Gujarat

ખેડા  જિલ્લામાં વાવેતર સમયે નકલી બિયારણથી બચવા નાયબ ખેતી નિયામકનો ખેડૂત જોગ સંદેશ

મકસુદ કારીગર,કઠલાલ
*****
વેપારી પાસેથી તેનો લાયસન્સ નં., પૂરું નામ સરનામું અને બિયારણનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગતો સાથેનું બીલ સહી સાથે અવશ્ય લેવું
*****
બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેની મુદ્દત પૂરી થઈ નથી તેની ચકાસણી કરવી. મુદ્દત પૂરી થયેલા બિયારણની ખરીદી ક્યારેય કરવી નહીં
*****
બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા બિયારણ અંગે સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને જાણ કરવી
*****
ખેડા જિલ્લામા ખેડૂતો આગામી ખરીફ ઋતુમા વાવેતર માટે બિયારણની ખરીદી કરતા હોય છે. પરંતુ અનેક વખત બિયારણ નકલી નીકળતા ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવે છે. ત્યારે ખેડૂતો છેતરપીંડીથી બચે તે માટે લાયસન્સ ધારકો પાસેથી જ બિયારણની ખરીદી કરે તેવો તંત્ર દ્વારા અનુરોધ કરવામા આવે છે.
ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલું હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદ્દત પૂરી થઈ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી. મુદ્દત પૂરી થયેલી હોય તેવાં બિયારણની ખરીદી ક્યારેય કરવી નહીં.
ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને પજી જેવા જુદાં-જુદાં નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં. આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ-થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવું જરુરી છે તેમ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Z-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *