Gujarat

આંબામાં મધીયો અને થ્રીપ્સના નિયંત્રણના પગલા લેવા ખેડૂત જોગ  

આંબામાં મધીયો અને થ્રીપ્સના    નિયંત્રણના પગલા લેવા અંગે ખેડૂતો માટે જૂનાગઢ કૃષી યુનિ. દ્રારા  માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયાની  અખબારી યાદી મુજબ સૌરાષ્ટ્રમાં આંબાના બગીચાઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જેમાં હાલમાં મધીયા તેમજ થ્રીપ્સનો ઉપદ્રવ વધુ માત્રામાં જોવા મળેલ છે.

મધીયાના પુખ્ત કીટક તેમજ બચ્ચા કુમળા પણ અને મોર માંથી રસ ચૂસીને નુકશાન કરે છે, જેને લીધે ફૂલ ચીમળાય ખરી પડે છે અને કેરીના ઉત્પાદનમાં ઘણો ઘટાડો જોવા મળે છે. આ ઉપરાંત માધીયાના શરીરમાંથી ચીકણો મધ જેવો પદાર્થ ઝરે છે જે ઝાડના જુદા જુદા ભાગો પર પડે છે. જેના પર કાળી ફૂગ વિકાસ પામે છે અને ઝાડની પ્રકાશ સંક્ષ્લેષણની ક્રિયાઅવરોધાય છે અને ઝાડનો વિકાસ અટકી જાય છે. થ્રીપ્સના બચ્ચા તેમજ પુખ્ત કીટક આંબાના કુમળા પાન પર ઘસરકા કરી ઝરણ થયેલ રસ ચૂસી નુકશાન કરે છે. આ ઉપરાંત થ્રીપ્સનો ઉપદ્રવ આંબાના મોર પર પણ જોવા મળે છે જેના લીધે મોર પીળો પડી સુકાય જાય છે.

વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એચ.એમ.ગાજીપરા તથા જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, કીટકશાસ્ત્ર વિભાગના સહસંશોધન વૈજ્ઞાનિકશ્રી ડો.ડી.એમ.જેઠવા દ્વારા આંબાના બગીચા ધરાવતા સર્વે ખેડૂતોને મધીયા તેમજ થ્રીપ્સના નિયંત્રણ માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રાથમિક અખતરાઓ તેમજ ભલામણના આધારે નીચે મુજબની દવાઓનો ક્રમઅનુસાર જરૂરિયાત મુજબ વારાફરતી આખું ઝાડ પલળી જાય તે રીતે છંટકાવ કરવા જણાવવામાં આવેલ છે.૧. થાયામીથોકઝામ ૨૫ ડબ્લ્યુ.જી.- ૦.૧ ગ્રામ/લીટર,૨. ડાયમીથોએટ ૩૦ ઈ.સી.- ૧.૫-૨.૦ મિલી/લીટર,૩. કાર્બોસ્લ્ફાન ૨૫ ઈ.સી.- ૧.૫-૨.૦ મિલી/લીટર,૪. ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસ.એલ.- ૦.૪ મિલી/લીટર,૫. ટોલફેનપાયરેડ ૧૫ ઈ.સી.- ૨.૦ મિલી/લીટર,૬. સ્પાયરોટેટ્રામેટ ૧૧.૦૧ + ઈમિડાક્લોપ્રીડ ૧૧.૦૧ એસ.સી.- ૦.૭૫ મિલી/લીટર.

જૈવિક ખેતી કરતા ખેડૂતો આંબામાં મધીયા તેમજ થ્રીપ્સના નિયંત્રણ માટે નીચે મુજબની જૈવિક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી શકે.૧. બ્યુવેરીયા બસીયાના ૧.૧૫ ડબ્લ્યુ.પી. ૫ ગ્રામ/લીટર૨. મેટારીઝીયમ એનીસોપ્લી ૧.૧૫ ડબ્લ્યુ.પી. ૫ ગ્રામ/લીટર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *