પ્રવર્તમાન સમયમાં મોટા ભાગના ખેડૂતો પોતાના ખેતર/વાડીમાં કામ માટે પરપ્રાંતીય શ્રમિકો/અન્ય જિલ્લાના
લોકોની નિમણુંક કરે છે. પરપ્રાંતીય શ્રમિકો જે જગ્યાઓ પર કામ કરે છે ત્યાં અવાર-નવાર આજુબાજુમાં રહેતા લોકોના ઘર અને
ધંધાના સ્થળે ચોરી, લૂંટફાટ તેમજ અન્ય ગંભીર પ્રકારના ગુનાઓ કરીને નાસી જાય છે. જેથી લોકોના જાન-માલ અને સંપત્તિ પર
જોખમ તોળાઈ રહ્યું છે. આ પરપ્રાંતીય મજૂરોના માલિકો પાસે તેમના ટૂંકા નામ સિવાય કોઈ માહિતી ન હોવાથી ગુનેગારોને
પકડવું ખુબ મુશ્કેલ બની જાય છે. જેથી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, લોકોની જિંદગી અને સલામતી જળવાઈ
રહે તે જરૂરી છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, જામનગર
જિલ્લામાં કોઈપણ ખેતી-વાડીના માલિક પોતાના ખેતરમાં પરપ્રાંતીય મજૂરો તેમજ બીજા જિલ્લાના લોકોને કામ પર રાખતા
પૂર્વે નીચે દર્શાવેલ નમૂના મુજબના ફોર્મમાં જરૂરી વિગતો અને આધારો સંબંધિત પોલીસ સ્ટેશનને રૂબરૂમાં અથવ ટપાલથી
મોકલી આપવાના રહેશે. આ પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ
શિક્ષાને પાત્ર થશે. આ હુકમ આગામી તા.14-5-2023 સુધી અમલમાં રહેશે.
ખેતી કામ માટે રાખેલ પરપ્રાંતીય વ્યક્તિની માહિતી માટે જોડવાના થતા આધાર પુરાવાની યાદી:
(૧) ખેતી કામ માટે રાખેલ વ્યક્તિનું પૂરું નામ, સરનામું, ઉંમર અને ફોટો આઈ.ડી. પૂફની નકલ.
(૨) ખેતી કામ માટે રાખેલ વ્યક્તિનું હાલનું રહેણાંકનું સરનામું અને મોબાઈલ નંબર.
(૩) તે વ્યક્તિ સાથે બીજા માણસો રહેતા હોય તો તેના નામ-સરનામું.
(૪) કોઈના મારફતે જે-તે વ્યક્તિને કામે રાખેલ હોય તો તેવા મધ્યસ્થીનું નામ-સરનામું.
(૫) જે-તે વ્યક્તિએ અગાઉ કોઈ જગ્યાએ કામ કરેલ હોય તો તેના માલિકનું નામ-સરનામું.
(૬) જે વ્યક્તિ/માલિકને ત્યાં કામ કરતા હોય તે વળી/ખેતર માલિકનું નામ-સરનામું.
(૭) જે-તે વ્યક્તિના સ્થાનિકમાં રહેતા ઓળખીતા વ્યક્તિ રહેતા હોય તો તેના નામ-સરનામાં અને મોબાઈલ નંબર.
(૮) જે વ્યક્તિને કામે રાખ્યા હોય તે વ્યક્તિના વતનનું પૂરું સરનામું, પોલીસ સ્ટેશન અને વતનમાં રહેતા માતા-પિતા, ભાઈ-
બહેનની વિગતો.
(૯) જો શ્રમિક પરિણીત હોય તો તેના પતિ/પત્ની અને સસરાનું સરનામું.
(૧૦) જે શ્રમિક કામ પર રાખેલ હોય તેની ઊંચાઈ, દેખાવનું વર્ણન, અભ્યાસ અને ઓળખી શકાય તેવી શારીરિક નિશાની-આ
તમામ પૈકી શક્ય હોય તેટલી વિગતો આપવી.
