અમરેલી
અમરેલીના પોલીસ હેડ કવાર્ટર ખાતે રવિવારે સવારે લોન મેળો યોજવામા આવ્યો હતો. જિલ્લા પોલીસવડા હિમકર સિંઘના અધ્યક્ષસ્થાને તથા ડીવાયએસપી હરેશ વોરા, અશોકસિંહ ગોહિલ તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમા યોજાયેલા આ લોન મેળામા અમરેલીની ૧૯ રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા તાલીમ કેન્દ્ર અને અમરેલી નગર પાલિકાના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા. બેંકોના પ્રતિનિધીઓએ આ તકે જિલ્લા પોલીસવડાનુ સન્માન કર્યુ હતુ. પોલીસવડા હિમકર સિંઘે અહી ઉપસ્થિત લોકોને મળવાપાત્ર લોન અને તે અંગેની જુદીજુદી યોજનાઓ તથા સહાય અંગે માહિતગાર કર્યા હતા. અહી લોન મેળામા જુદીજુદી બેંકના પ્રતિનિધીઓએ નાણાની જરૂરીયાતવાળા લોકોને સહેલાઇથી અને ઓછા વ્યાજે નાણા મળી રહે તે અંગે લોકોને સંપુર્ણ માહિતી આપી હતી. લોન મેળામા એક હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. જે પૈકી નાણાની જરૂરીયાત ધરાવતા ૭૮૦ લોકોએ જુદીજુદી બેંકો પાસે લોન મેળવવા માટે અરજી કરી હતી.


