અમરેલી જિલ્લામાં કાર્યરત મેડીકલ સ્ટોર પર ફરજિયાત સી.સી.ટી.વી લગાડવા
—
અમરેલી, તા. ૨૮ એપ્રિલ, ૨૩ (શુક્રવાર) બાળકોમાં ડ્રગ્સ અને માદક દ્રવ્યોના દુરઉપયોગ અને ગેરકાયદેસર હેરફેરના નિયંત્રણ અંગે જોઈન્ટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લામાં શીડ્યુલ-એચ, શીડ્યુલ એચ-૧, શીડ્યુલ-એક્સની દવાનું વેચાણ કરતા હોય તેવા મેડીકલ સ્ટોર પર ફરજિયાત સી.સી.ટી.વી લગાડવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું છે. અમરેલી શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ઔષધ અને સૌંદર્ય પ્રસાધાન ધારા સને-૧૯૪૦ અને તે અંગેના નિયમો હેઠળ પરવાના ધરાવતા તમામ મેડીકલ સ્ટોર પર સી.સી.ટી.વી કેમેરા લગાડવાના રહેશે. આ કેમેરા દ્વારા ૩૦ દિવસના ઓડિયો-વીડિયો રેકોર્ડીંગ બેકઅપ સાથેના સારી ગુણવત્તા વાળા, વધુ રેંજના નાઈટ વિઝન સાથે સ્ટોર પર આવતા વ્યક્તિઓનાં ચહેરા સ્પષ્ટપણે જોઈ શકાય તેવાં સી.સી.ટી.વી કેમેરા જે પરિસરને સંપૂર્ણપણે આવરી લે તેવી રીતે પૂરતી સંખ્યામાં લગાડવાના રહેશે. વધુમાં આ સી.સી.ટી.વી કેમેરા ચોવીસ કલાક કાર્યરત રાખવાના રહેશે. સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા જરુર જણાય ત્યારે રેકોર્ડીંગ માંગવામાં આવે ત્યારે ફરજિયાત આપવાનું રહેશે. આ જાહેરનામાનો હુકમ તા.૨૭ એપ્રિલ,૨૩ થી આગામી તા. ૨૫ જુન,૨૦૨૩ સુધી લાગુ રહેશે. જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર સાથે ધી ઈન્ડિયન પીનલ કોડ-૧૮૭૦ની કલમ-૧૮૮ની જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
જય મિશ્રા ૦૦૦
