વડોદરા
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનું જુનિયર ક્લાર્કનું પેપર ગુજરાત બહારથી લીક થયા બાદ લાખો ઉમેદવારોના સપના રોળાયા હતા. જેમાં હવે આ છપાઇને કેન્દ્રો પર પહોંચેલા પેપરને મશીનમાં કાપી તેનો નાશ કરવામાં આવી રહ્યો છે. ગત ૨૯ જાન્યુઆરીના રોજ લાખો ઉમેદવારો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે કેન્દ્ર પર પહોંચ્યા હતા. તો કેટલાક તો હજું પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા માટે રસ્તામાં જ હતા. આ દરમિયાન સરકારે પેપર લીક થયું છે અને પરીક્ષા રદ કરી છે તેવી જાહેરાત કરી હતી. જેથી લાખો ઉમેદવારોના સપના રોળાઇ ગયા હતા અને તેમને ઘરે પરત ફરવું પડ્યું હતું. ત્યારે હવે આ પરીક્ષાના છપાઇ ગયેલા પેપરોનો નાશ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરાના કારેલીબાગ સ્થિત સરદાર વિનય શાળા ખાતે જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું મુખ્ય ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર રાખવામાં આવ્યું હતું. જ્યાંથી શહેરના તમામ સેન્ટરો પર આ પરીક્ષાના પેપર ડિસ્ટ્ર્રીબ્યુટ કરવાના હતા અને તમામ પેપર સ્ટ્રોંગરૂમમાં સીલ હતા. પરંતુ તેની કોપી અગાઉ જ પ્રિન્ટીંગ પ્રેસમાંથી લીક થઇ ચુકી હતી. જેથી વડોદરામાં પરીક્ષા આપવા આવનારા ૩૭ હજારથી વધુ પરીક્ષાર્થી તેમજ રાજ્યભરના ઉમેદવારો પરેશાન થયા હતા. ત્યારે હવે આ પરીક્ષાના પેપર કોઇ કામના રહ્યા ન હોવાથી સરદાર વિનય શાળામાં ૧૫થી વધુ કર્મચારીઓના અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પેપરને સેડિંગ મશીન દ્વારા ટૂકડે ટૂકડા કરી નાશ કરવામાં આવ્યો છે. તેમજ આ સમગ્ર કામગીરીનું સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. પેપર લીક કેસમાં વડોદરાના સ્ટેકવાઇસ ટેકનોલોજીસ નામના ક્લાસિસ સંચાલક ભાસ્કર ચૌધરી સહિત ૧૯ લોકોની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપીઓ ૧૦ ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર છે. આ પેપર સાતથી ૧૨ લાખ રૂપિયા સુધીમાં વેચવામાં આવ્યું હતું.


