Gujarat

અજાબ,શેરગઢ અને રંગપુરમાં આગામી પાંચ વર્ષમાં અંદાજે રૂ.૧૪.૬૨ કરોડના ખર્ચે જળસંચય,ટકાઉ આજીવિકા અને કૃષિ ઉત્પાદન વધારવા માટે કામ કરાશે

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કેશોદ તાલુકાના અજાબ ગામના સૂડાવડલી તળાવ ખાતેથી જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩નો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રીએ અજાબ ગામના રૂ.૪૬.૭૦ લાખના ૧૩ વિકાસલક્ષી અને જળસંચયના કામનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરતા જણાવ્યું કે, ખેડૂતોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાનને ખૂબ વહેલું શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી ખેડૂતો તળાવ ડેમ વગેરેને ઉંડા ઉતારવાની કામગીરીથી મળતી ફળદ્રુપ માટીનો ખેતીના જમીનમાં ઉપયોગ કરી શકે. તેમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, સુજલામ સુફલામ જળ અભિયાન સહિતની યોજનાઓના પરિણામે રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા હલ થતી જણાય છે. સાથે જ ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણી મળી રહ્યું છે, આમ, રાજ્ય સરકારના જળસંચય માટેના પ્રયાસોથી ભૂગર્ભ જળના સ્તર પણ ઉંચા આવ્યા છે.

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જળ વ્યવસ્થાપન માટેની આગવી સૂઝબુજથી આજે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તાર પાણી માટે જજુમી રહ્યા હતા તે સ્થળઓએ માં નર્મદાનું પાણી નહેર અને પાઈપલાઈનના માધ્યમથી પહોંચાડ્યું છે. સૌની યોજનાના માધ્યમથી સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાના જુદા જુદા જળાશયોમાં પાણી ભરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ સમગ્ર રાજ્યમાં ૭૪ હજાર જેટલા જળસંચયના કામો કરવામાં આવ્યા છે. જેનો લાભ ખેડૂતોને મોટા પ્રમાણમાં મળી રહ્યો છે.

પાણીએ પ્રભુની પ્રસાદી છે, જળ એ જીવન છે તે વિચારને કેન્દ્રમાં રાખી રાજ્ય સરકારે  નલ સે જલ યોજનાના માધ્યમથી ઘર-ઘર સુધી પાણી પહોંચાડ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, લોકપ્રિય નેતા અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી નેતૃત્વમાં ભારત સમગ્ર વિશ્વમાં એક મોટી શક્તિ તરીકે ઊભી રહ્યું છે.  ભારતને વિશ્ર્વ ગુરૂ બનાવવાના-દેશના વિકાસ અને પ્રજા કલ્યાણના રાષ્ટ્રીય અભિયાનમાં જન ભાગીદારીની અગત્યતા સમજાવવાના સંદર્ભમાં મંત્રીશ્રીએ કહ્યુ કે જળસંગ્રહ સહિત વિવિધ વિકાસલક્ષી અભિયાનમાં સહભાગી બની વડાપ્રધાનશ્રીના સપનાને -સંકલ્પને સાર્થક કરીએ.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કૃષિ સંચાઈ યોજના હેઠળ WDC 2.o પ્રોજેક્ટ અંતર્ગત કેશોદ તાલુકાના અજાબ, શેરગઢ અને રંગપુરમાં આગામી પાંચ વર્ષમાં અંદાજે રૂ.૧૪.૬૨ કરોડના ખર્ચે જળસંચય,ટકાઉ આજિવિકા અને કૃષિ ઉત્પાદન વધારવા માટે કામ કરવામાં આવશે.

 મંત્રીશ્રી એ તળાવને ઊંડા ઉતારી ખેડૂતોને માટી ઉપયોગી બનવા સહિત પાણીનો સંગ્રહ વધતા થનાર ફાયદા વિશે જણાવી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલી રહેલા વિકાસ કાર્યો ની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે પૂર્વ મંત્રી અને  ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ,સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, અજાબ ગામના સરપંચ શ્રી મગનભાઈ અઘેરાએ પ્રાસંગિક સંબોધન કરતા જળસંચયનું મહત્વ જણાવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ પરીખે શાબ્દિક સ્વાગત અને અંતમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી.જી. પટેલે આભાર વિધિ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, સિંચાઈ સમિતિના ચેરમેન અતુલભાઇ ઘોડાસરા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લાભુબેન પીપળીયા,પૂર્વ ધારાસભ્ય સર્વશ્રી સામતભાઈ રાઠોડ,હમીરભાઈ ધૂડા,અગ્રણી સર્વશ્રી પ્રવીણભાઈ ભાલાળા, ભરતભાઈ વડારીયા,પ્રાંત અધિકારી શ્રી કિશન ગરચર,જૂનાગઢ ડિવિઝનના કાર્યપાલક ઈજનેર શ્રી એમ.જે. વઘાસીયા,શ્રી ઉદાણી, નાયબ માહિતી નિયામક શ્રી નરેશ મહેતા સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં અજાબના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

jal-sanchay-na-kamo-matter-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *