જેતપુર જુનાગઢ રોડ પર, સ્વામિનારાયણ મંદિર પાછળ
ચોમાસું શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ તંત્રે ઘર વિહોણા કરી દીધાંનાં ગરીબોના આક્ષેપો
આજે જેતપુરના જૂનાગઢ રોડ ઉપર નગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ આપ્યા બાદ ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફેરવીને 1200 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી હતી. જો કે આ સમયે ગરીબોમાં કાળોકેર મચાવાયો હતો કે, કાઈક તો દયા રાખો, ચોમાસામાં કયા જઈશું ? પણ તંત્રે કાયદાનો ધોકો પછાળી આજે અનેકને ઘરબાર વગરના કરી દીધા હતા.
જેતપુરના જુનાગઢ રોડ પર સ્વામિનારાયણ મંદિર પાછળના ભાગે ગાડા માર્ગમાં વ્યાપક દબાણની અનેકવખતની ફરિયાદો બાદ જેતપુર પાલિકા તંત્રે આવું દબાણ કરનાર આસામીઓને અગાઉ નોટિસ ફટકારી દબાણ દૂર કરવા જણાવ્યું હતું. પણ વર્ષોથી થયેલું દબાણ એમ કાઇ દૂર થવાનું લાગતું ન હતું. અને થયું પણ એવું એટલે આજે નગરપાલિકાની ટીમ, વિજતંત્ર અને પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલેશન હાથ ધરીને આશરે 1200 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી, ગરીબોના મકાનો હટાવાતા ગરીબોમાં દેકારો બોલી ગયો હતો પણ તંત્રે કાયદો કરે તે ઠીક જેવી નીતિ અપનાવી દબાણ દૂર કર્યું હતું.
અત્રે એ નોંધનિય છે કે, ઘણા વર્ષોથી આ વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ પરિવારના ઘર ઉપર તંત્રનું બુલડોઝર ફરતા ગરીબો ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં આવી ગયા હતા. શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો, કારખાના માલિકો દ્વારા બાંધકામો હટાવાશે કે નહીં ? તેવા પ્રશ્નના જવાબમાં તંત્રે કહ્યું કે આગામી દિવસોમાં તે ફરિયાદો બાબત પણ તપાસ કરાશે અને તેમાં દબાણ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.
બોક્સ : વૈકલ્પિક વ્યવસ્થા કરવા ગરીબોની માંગ
ગરીબ પરિવારના ઘર તોડી પાડતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. બીજીબાજુ આજે ઘરબાર વગરના થઈ ગયેલા ગરીબોએ તાત્કાલિક વૈકલ્પિક ધોરણે રહેવાની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. આવી માંગણી સામે તંત્રે કહ્યું કે દેરડી ધાર વિસ્તારમાં અમુક આવાસોમાં આ લોકોને રહેવા દેવા કે મકાનો ફાળવવા બાબતે આગામી દિવસોમાં કોઈ સુચારું નિર્ણય લેવાશે, પણ દબાણ કરનારાઓ દેરડી ધાર વિસ્તારમાં જવા ન માનતા હોવાની પણ વાત સંભળાઇ હતી.
(ફોટો હરેશ ભાલિયા)


