કલરયુક્ત પ્લાસ્ટિકનો કચરો મોજ નદીમાં ધોયો ને પાણી રંગીન બની બની જતાં થયો હતો ઊહાપોહ : 3-4 દિવસથી ફેલાયેલા પ્રદૂષણથી જેતપુરના ઉદ્યોગપતિઓ પણ ધંધે લાગ્યા હતા ! પણ ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
રાજકોટ જિલ્લાના ઉપલેટાની મોજ નદીમાં છેલ્લા ત્રણ દિવસથી ફેલાઈ રહેલા કલર યુક્ત પ્રદૂષિત પાણીથી સ્થાનિક રાજકારણીઓ, લોકો અને જેતપુરના ઉદ્યોગપતિઓમાં આવું પાણી ક્યાંથી આવ્યું ? તેની તપાસ બાબતે દોડધામ થઈ પડી હતી. પરંતુ જેતપુરના જાગૃત પત્રકારોએ આજે મોજ નદીના કાંઠા વિસ્તારમાં તેમજ આજુબાજુના રહેણાંક વિસ્તારમાં તપાસતા મોજ નદીમાં ફેલાઈ રહેલા પ્રદૂષણમાં ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવી ઘટના બહાર આવી છે. આ વાતથી મોજ નદી આસપાસના લત્તાવાસીઓને સંતોષ થયો છે તેમજ જેતપુરના નાના-મોટા ઉદ્યોગપતિઓએ પણ રાહતનો દમ લીધો છે.
બનાવની મળતી વિગતો મુજબ ઉપલેટાની મોજ નદીમાં છેલ્લા ત્રણ દિવસથી કલર કેમિકલ યુક્ત પાણીનો ફેલાવો શરૂ થયો હોવાથી સ્થાનિક રાજકીય અને જાગૃત લોકોએ આ પાણી ક્યાંથી આવ્યું અને એક તબક્કે જેતપુરના સાડી ઉદ્યોગને બદનામ કરવાના નિવેદનો આપવાનું શરૂ કર્યું હતું. આ વાતથી જેતપુરના ઉદ્યોગપતિઓ પણ મોજ નદીની આજુબાજુના તમામ વિસ્તારો ખૂંદીને કયા વિસ્તારમાંથી કે કઈ બાજુથી કેમિકલ યુક્ત પાણી મોજ નદીમાં ભળે છે તેની તપાસ કરવા માટે ઊંધે માથે થઈ ગયા હતા. પરંતુ કોઈના દ્વારા જાણી શકાયું ન હતું કે આ નદીમાં કલરયુક્ત પાણી આવ્યું ક્યાંથી ?
બીજી બાજુ જેતપુરના અમુક જાગૃત પત્રકારોએ મોજ નદીના કાંઠા ખૂંદી આજુબાજુના રહીશો તેમ જ વેપારીઓને પૂછપરછ કરીને સત્ય બહાર લાવવા અથાગ પ્રયત્ન કરતા આ વાતમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. ઉપલેટાના વાડલા રોડ પર આવેલ નદી કાંઠા વિસ્તારમાંથી વિસ્તારમાંથી પસાર થતા પાણીનો પ્રવાહ અચાનક છેલ્લા ત્રણ ચાર દિવસથી રંગીન બની ગયાની આ વાતમાં એક જ્યોતિબેન નામની મહિલા જ કસૂરવાર હોય અને આ મહિલાએ ભૂલ પણ સ્વીકારી લીધાનું બહાર આવતા જેતપુરના સાડી ઉદ્યોગને બદનામ કરવા મથતા તત્વોની બોલતી બંધ થઈ ગઈ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ધોરાજી, ઉપલેટા વિસ્તારમાં અનેક પ્લાસ્ટિક ઉદ્યોગના કારખાના આવેલા છે. અને આવા તમામ કારખાનામાં વેસ્ટ પ્લાસ્ટિકને રિસાયકલિંગ કરીને ગઠ્ઠા, નાળા, પીવીસી પટ્ટી વિગેરે આઇટમો બનાવવામાં આવે છે. આ વાતમાં મજૂરો ગમેત્યાંથી પ્લાસ્ટિક શોધીને પછી સાફ કરીને કારખાને પહોંચાડતા હોય છે. તે વાત મુજબ મોજ નદી કાંઠે રહેત જ્યોતિબેન નામના એક મજૂર મહિલાએ આ વાત સ્વીકારી હતી કે તેમના દ્વારા બે-ત્રણ ભારી પ્લાસ્ટિક મોજ નદીના વહેતા વહેણમાં ધોવાતા પાણીમાં કેમિકલ અને કલરની અસર દેખાઈ હતી. પણ પછી તે ડરી જતાં ઘરે ચાલી ગઈ હોવાનું પત્રકારોને જણાવ્યું હતું. આમ એક મહિલાની હરકતથી નદીનું પાણી દૂષિત થયું હોવાની વાત બહાર આવતા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એશો.સૂત્રોએ પણ રાહતનો દમ લીધો છે.
બોક્સ : કોઈ પણ નદીમાં કાઇ પ્રદૂષણ દેખાય એટલે સીધો જેતપુરના ઉદ્યોગને કરાય છે બદનામ : જેન્તીભાઈ રામોલિયા
જેતપુર: જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એશો.ના પ્રમુખ જેન્તીભાઈ રમોલિયાએ જણાવ્યું હતું કે,જેતપુર સાડી ઉધ્યોગને હવે પોતાનો ફિલ્ટર પ્લાન્ટ હોવાથી કારખાનાનું પાણી ક્યાંય ખુલ્લામાં કે કોઈ જગ્યાએ છોડવાનો પ્રશ્ન ઊભો થતો નથી. છતાં જેતપુર આજુબાજુના તાલુકાના નદી-નાળામાં કોઈ પ્રદૂષણ દેખાય એટલે સીધી જેતપુરના સાડી ઉદ્યોગ સામે આંગળી ચીંધીને બદનામ કરવા કારસા કરાય છે. હકીકતમાં જે તે સમયે અને જે તે વિસ્તારમાં નદી કે નાળામાં ફેલાતા પ્રદૂષણ બાબતે ખરી તપાસ કરીને રજૂઆત કરનારાઓએ આગળ વધવું જોઈએ તેવું રામોલીયાએ જણાવ્યું હતું. જો કે આ પ્રશ્ને જ ધોરાજી – ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય દ્વારા પણ સીધા આક્ષેપ જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન સામે કરવામાં આવ્યા હતા. ત્યારે પણ ઉદ્યોગપતિઓમાં કચવાટ ફેલાયો હતો કે જાણી-જોઈને નિવેદન કરવામાં આવે તો સારું અને જેતપુરનો સાડી ઉદ્યોગ ઓછો બદનામ થાય.


