એકવાર એક પૂર્ણ સંત મહાત્મા બિમાર પડે છે.ઘણા વૈદ અને હકીમોએ ઉપચાર કરવા છતાં બિમારીમાં કોઇપણ જાતનો સુધારો થતો નથી.તેમનો એક શિષ્ય હતો જે તેમની દિવસ-રાત તેમની સાથે રહીને સેવા કરતો હતો.એક દિવસ તે હતાશ થઇને ગુરૂદેવના ચરણો આગળ બેસી જાય છે ત્યારે ગુરૂદેવ કહે છે કે બેટા ! નિરાશ ના થઇશ,બધું સારૂ જ થશે અને ભગવાન જે કંઇ કરશે તે આપણા ભલા માટે હશે.આમ હોવા છતાં શિષ્ય કહે છે કે ગુરૂદેવ ! આપ તો સર્વ શક્તિમાન છો,સર્વ જ્ઞાતા છો,આપ તો સર્વ કંઇ જાણો છો તેમ છતાં તમે તમારી બિમારી દૂર થાય તે માટે પ્રભુ પરમાત્માને ફરીયાદ કેમ કરતા નથી? જો તમે પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરો તો તે અવશ્ય આપશ્રીને સાજા કરી જ દે તેમાં મને કોઇ શંકા નથી.
ગુરૂદેવ ર્હંસીને કહે છે કે બેટા ! શું મારી આવી અવસ્થાનું જ્ઞાન પ્રભુને નથી? શું તેમની મરજી વિના મારી આવી અવસ્થા બની છે? તો પછી હું પ્રભુની મરજીમાં કેમ વિઘ્ન નાખું ! મારા કોઇ ખરાબ કર્મનું ફળ હું ભોગવી રહ્યો છું.જ્યારે કર્મનું ફળ ભોગવાઇ જશે ત્યારે આપો આપ બિમારીમાંથી મુક્ત થઇ જઇશ. માનવીએ પોતાના વિવેકથી કામ લેવું જોઇએ.પ્રભુ પરમાત્મા જે કંઇ કરે છે તે અમારા સારા માટે જ કરે છે. આ વિશે અન્ય એક બોધકથા જોઇએ..
એક નગરના રાજાને શિકાર ખેલવાનો ઘણો જ શોખ હતો.એકવાર તે પોતાના ખાસ મંત્રીને લઇને શિકાર કરવા માટે જંગલમાં જાય છે.રાજા એક હરણને જોઇને તેને મારવા માટે ધનુષ્ય ઉપર તીર ચઢાવે છે અને પ્રહાર કરતી વખતે પોતાના શસ્ત્રથી જ રાજાની એક આંગળી કપાઇ જાય છે.મંત્રી આ દ્રશ્ય જોઇને કહે છે કે ઇશ્વર જે કંઇ કરે છે તે આપણા સારા માટે જ કરે છે.
મંત્રીના મોઢેથી આવું વચન સાંભળીને રાજાને ઘણું જ ખરાબ લાગે છે અને તે વિચારે છે કે મારી આંગળી કપાઇ ગઇ,મને અસહ્ય વેદના થઇ રહી છે અને મારો મંત્રી કહે છે કે ઇશ્વર જે કંઇ કરે છે તે સારા માટે જ કરે છે..! રાજમહેલમાં જઇ રાજા વિચારે છે કે આ મંત્રી મારૂં ખાય છે અને મારા વિશે જ ખરાબ બોલે છે માટે રાજાએ મંત્રીનું અપમાન કરીને રાજ્યસભામાંથી કાઢી મુકે છે.રાજ્યસભામાંથી કાઢી મુક્યો છતાં જતાં જતાં મંત્રી કહે છે કે ઇશ્વર જે કંઇ કરે છે તે સારૂં જ કરે છે.કેટલાક દિવસો પછી રાજા ફરીથી પોતાના ચુનંદા સૈનિકોને લઇને શિકાર કરવા માટે જાય છે.તે સમયે રાજા એક હરણનો પીછો કરતાં એક ગાઢ જંગલમાં વિખુટા પડી જાય છે અને તેમની સાથેના સૈનિકો પાછળ રહી જાય છે.
આ જંગલમાં આવેલા એક કબીલાના લોકો કોઇ ઉત્સવ મનાવી રહ્યા હોય છે ત્યાં રાજા પહોંચી જાય છે,તે લોકોને દેવીને ભોગ ચઢાવવા માટે એક નર બલિની આવશ્યકતા હતી તેથી રાજાને પકડીને કબીલાના મુખિયા પાસે લઇ જવામાં આવે છે તે સમયે મુખિયાની નજર રાજાની કપાયેલ આંગળી ઉપર પડે છે.રાજા અંગભંગ હોવાથી દેવીના બલિના માટે યોગ્ય ન હોવાથી રાજાને છોડી મુકવામાં આવે છે.રાજા રખડતા ભટકતા પોતાના રાજ્યમાં પહોંચે છે.રાજા વિચાર કરે છે કે મારી આંગળી કપાયેલ હતી તેથી આજે મારા પ્રાણ બચી ગયા.રાજાને મંત્રીની વાતનો અર્થ સમજમાં આવી ગયો એટલે તેમને મંત્રીને બોલાવીને ફરીથી મંત્રી પદ ઉપર નિયુક્ત કરે છે.રાજા મંત્રીને પુછે છે કે મારી આંગળી કપાઇ ગઇ તે સારૂં થયું એ વાત તો મારી સમજમાં આવી કે જેના લીધે આજે મારા પ્રાણ બચી ગયા પરંતુ મેં તમોને નોકરી ઉપરથી કાઢી મુક્યા ત્યારે તમે કહ્યું હતું કે ઇશ્વર જે કંઇ કરે છે તે સારા માટે જ હોય છે તેનો શું અર્થ સમજવો? ત્યારે મંત્રી કહે છે કે મહારાજ ! આપે મને કાઢી મુક્યો ના હોત તો તે દિવસે આપ મને શિકાર કરવા સાથે લઇ ગયા હોત અને તમારી સાથે મને પણ પકડીને લઇ જવામાં આવ્યો હોત અને મારૂં કોઇ અંગભંગ ના હોવાથી મને યોગ્ય સમજીને કબીલાના લોકો દેવીને પ્રસન્ન કરવા મારો બલિ ચઢાવી દેતા.આ વાત સાંભળીને રાજાની સમજમાં આવી જાય છે કે ઇશ્વર જે કંઇ કરે છે તે અમારા સારા માટે જ કરે છે.
આ લઘુકથાનો સાર એ છે કે અમારા જીવનમાં જે કંઇ સમસ્યા આવે છે તે સમયે અમે વિચારીએ છીએ કે આમ કેમ થયું? મારી સાથે જ આવું કેમ થયું? પરંતુ અમારા જીવનમાં જે કંઇ સારી કે ખરાબ ઘટના બને છે તે કોઇને કોઇ સંદેશ,શુભ સંદેશ,કલ્યાણકારી સંદેશ લઇને આવે છે.જે સમયે અમારા જીવનમાં કોઇ સમસ્યા આવે છે તે સમયે અમોને લાગે છે કે ખરાબ થઇ રહ્યું છે પરંતુ કેટલોક સમય પસાર થયા પછી આપણને સમજમાં આવે છે કે આ ઘટના મારા માટે અત્યંત લાભકારક છે એટલે ગમેતેવી સમસ્યા આવે તેમછતાં સકારાત્મક વિચારવું ઘણું જ જરૂરી છે.સદગુરૂ નિરંકારી બાબા હરદેવસિંહજી મહારાજે કહ્યું છે કે ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છતાં મનની સ્થિતિ એકરસ રહેવી જોઇએ..
વિનોદભાઇ માછી નિરંકારી