જ્યારે કોઇ વ્યક્તિને ક્રોધ આવે છે ત્યારે કોઇ તેને કહે કે આપે ક્રોધ ના કરવો જોઇએ ત્યારે તેને પોતાનું અપમાન થતું હોય તેવું લાગે છે.પોતાનું અપમાન કોઇને સારૂં લાગતું નથી તેથી અપમાનથી બચવા,પોતાના સન્માનની રક્ષા કરવા અને પોતાને નિર્દોષ સાબિત કરવા તેને ક્રોધ કેમ આવે છે? તેના કારણો કહેવા લાગે છે કે ફલાણો વ્યક્તિ મને ખરાબ બોલ્યો તેથી મને ક્રોધ આવ્યો છે તેમ કહી પોતાનો બચાવ કરે છે અને પોતાને દોષરહિત માને છે,પરંતુ વાસ્તવિકતા એ છે કે જ્યારે વ્યક્તિ ક્રોધ કરે છે તો તેની પાછળ કોઇને કોઇ કારણ હોય છે એટલે જ્યારે ક્રોધ આવે ત્યારે તેના કારણો ના બતાવો કે આ કારણસર મને ક્રોધ આવ્યો છે.
ક્રોધથી થનાર નુકશાનથી બચવા ઇચ્છતા હો તો પોતાના મન અને વાણી ઉપર સંયમ રાખવો એ જ ક્રોધથી બચવાનો ઉપાય છે.મન અને વાણી ઉપર સંયમ કેવી રીતે રાખી શકાય? તેનો ઉપાય બતાવતાં સંતો કહે છે કે ક્રોધને જીતવા ઇચ્છા ઉપર નિયંત્રણ જરૂરી છે.અમે ઇચ્છાઓ ઓછી રાખીશું તો જ ક્રોધને જીતી શકીશું કારણ કે અમારી ઇચ્છાઓ પુરી ના થાય ત્યારે જ ક્રોધ આવે છે.આજદિન સુધી કોઇપણ વ્યક્તિની તમામ ઇચ્છાઓ પુરી થઇ શકતી નથી.
ક્રોધને જીતવા માટે પોતાની ઇચ્છાઓ ઉપર નિયંત્રણ કરીએ,દરેક સાથે મીઠા વચન બોલીએ તથા સુખપુર્વક જીવન જીવીએ..ક્રોધથી જીવનની એકાગ્રતા ભંગ થાય છે.ક્રોધી વ્યક્તિ માનસિક હિંસા કરી બેસે છે.ક્રોધના કારણે વ્યક્તિ અનર્થ કરી બેસે છે અને પાછળથી તેને પશ્ચાતાપ થાય છે.ક્રોધ કરવાથી તન મન ધનની હાની થાય છે.ક્રોધથી વધુ હાનિકરક કોઇ વસ્તુ નથી.
આ૫ણે બીજું બધું સહન કરી શકીએ છીએ ૫ણ પોતાનાઓ દ્વારા આપવામાં આવેલ પીડા સહન કરી શકતા નથી.એકવાર સોનાના એક ટુકડાએ લોખંડના ટુકડાને પુછ્યું કે હથોડીથી તને પણ પીટવામાં આવે છે અને મને પણ ટી૫વામાં આવે છે.હું તારાથી વધુ નાજુક છું પરંતુ જ્યારે તને ટી૫વામાં આવે છે ત્યારે તૂં કેમ આટલો બધો બુમરાણ કરે છે? ત્યારે લોખંડના ટુકડાએ કહ્યું કે આ વાતને તૂં નહી સમજી શકે ! જે પોતાનાં દુઃખ આપે છે તે અસહ્ય હોય છે ! આ સાંભળી સોનાનો ટુકડો શાંત થઇ ગયો,એટલા માટે જરા સમજી વિચારીને ચાલીએ ! ક્યાંક જાણે અજાણે અમારાથી પોતાનાઓને મન વચન કર્મથી આઘાત ના ૫હોચે, દુઃખ ના થાય અને હા..આ બધું ક્રોધના કારણે જ થાય છે.
હવે અમારે એ નક્કી કરવાનું છે કે અમારે ક્રોધને છોડવો છે કે અમારાં પોતાનાં છે તેમને છોડવાં છે.હવે અમે જો ખરેખર ક્રોધને છોડવા માંગતા હોઇએ તો તેના માટેના પ્રયત્નો ૫ણ અમારે જ કરવા ૫ડશે.ક્રોધ ઉ૫ર નિયંત્રણ કરવું કઠન છે પરંતુ અસંભવ નથી.જો અમારે અમારૂં બાકીનું જીવન સુખ-શાંતિથી ૫સાર કરવું હોય તો એકાંતમાં બેસીને વિચાર કરીએ કે કેવા પ્રયત્નો કરવાથી ક્રોધને કાબૂમાં કરી શકાય? કારણ કે પોતાને પોતાનાથી અધિક બીજું કોન જાણી શકે? અમારા આવા વિચારવાથી અવશ્ય કોઇને કોઇ ઉપાય મળી જશે તેમાં કોઇ શંકા નથી અને આમ કરવાથી અમારી ખામીઓ અને કમજોરીઓની ૫ણ અમોને ખબર પડી જાય છે.અમે જેટલીવાર ગુસ્સો કરીએ છીએ તેટલીવાર અમારા શરીરમાં એસિડ બને છે જેનાથી અમે નષ્ટ થઇ જઇએ છીએ.ક્રોધનો શિકાર ક્રોધ કરનાર વ્યક્તિ થાય છે એટલે અમારે ક્રોધને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરવાનો છે.
ક્રોધ વિશે એક બોધકથા જોઇએ..પત્નીના વારંવારનાં ગુસ્સાથી કંટાળી ગયેલા પતિએ તેની પત્નીને ખીલાથી ભરેલી બેગ આપી અને કહ્યું કે “જેટલી વાર ગુસ્સો આવે તેટલી વખત થેલીમાંથી ખીલો કાઢીને વાડાની દિવાલ પર ઠોકી દેવાનો..” બીજા દિવસે પત્નીને ગુસ્સો આવતાં જ તેણે વાડાની દીવાલ પર ખીલો માર્યો, તેણીએ આ પ્રક્રિયા ઘણાં દિવસો સુધી સતત ચાલુ રાખી.ધીરે ધીરે તે સમજવા લાગી કે ખીલા પર હથોડી મારવાના નિરર્થક પ્રયત્નો કરવા કરતાં તેના ગુસ્સાને કાબૂમાં રાખવું વધુ સારૂં છે અને ધીમે ધીમે તેની વાડાની દિવાલ પર ખીલાની ઉપર હથોડા મારવાની સંખ્યા ઘટતી ગઈ.
એક દિવસ એવો આવ્યો કે પત્નીએ દિવસ દરમિયાન એક પણ ખીલો માર્યો ન હતો.તેણે ખુશીથી આ વાત તેના પતિને જણાવી.તે ખૂબ જ પ્રસન્ન થયા અને બોલ્યા કે હવે એક કામ કર “જે દિવસે તને લાગશે કે મને એક વખત પણ ગુસ્સો આવ્યો નથી ત્યારે હથોડા મારેલા ખીલામાંથી એક દિવાલમાંથી ખીલો કાઢી નાખવો.” પત્ની તેમ કરવા લાગી.એક દિવસ એવો આવ્યો કે દિવાલમાં એક ખીલો પણ બચ્યો ન હતો.તેણે ખુશીથી આ વાત તેના પતિને જણાવી.પતિએ પત્નીને દોરીને વાડાની દિવાલ પાસે લઈ ગયો અને ખીલાનાં કાણાં બતાવીને પૂછ્યું કે “શું તૂં આ કાણાં ભરી શકીશ?” પત્નીએ કહ્યું કે ના એ મારાથી શક્ય નથી.
પતિએ તેના ખભા પર હાથ મુકીને કહ્યું કે “હવે સમજ..તું ગુસ્સામાં જે કઠોર શબ્દો બોલે છે તેનાથી બીજાના હૃદયમાં એવું કાણું પાડી દે છે, જે ભવિષ્યમાં તું ક્યારેય ભરી નહીં શકે..” આ વાર્તાનો સંદેશ એ છે કે જ્યારે પણ આપણને ગુસ્સો આવે છે ત્યારે વિચારવાનું કે આપણે પણ કોઈના દિલ પર હથોડાથી ખીલો મારવાના છીએ..
લોકો લડાઇ ઝઘડા કેમ કરે છે તે વિશે બીજી એક બોધકથા જોઇએ..
એક સંત ભિક્ષામાં મળેલ અન્નથી પોતાનું જીવનનિર્વાહ ચલાવતા હતા.તેઓ દરરોજ અલગ-અલગ ગામોમાં જઇને ભિક્ષા માંગતા હતા.એક દિવસ તે ગામના બહુ મોટા શેઠના ઘેર ભિક્ષા માંગવા માટે જાય છે.શેઠે ભિક્ષામાં અનાજ આપ્યું અને કહ્યું કે ગુરૂજી હું એક પ્રશ્ન પુછવા માંગુ છું.સંતે ભિક્ષા લઇને કહ્યું કે ઠીક છે પ્રશ્ન પુછો.શેઠે કહ્યું કે હું એ જાણવા માંગું છું કે લોકો લડાઇ-ઝઘડા કેમ કરે છે?
સંત થોડો સમય ચૂપ રહ્યા અને પછી બોલ્યા કે હું અહી ભિક્ષા લેવા માટે આવ્યો છું તમારા મૂર્ખાઇ ભર્યા સવાલોના જવાબ આપવા નથી આવ્યો.આવું સાંભળીને શેઠ એકદમ ક્રોધિત થઇ ગયા.તેમને પોતાની ઉપરનો કાબૂ ગુમાવી દીધો અને બોલ્યા કે તૂં કેવો સંત છે? મેં તને દાન આપ્યું અને તૂં મારી સાથે આવી ભાષામાં વાત કરે છે? શેઠે ગુસ્સામાં સંતને ના કહેવાય એવા ખરાબ શબ્દો સંભળાવ્યા.સંત ચૂપચાપ સાંભળી રહ્યા હતા.સંતે એકવાર પણ શેઠની સામે જવાબ ના આપ્યો.
થોડા સમય પછી શેઠનો ગુસ્સો શાંત થયો ત્યારે સંતે કહ્યું કે ભાઇ તમારા પ્રશ્નના જવાબ આપવાના બદલે મેં ખરાબ વાત કહી કે તરત જ તમોને ગુસ્સો આવી ગયો અને ગુસ્સામાં તમે મને ના કહેવાય તેવા શબ્દો કહ્યા.તે સમયે હું પણ ક્રોધિત થઇ ગયો હોત તો આપણી વચ્ચે ઝઘડો થઇ જતો.
ક્રોધ જ તમામ ઝઘડાનું મૂળ કારણ છે અને શાંતિ તમામ વાદ-વિવાદનો અંત છે.જો અમે ક્રોધ જ ના કરીએ તો ક્યારેય વાદ-વિવાદ થશે નહી.જીવનમાં સુખ-શાંતિ ઇચ્છતા હો તો ક્રોધ ઉપર નિયંત્રણ કરવું જોઇએ.ક્રોધને કાબૂમાં કરવા માટે દરરોજ સેવા-સુમિરણ-સત્સંગ કરવાની જરૂર છે.
આ બોધકથા આપણને એ શિખ આપે છે કે ઘર-પરીવાર હોય કે અમારા કાર્યનું સ્થળ હોય ત્યાં અમારે શાંત રહેવું જોઇએ.જો કોઇ અમારી ઉપર ગુસ્સો કરે તો અમારે તેનો જવાબ શાંતિથી આપવો જોઇએ.જો અમે શાંતિનો માર્ગ છોડીને ક્રોધ કરીશું તો નાની વાત પણ અમારૂં મોટું નુકશાન કરશે.