અધૂરા અરમાનથી વ્યથિત વિરપુરના ખેડૂતોએ યોજ્યું ડુંગળીનું “બેસણું”
આભમાંથી વરસેલી આફતથી ખેડૂતોની કમાણી પાણીમાં તણાઇ !
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદની આગાહી કરાય છે. કાળઝાળ ઉનાળામાં ચોમાસા જેવુ વાતાવરણ સર્જાઇ ગયું છે. રવી પાકના ઉત્પાદન સમયે જ પડતાં કમૌસમી વરસાદથી જગતાત દયનીય હાલતમાં પટકાઈ ગયો છે. વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે સાંજના સમયે અચાનક રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર તેમજ ગ્રામ્ય વિસ્તારના ચરખડી, થોરાળા, નવાગામ સહિત વિસ્તારમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ પડતાં ખેડૂતનો ડુંગળી, ઘઉ, તલ,એરંડા, સહિતનો પાક પાણીમાં તણાઇ ગયો હતો. આભમાંથી આફત વરસી હોય અને કુદરત ખેડૂતોની સામે રૂઠ્યો હોય કાળી મજૂરી વચ્ચે ઉગાવેલા કીમતી પાક અંગે સેવેલા અરમાનો “અધૂરા” રહી ગયા હોય તેવો તેવો વસવસો ખેડૂતોમાં વ્યથામાં ફેરવાઇ જતાં આજે વિરપુરના ખેડૂતોએ ડુંગળીનું બેસણું યોજી પાક નુક્ષણીની એકાબીજાએ સામસામી હૈયાવરાળો ઠાલવી હતી.
વીરપુર પંથકમાં થોડા સમય પહેલા કમોસમી વરસાદ પડ્યો હતો.માવઠાના મારમાંથી ખેડૂતો હજુ બેઠા થયા નથી ત્યાંજ ખેડૂતો ઉપર ફરી જાણે કે આફત રૂપી કમૌસમી વરસાદ ખાબક્યો હતો .એ કારણે વીરપુર પંથકમાં ખેડૂતોની કાળી મજૂરી કરી ડુંગળી, ઘઉ, તલ, એરંડા સહિતના પાક પલળીને વ્યાપક નુકશાન પામ્યો છે. ખેડૂતનો ડુંગળીનો પાક તૈયાર હોવાની સાથે લણવાનો બાકી હોય ત્યાં જ કમૌસમી વરસાદ પડતા ડુંગળીનો પાક ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. પરિણામે ખેડૂતો કફોડી હાલતમાં મૂકાઈ ગયા છે.
ગઈ કાલે પડેલા કમોસમી વરસાદથી યાત્રાધામ વીરપુરના ખેડૂતોનો ડુંગળીનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોએ પોતાના ખેતરમાં ડુંગળીના પાકનું બેસણું યોજ્યું હતું. ખેડૂતોએ જણાવ્યું હતું કે કુદરત જાણે રૂઠયો હોય તેમજ એક બાજુ સરકાર તરફથી જણસીઓના ભાવ પુરા મળતા નથી અને બીજી બાજુ કુદરતના કમોસમી વરસાદના કહેરથી ખેડૂતો ડબલ માર વેઠી રહ્યાં છે. આ તકે ખેડૂતોએ જણાવ્યું હતું કે ઘરમાં કોઈ સ્વજન દેવલોક પામે ત્યારે બેસણું કરતા હોય છે, પરંતુ આ વાવેલા ડુંગળીના પાક અમારા માટે અમારો દીકરો કે સ્વજન જ છે. અમારો ડુંગળીરૂપી સ્વજન કમોસમી વરસાદથી નિષ્ફળ જતા અમે બેસણું કર્યું છે.
બોક્સ : હવે તો ખમૈયા કરો ભગવાન ! ખેડૂતોની પ્રાર્થના
જેતપુર : છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વારંવાર વરસી પડે છે ત્યારે ખેડૂતો વરૂણદેવને ખમૈયા કરવા માટે પોતે પોતાના ખેતરમાં બેસીને ડુંગળીના પાકનું બેસણું કરવામાં આવ્યું હતું પ્રાર્થના કરી હતી કે ખેડૂતોનો થોડો થોડો જાજો પાક બચ્યો છે તેના માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં બેસી ભગવાનને પ્રાર્થના કરી હતી અને હવે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી નુકશાન થયેલા પાકની સહાય આપવામાં આવે તેવી ખેડુતો માંગ કરી હતી.
…………………………..
( ફોટો હરેશ ભાલીયા )
…………………………..


