મકસુદ કારીગર,કઠલાલ
તારીખ 28 મી ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. આ દિવસ ડૉ. સી. વી. રામનની ‘રામન ઈફેક્ટ’ નામની શોધની યાદમાં દેશભરમાં વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કુમાર શાળા વાસદમાં પણ આ દિવસ ખૂબ ઉમંગ ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો. શાળાના શિક્ષિકા મારિયાબેને ધોરણ ત્રણથી આઠના બાળકોને વિવિધ પ્રયોગો કરવા માટે આપ્યાં હતાં. જેમાં બાળકો હવાનું દબાણ, લંબાઈ નું માપન, વસ્તુની ઘનતા, પ્રકાશના વક્રતાભવન, ટેલીફોન બનાવવો, ધ્વનિના તરંગો, અંધશ્રદ્ધા નિર્મૂલનના પ્રયોગો, હવામાં ઓક્સિજન ની હાજરી તપાસવી, વજન કરવું, વજનની તુલના , વૈજ્ઞાનિક સાધનોની ઓળખ વગેરે જેવાં પ્રયોગો કર્યા હતાં. ત્યારબાદ અવનીબેને ધોરણ છ થી આઠના બાળકોને ક્વીઝ રમાડી હતી. જેમાં ડૉ. વિક્રમ સારાભાઈ ટીમ ત્રણેય વર્ગમાંથી વિજેતા બની હતી. આ પ્રસંગે અવનીબેને વિજ્ઞાન વિષય પર આધારિત સ્વરચિત કાવ્યનું પઠન કર્યું હતું. અંતમાં શાળાના આચાર્ય એ વિજ્ઞાન દિવસની ઉજવણીમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અવનીબેન તરફથી લાવેલ ભેટ તથા ઈનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. ખરેખર દરેક વ્યક્તિમાં એક વૈજ્ઞાનિક છૂપાયેલો છે જે આવાં દિવસોની ઉજવણી વખતે ખબર પડે છે.


