મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને તા.૧૨/૦૩/૨૦૨૩, રવિવારના રોજ ૧૦.૦૦ કલાકે કલેકટર કચેરી ખાતે વર્ષ ૨૦૨૩-૨૪ માટે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં ખેડા જિલ્લાનાં ન્યુનતમ જરૂરીયાતના ખૂટતા કડીરૂપ સામૂહિક વિકાસના પાયાની સુવિધાવાળા કામો હાથ ધરવામાં આવનાર છે.
પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સંલગ્ન અધિકારીઓને આવનાર સમયમાં ૧૦૦% નહિ પણ ૧૨૫% કામગીરી કરવાની તૈયારી રાખી બાકી કામો અંગે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૩ સુધીમાં મંજૂર તેમજ નામંજૂર થયેલ કામગીરીની સમીક્ષા કરતા તેઓએ જણાવ્યું કે જિલ્લાના છેવાડાના માણસની ચિંતા કરી યોગ્ય ધારાધોરણ પ્રમાણે કામો ઝડપથી પૂર્ણ કરવું એ આપણી જવાબદારી છે. વધુમાં મંત્રીએ લોકશાહીની બે પાંખો એટલે કે ચૂંટાયેલા પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ સંકલિત થઈ કામ કરે તો જ ખરા અર્થમાં લોક હિતનું કામ થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજનની જુદી જુદી યોજનાઓ હેઠળ કામો મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં ૧૫% વિવેકાધીન જોગવાઇ હેઠળ તાલુકાકક્ષા સામાન્ય યોજનામાં રૂા.૧૦૦૮.૭૫ લાખનાં ૯૫૧ કામો, તાલુકાકક્ષા અનુ.જાતિ યોજનાનાં રૂા.૭૮.૦૦ લાખનાં ૬૩ કામો, નગરપાલીકા વિવેકાધીન યોજનાનાં રૂા.૨૮૯.૪૫ લાખનાં ૬૭ કામો, ખાસ પછાત ભાલ વિસ્તાર યોજનાનાં રૂા.૯.૦૦ લાખનાં ૮ કામો, જિલ્લાકક્ષા યોજનાનાં રૂા.૧૬૫.૨૦ લાખનાં ૩૫ કામો અને પ% પ્રોત્સાહક જોગવાઇ હેઠળ રૂા.૩૫.૦૦ લાખનાં ૩૮ કામો એમ બધી જ યોજનાઓનાં મળીને કૂલ રૂા.૧૬૨૦.૪૦ લાખનાં ૧૨૦૦ કામો મંજુર કરવામાં આવ્યા.


