ગળામાં બે બે મેડલ પહેરીને પોતાના કાચા નળિયાં વાળાં ઘર આગળ ઉભી રહી ખુશી વ્યક્ત કરી રહેલી પ્રજ્ઞાચક્ષુ આ કિશોરીનું નામ છે મધીબેન રાઠવા…છોટાઉદેપુર તાલુકાના ઓઢ ગામના એક ગરીબ આદિવાસી પરિવારમાં જન્મેલી મધી જન્મજાતથી દ્રષ્ટિવિહીન છે,પાંચ ભાઈ બહેન માં એકમાત્ર દ્રષ્ટિવિહીન મધી રાઠવાના જન્મ બાદ માતાનું પણ અવસાન થઈ જતા દાદીએ આ પ્રજ્ઞાચક્ષુ દીકરીની સાર સંભાળ રાખી ઉછેરી અને ગામની શાળામાંજ 7 માં ધોરણ સુધી અભ્યાસ કર્યો, પિતા સૌરાષ્ટ્રમાં મજૂરી કરે છે,વડોદરામાં અંધ બાળકીઓ માટેની સારી શાળા હોવાની દાદીને ખબર પડતા દાદી બચી બેને તેને વડોદરાની સુરભી લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલમાં લઈ ગઈ અને ત્યાં એડમિશન કરાવ્યું, જ્યાં મધી રાઠવાએ અભ્યાસની સાથે રમતગમત માં પણ ખૂબ રસ દાખવ્યો,પોતાની શાળાના સ્પોર્ટ્સના કોચ વશરામભાઈ ગઢવીની પ્રેરણા અને તાલીમ થકી મધી રાઠવાએ ખેલ મહાકુંભ સહિત ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસીએશન ની રાજ્ય કક્ષાની બરછીફેંક અને લાંબી કુદ માં પ્રથમ સ્થાન મેળવ્યું અને દિલ્હી ખાતે ડિસેમ્બરમાં યોજાયેલ 22 મી ઉષા નેશનલ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઇન્ડ 2022 માં ભાગ લીધો જ્યાં મધી રાઠવાએ બરછી ફેંક ની સ્પર્ધામાં પ્રથમ સ્થાને રહી ગોલ્ડ મેડલ અને લાંબી કુદ મા ત્રીજા સ્થાને બ્રોન્ઝ મેડલ મેળવ્યો,આદિવાસી ગરીબ પરિવારની મધી રાઠવાએ મેળવેલ આ સિદ્ધિને બાદ હવે તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સહભાગી થવા જવાની છે અને તેના માટે તેની શાળા દ્વારા તેનું પાસ્પૉર્ટ પણ બનાવડાવી દીધું છે.પરિવારની દ્રષ્ટિ વિહીન દીકરીની આ અદ્વિતીય સિદ્ધિ ને લઈ મધી રાઠવાના પિતા ,દાદી સહિત પરિવારજનો અને ગામલોકો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.અને આદિવાસી સમાજ ની સાથે પોતાના ગામ અને છોટાઉદેપુર જિલ્લાનું અને પોતાની શાળાનું નામ રોશન કરવા બદલ તેને અભિનંદન પાઠવી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


