ્મદ સિરાઝ છ સ્થાનના લાભ સાથે ૩૩માં ક્રમે રહ્યો છે. શ્રીલંકાના પ્રભાત જયસૂર્યાએ ગૉલ ટેસ્ટમાં સાત વિકેટ ઝડપતાં સાત સ્થાન આગળ વધીને કારકિર્દીના શ્રેષ્ઠ સાતમાં ક્રમે પહોંચ્યો છે. ઓલ-રાઉન્ડર્સ રેન્કિંગમાં જાડેજા અને અશ્વિન ટોચના ક્રમે યથાવત્ છે. આ ઉપરાંત અન્ય ભારતીય અક્ષર પટેલે પાંચમો ક્રમ જાળવ્યો હતો.
