છોટા ઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જશુ રાઠવાએ ભાજપ સંગઠનના તેમજ અન્ય હોદ્દાઓ પરથી ગત મોડી સાંજે અચાનક રાજીનામુ આપી દીધુ છે. જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.
છોટાઉદેપુર જિલ્લા ભાજપમાં અચાનક ભૂકંપ સર્જાયો છે. જિલ્લા ભાજપના અગ્રણી અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જશુ રાઠવાએ ભાજપના તમામ હોદ્દાઓ પરથી અચાનક રાજીનામું આપી દીધુ છે. જશુ રાઠવા હાલ પ્રદેશ ભાજપમાં આમંત્રિત સભ્ય, અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપપ્રમુખની જવાબદારી ધરાવતા હતા. જશુ રાઠવાએ ભાજપના હોદ્દા તો ઠીક પરંતુ ન્યૂ ગુજરાત પેટર્ન આયોજન સમિતિના સભ્ય તરીકેથી અને મહત્ત્વનું કહી શકાય એવું ભાજપના સક્રિય સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે.
આ અંગે જશુ રાઠવાનો સંપર્ક કરતા તેઓએ રાજીનામું આપવા મુદ્દે પ્રદેશ ભાજપના આદેશ અનુસાર રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું. પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટિલને સંબોધીને લખવામાં આવેલા રાજીનામામાં આપના આદેશ અનુસાર ભારતીય જનતા પાર્ટીની તમામ જવાબદારીઓમાંથી રાજીનામું આપુ છું, તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


