જેતપુરમાં ગરીબોના મકાનો હટાવનાર તંત્ર અમીરોના બાંધકામો હટાવવા “વામણું” સાબિત !?
રાજકીય આગેવાનોના ગેરકાયદેસર બાંધકામો યથાવત રહેતા ગરીબોમાં ઉગ્ર ઊહાપોહ સાથે તંત્ર સામે રોષ-અસંતોષ : પૂર્વ મહિલા સદસ્યાએ વહીવટદારને આપ્યું
જેતપુરમાં પાંચેક દિવસ પૂર્વે ગરીબ શ્રમિકોના કાચા મકાનો દબાણના બહાના હેઠળ નગરપાલિકાએ ડીમોલેશન કરી નાખ્યા હતા. જ્યારે રાજકીય આગેવાનોન દબાણ યથાવત રાખવાની ભેદભાવભરી નીતિ સામે નગરપાલિકાના પૂર્વ સદસ્યાએ નગરપાલિકાના વહીવટદારને આવેદનપત્ર આપી ગરીબો માટે હાલ વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને રાજકીય આગેવાનોના દબાણ દૂર કરવા માંગ કરી હતી.
જેતપુર નગરપાલીકાની ગરીબો સાથે કૃરતા ભર્યુ ભેદભાવવાળી નીતિ સામે આજે નગરપાલિકાના પૂર્વ સદસ્યા શારદાબેન વેગડાએ ઘરવિહોણા શ્રમિકોને સાથે રાખી રેલી યોજી હતી. અને આ રેલી નગરપાલિકા કચેરીએ વહીવટદાર હાય હાય , ચીફ ઓફિસર હાય હાયના નારા લગાવીને વહીવટદારને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં જણાવેલ કે, શહેરના જુનાગઢ રોડ પર બીએપીએસ મંદિરની પાછળ કાચા મકાનો એક અરજીના આધારે નગરપાલિકાએ ડિમોલેશન કરી અંત્યોદયોના માથા ઉપરથી છત છીનવી લીધી છે. નગરપાલીકાએ ડીમોલેશન તો કર્યું પરંતુ આ શ્રમીકો જશે ક્યાં ? તેનો કોઇ વિચાર ન કર્યો. ડિમોલેશન બાદ આ શ્રમીકો ખુલ્લા મેદાનમાં પોતાની ઘરવખરી સાથે જીવન નીર્વાહ કરી રહ્યા છે. શું નગરપાલીકાની જવાબદારી ફક્ત અમીરોની અરજી સુધી જ સીમીત છે ? ગરીબો માટે કોઇ લાગણી કે જવાબદારી નથી ? તેવા સવાલો ઊભા થયા છે.
ગરીબોના દબાણો દુર કરવામાં સુરા એવા અધિકારીઓને અમીરોના તેમજ રાજકીય આગેવાનોના દબાણો કેમ દેખાતા જ નથી. નગરપાલીકાના પૂર્વ સદસ્યાએ શહેરમાં અસંખ્ય જગ્યાઓ પર દબાણ કરેલ છે. જેમાં ધોરાજી રોડ પર સાર્વજનીક પ્લોટમાં ત્રણ દુકાનોનું દબાણ તેમજ અમરનગર રોડ પરનું દબાણ તો આ અંત્યોદયના દબાણો દુર કરવા સાથે જ દુર કરવાનો નિર્ણય લેવાયો હતો. તો ગરીબોનું મકાનો જ કેમ દુર થયાં ? ગરીબોનો જીવન નિર્વાહ કરવાનો આશરો છીનવાય ગયો.
આવી ભેદભાવભરીનીતિ દૂર કરી શ્રમિકોને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ઘર આપવા તેમજ એકને ગોળ અને બીજાને ખોળ વાળી નગરપાલીકાની અંત્યોદયો તરફે ભેદભાવવાળી નિતી દુર કરી જેનું ડીમોલેશન કર્યુ છે. તે અંત્યોદયોને રહેઠાણ રૂપી આશરો મળી રહે અને અમીરો તેમજ રાજકીય આગેવાનોના પણ દબાણ દુર કરવા મારી આપ પાસે માંગ છે. રાજકીય આગેવાનોના દબાણ દૂર કરવા માંગ કરવામાં આવી હતી. અને અઠવાડિયામાં માંગ નહિ સ્વીકારાય તો નગરપાલિકાના પટાંગણમાં ઉપવાસ આંદોલન કરવાની પૂર્વ સદસ્યાએ ચીમકી આપી હતી.