Gujarat

ક્રોધરૂપી રાવણની ઉપેક્ષા કરો..

મહાભારતમાં એક પ્રસંગ આવે છે કે એકવાર ભગવાન શ્રીકૃષ્ણ,બલરામ અને સાત્યકિ યાત્રા દરમ્યાન સાંજ પડી જતાં એક ભયાનક વનમાં રાત્રિ વિશ્રામ માટે રોકાય છે અને નક્કી કરવામાં આવે છે કે દરેકે બે-બે કલાક જાગીને પહેરો ભરવો.આ જંગલમાં એક ભયાનક રાક્ષસ રહેતો હતો.જ્યારે સાત્યકી પહેરો ભરી રહ્યા હતા તે સમયે રાક્ષસ તેમને પરેશાન કરે છે,ખોટું-ખરૂં બોલે છે.સાત્યકિ અને રાક્ષસ વચ્ચે યુદ્ધ થાય છે,સાત્યકિ હારીને પોતાનો જીવ બચાવીને બલરામજીની પાસે આવીને સંતાઇ જાય છે.

બલરામજીને રાક્ષસ ઘણા જ ઉશ્કેરે છે અને તેમની સાથે યુદ્ધ થાય છે.બલરામજીએ જોયું કે રાક્ષસની શક્તિ વધી રહી છે ત્યારે તે શ્રીકૃષ્ણને જગાડે છે.રાક્ષસ ભગવાન શ્રીકૃષ્ણજીને પણ ઉશ્કેરે છે, અપશબ્દો બોલે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ રાક્ષસને કહે છે કે તમે તો ઘણા જ ભોળા છો,તમારા જેવા દોસ્ત સાથે રાત સરસ રીતે પસાર થઇ જશે.ત્યારે રાક્ષસ ર્હંસીને પુછે છે કે હું આપનો દોસ્ત કેવી રીતે?

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે ભાઇ ! તમે પોતાનું કામકાજ છોડીને મારો સહયોગ કરવા માટે અહી આવ્યા છો,તમે વિચારી રહ્યા છો કે મને આળસ કે ઉંઘ ના આવી ન જાય એટલે ર્હંસી-મજાક કરવા અહી આવ્યા છો.રાક્ષસે તેમને તંગ કરવા,ઉશ્કેરવા ઘણો જ પ્રયાસ કર્યો તેમછતાં ભગવાન શ્રીકૃષ્ણ ર્હંસતા જ રહ્યા,પરીણામ એ આવ્યું કે રાક્ષસની તાકાત ઘટવા લાગી અને જોત-જોતામાં એક માખી જેવડો બની ગયો. ભગવાન શ્રીકૃષ્ણ તેને પકડીને પોતાના પિતાંબરના છેડે બાંધી દે છે અને ત્યારબાદ બલરામ અને સાત્યકિને કહે છે કે તમે જાણો છો કે આ રાક્ષસ કોન છે? ભગવાન કહે છે કે તેનું નામ છે આવેશ-ક્રોધ.

મનુષ્યની અંદર પણ આ આવેશ(ક્રોધ) જ્યારે ઘુસી જાય છે તે સમયે મનુષ્ય તેને જેટલી હવા આપે છે એટલો આવેશ(ક્રોધ) ડબલ,ત્રણ ગણો કે ચારગણો વધી જાય છે.આ રાક્ષસની તાકાત ત્યારે જ ઘટે છે જ્યારે મનુષ્ય પોતે પોતાને સંતુલિત રાખે છે,દરેક સમયે ર્હંસતો રહે છે, ક્રોધરૂપી રાક્ષસની જેટલી ઉપેક્ષા કરે છે એટલો તે ઘટતો જાય છે અને જેટલી બદલાની ભાવના રાખશો એટલો ક્રોધ વધતો જશે.

એકનાથ મહારાજ પૈઠણમાં રહેતા.ગોદાવરી નદી ઉપર જવાના રસ્તા પર એક પઠાણ રહેતો હતો અને તે માર્ગમાંથી જે હિન્દુઓ સ્નાન કરીને જાય તેમને તે બહુ તંગ કરતો.એકનાથ મહારાજ એ જ રસ્તે ગોદાવરીમાં સ્નાન કરવા જતા હતા.પઠાણ એકનાથજી મહારાજને પણ તંગ કરતો પણ એકનાથજી બધું સહન કરે.એક દિવસ પઠાણને થયું આ માણસ ક્રોધ કેમ કરતો નથી? આજે તો તેને ગુસ્સે કરવો જ છે. એકનાથજી સ્નાન કરી પાછા ફરતાં હતા ત્યારે પેલો યવન મહારાજ પર થૂંક્યો.મહારાજ ફરી સ્નાન કરવા ગયા પણ યવન પર ગુસ્સે થયા નહિ.મહારાજ વારંવાર સ્નાન કરવા જાય અને પેલો યવન થૂંકે.મહારાજ ગોદાવરીમાને કહે કે મા.. તૂં મને ફરી ફરી સ્નાન કરવા બોલાવે છે તે તારી કૃપા છે.યવન રસ્તો ના છોડે ત્યાં સુધી મારે મારો રસ્તો છોડવો નથી.એકનાથજી મહારાજ ૧૦૮ વાર સ્નાન કરવા ગયા છે.યવન શરમાયો,મહારાજને પગે પડી ક્ષમા માગી.આપ સંત છો.આપને હું ઓળખી શક્યો નહિ.એકનાથજી મહારાજ કહે છે કે એમાં ક્ષમા કરવા જેવું શું છે? તારા લીધે આજે ૧૦૮ વાર ગોદાવરીમાં સ્નાન કરવાનું પુણ્ય મળ્યું.

એકનાથજી મહારાજે ભાવાર્થ રામાયણમાં લખ્યું છે કે કામી-લોભીને તત્કાળ કદાચ થોડો લાભ થાય છે,કામી કામસુખ ભોગવે છે અને લોભી પૈસા ભેગા કરે છે પણ ક્રોધ કરનારને તો કાંઇ જ મળતું નથી માટે ક્રોધ છોડવો જોઈએ.

કામ અને ક્રોધ આવેગજન્ય દોષ છે.રોગમાં તથા વૃધ્ધાવસ્થામાં કામવેગ સમાપ્ત થઇ જાય છે.જ્યાં ભય હોય ત્યાં ક્રોધ આવતો નથી.કામ અને ક્રોધ ક્યારે ઉત્પન્ન થઇ જાય તેની ખબર પડતી નથી.આવી ગયા પછી જો બુધ્ધિથી સાવધાની રાખીએ તો તેને દબાવવાનો પ્રયત્ન કરી શકાય છે.કામ-ક્રોધને આવવા જ ના દેવાય તેવી અગાઉથી કોઇ વ્યવસ્થા કરવી સંભવ નથી.આજનો માનવ કામ ક્રોધ લોભ મોહ તથા અહંકારની જાળમાં ફસાયેલો છે તેને જે કંઇ શક્તિ પ્રાપ્ત થાય છે તેનાથી પોતાની કુત્સિત ઇચ્છાઓને પુરી કરવા વિનાશ તથા ૫રપીડાનો અકલ્પનીય ખેલ ખેલી રહ્યો છે.

શ્રીમદ ભગવદ ગીતા(૩/૩૭)માં ભગવાન કહે છે કે રજોગુણથી ઉત્પન્ન આ કામ એટલે કે કામના જ તમામ પા૫નું કારણ છે.આ કામ જ ક્રોધમાં રૂપાંતર થાય છે.આ ઘણું ખાનારો અને મહા પાપી છે.આ બાબતમાં તૂં આને વૈરી જાણ..ઉત્પત્તિ વિનાશશીલ ૫દાર્થોની કામના,પ્રિતિ અને આકર્ષણ જ તમામ પાપોનું મૂળ છે.કામનામાં વિઘ્ન આવતાં કામ જ ક્રોધમાં ૫રીણમે છે.કામનાની પૂર્તિ થતાં લોભ ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન ૫હોચાડનારા ઉ૫ર ક્રોધ ઉત્પન્ન થાય છે.

સુખી થવું હોય તો આપણી સાથે સં૫ર્કમાં આવતા દરેક મનુષ્યોની સાથે ક્રોધરહીત પ્રેમભર્યો વાર્તાલા૫ કરવો.જેનું મન ઇન્દ્રિયોના વશમાં હોય છે તે મનુષ્ય વિવેક શક્તિ ખોઇ બેસે છે અને પોતાને કામ-ક્રોધ વગેરે શત્રુઓના હાથમાં સોંપીને અધોગતિ પ્રાપ્ત કરે છે એટલે તમામ પ્રકારના સંકલ્પોનો નાશ કરીને ચિત્તને શુક્ષ્મ બુદ્ધિમાં લીન કરવું.કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર..આ મનમાં નિત્ય રહેવાવાળા શત્રુઓ છે તેને જે વશમાં કરી લે છે તે જીતેન્દ્રિય પુરૂષ પા૫માં લિપ્ત થતો નથી.

ભગવાનથી વિમુખ અને સંસારથી સન્મુખ થવાથી શરીર નિર્વાહ અને સુખના માટે અનુકૂળ ૫દાર્થ,૫રિસ્થિતિ વગેરે મેળવવાની કામના થાય છે,તેમના મળવાથી હર્ષ થાય છે અને તેની પ્રાપ્તિમાં વિઘ્ન ૫હોચાડવાવાળા પ્રત્યે દ્વેષ કે ક્રોધ થાય છે.જેને મમત્વનો ત્યાગ કર્યો છે તથા લોભ અને મોહને છોડી દીધા છે તે કામ-ક્રોધથી રહીત માનવ ૫રમ૫દને પ્રાપ્ત કરે છે.

ક્રોધ ધર્મનો નાશક છે,ક્રોધ પ્રયત્નશીલ સાધકને અત્યંત દુઃખથી ઉપાર્જિત કરેલ ધર્મનો નાશ કરી દે છે.શ્રીમદ ભગવદ ગીતા(૨/૬૨-૬૩)માં ભગવાન કહે છે કે વિષયોનું ચિંતન કરવાવાળા મનુષ્યની તે વિષયમાં આસક્તિ પેદા થઇ જાય છે,આસક્તિથી કામના પેદા થાય છે,કામનાથી ક્રોધ પેદા થાય છે,ક્રોધથી સંમોહ (મૂઢભાવ) થઇ જાય છે,સંમોહથી સ્મૃતિ ભ્રષ્ટ થઇ જાય છે,સ્મૃતિ ભ્રષ્ટ થઇ જવાથી બુધ્ધિનો નાશ થઇ જાય છે.બુધ્ધિનો નાશ થવાથી મનુષ્યનું ૫તન થઇ જાય છે..ક્રોધથી જે મૂઢભાવ થાય છે તેમાં મનુષ્ય પોતાના મિત્રો તથા પૂજ્યજનોને પણ ઉલ્ટી-સીધી વાતો કહી બેસે છે અને નહી કરવા યોગ્ય વર્તાવ કરી બેસે છે.

ચોવીસ કલાક ક્રોધમાં રહેનાર,નાની નાની વાતોમાં ક્રોધ કરનાર મૃતક સમાન છે.ક્રોધના કારણે મન-બુદ્ધિ ઉપર તેનું નિયંત્રણ રહેતું નથી.પૂર્વજન્મના સંસ્કારના કારણે જીવ ક્રોધી બને છે.જ્ઞાનીઓને બહુ માન મળે એટલે કોઈનું અપમાન સહન કરી શકતા નથી એમને ક્રોધ આવી જાય છે.જ્ઞાનમાર્ગમાં વિઘ્ન કરનાર ક્રોધ છે.

ક્રોધની કોઈ વ્યાખ્યા નથી.ક્રોધ એ કામ અને લોભની એક સાઈડનિપજ છે.કામ એટલે જે પોતાની પાસે નથી તે પામવાની ઈચ્છા અને લોભ એટલે પોતાની પાસે જે છે તે નહિ ગુમાવવાની ઈચ્છા.આ બંને ઈચ્છા પૂરી ન થાય એટલે ક્રોધ આવે છે.જેને ક્રોધ આવે તે બીજાનું સાંભળતો નથી.અભિમાનમાંથી ક્રોધ જાગે છે અને ક્રોધમાંથી કર્કશ વાણી ઉત્પન્ન થાય છે.જે સતત બ્રહ્મચિંતન કરે તેને ક્રોધ આવતો નથી.

એકવાર એક ગામમાં પંચાયત ભેગી થાય છે.ગામની નજીકમાં એક સંત રહેતા હતા.જ્યારે ગામની પંચાયત કોઇ નિર્ણય ઉપર ન આવી શકી તો સંત પાસે પોતાની સમસ્યા લઇને જાય છે.સંત આવવાનું કારણ પુછે છે તો ગામલોકો કહે છે કે અમારા ગામમાં પીવાના પાણી માટે એક જ કૂવો છે જેનું પાણી અમે પી શકતા નથી કેમકે તેમાંથી દુર્ગંધ આવે છે.એકવાર ત્રણ કૂતરા લડતા લડતા આવે છે અને કૂવામાં પડીને મરી ગયા છે.સંત કહે છે કે કૂવામાં ગંગાજળ નાખો.ગામ લોકોએ આઠ-દશ ડોલ ગંગાજળ કૂવામાં નાખે છે તેમ છતાં સમસ્યા દૂર થતી નથી.

ગામલોકો ફરીથી ભેગા થઇને સંત પાસે આવે છે ત્યારે સંત કૂવા પાસે કથા કરાવવા ભલામણ કરે છે.ગામલોકોએ કથા કરાવડાવી છતાં સમસ્યા દૂર થતી નથી.ગામલોકો ફરીથી સંત પાસે આવે છે ત્યારે સંત કૂવામાં સુગંધિત દ્રવ્ય નાખવાની ભલામણ કરે છે અને તે પ્રમાણે લોકો કરે છે છતાં સમસ્યા દૂર થતી નથી એટલે છેલ્લે સંત જાતે જ ગામમાં આવે છે અને કહે છે કે તમે ગામ લોકોએ બે-ત્રણવાર કૂવાનું ગંદુ થયેલ પાણી બહાર કાઢ્યું.અંદર ગંગાજળ પધરાવ્યું.સુગંધિત દ્રવ્યો નાખ્યા પરંતુ કૂવામાં પડીને મરી ગયેલ ત્રણ કૂતરા બહાર કાઢ્યા? ત્યારે ગામલોકો કહે છે કે તે તો કાઢ્યા જ નથી.સંત કહે છે કે જ્યાં સુધી આ મરેલા કૂતરા બહાર નહી કાઢો ત્યાં સુધી અન્ય તમામ ઉપાય કરવા છતાં કૂવાનું પાણી પીવાલાયક શુદ્ધ થવાનું નથી.

આ આપણા બધાના જીવનની કથા છે.આ શરીરરૂપી ગામના અંતઃકરણરૂપી કૂવામાં કામ ક્રોધ અને લોભરૂપી ત્રણ કૂતરાઓ લડતાં લડતાં પડી ગયા છે તેની દુર્ગંધ આવે છે તેને બહાર કાઢીશું તો જીવન ઉપયોગી થશે જીવનમાં સુખ-શાંતિ અને ખુશીઓ આવશે..

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *