જામનગર
જામનગર જિલ્લાના જાેડિયા નજીક પાદરા પાટીયા પાસે ગઈકાલે આરોપીઓ અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. મોરબીથી એક યુવાનનું અપહરણ કરીને બે શખ્સો સ્કોર્પિયો કારમાં જામનગર તરફ ભાગી છુટ્યા હોવાની મોરબી પોલીસે જામનગર પોલીસને જાણ કરી હતી. ત્યારે મોરબી તરફથી પુર ઝડપે આવતી એક સ્ક્રોપીયો કારે નાકાબંદી કરી રહેલા પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. નાકાબંદીમાં રહેલા જાેડિયા પીએસઆઇએ તાત્કાલિક સર્વિસ રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, પરંતુ આરોપીઓ કાર પરત આમરણ તરફ હંકારી નાસી છૂટ્યા હતા. પોલીસે પીછો કરીને કારને આંતરી લઈ, કારમાંથી નીચે ઉતરી નાસી ગયેલા બે શખ્સોને પણ સીમ વિસ્તારમાંથી પકડી પાડ્યા છે. શું છે સમગ્ર ઘટના?… તે જાણો.. મોરબીથી એક યુવાનનું અપહરણ કરીને બે શખ્સો સ્કોર્પિયો કારમાં જામનગર તરફ ભાગી છુટ્યા હોવાની મોરબી પોલીસે જામનગર પોલીસને જાણ કરી હતી. જામનગર એલસીબીએ જાેડિયા પોલીસને વોચ રાખવા અને નાકાબંધી કરવા સૂચના આપી હતી. જેના પગલે જાેડીયા પીએસઆઇ આર. ડી.ગોહિલ સહિતનો સ્ટાફ એલર્ટ થયો હતો. પીએસઆઇ ગોહિલે તાત્કાલિક ત્રણ ટીમ બનાવી ત્રણેય ટીમને અલગ અલગ સ્થળે નાકાબંધી કરવાની સૂચના આપી. જેમાં પોતે જમાદાર અજીતસિંહ જાડેજા, હેડ કોસ્ટેબલ જીતેશ મકવાણા, કોસ્ટેબલ રવિ મઢવી અને ડ્રાઇવર રવિ જાેશી સાથે ભાદરા પાટિયા પાસે તેમજ નિકુલસિંહ જાડેજા અને અશોક સિંહ જાડેજાને બાદનપર પાટિયા પાસે નાકાબંધીમાં રાખ્યા હતા. જ્યારે ખીરી ચેકપોસ્ટ પર જમાદાર આર. એમ જાડેજાને તૈનાત કરવામાં આવ્યાં હતા. આ દરમિયાન સાડા ચાર વાગ્યાના સુમારે મોરબી તરફથી એક કાળા કલરની સ્કોર્પિયો પૂરઝડપે ઘસી આવી હતી. પોલીસની નાકાબંધી જાેઈને સ્ક્રોપિયો કાર ચાલકે પૂરઝડપે પોતાની કાર ચલાવી પીએસઆઇ આર. ડી ગોહિલ પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો તો પરંતુ તેઓ હટી ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ અન્ય પોલીસ સ્ટાફ પર કાર ચડાવી દઇ હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને પીએસઆઇ ગોહિલ હરકતમાં આવ્યાં હતા અને તેઓએ પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી હતી. બીજી તરફ નાકાબંધીને જાેઈ આરોપીઓએ પોતાની કાર પરત આમરણ તરફ પુરઝડપે હંકારી હતી. આ જ સમયે પીએસઆઇ ગોહિલે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી નાસી છૂટેલા આરોપીઓ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એકરાઉન્ડ મિસ ફાયર થયો હતો. જાેકે, આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જેને લઈને પીએસઆઇ ગોહિલ સહિતના સ્ટાફે સરકારી વાહન સાથે આરોપીઓનો પીછો કર્યો હતો. આ દરમિયાન આરોપીઓની કાર કેશીયા ગામના પાટીયા પાસે રોડ સાઈડના સિમેન્ટ પોલ પર અથડાયેલી હાલતમાં મળી આવી હતી. પરંતુ આરોપીઓ મળ્યા ન હતા. જેને લઈને પોલીસે આ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું એક કલાકની જહેમત બાદ બંને આરોપીઓ હાડાટોડાની સીમમાંથી થાકેલી પાકેલી હાલતમાં મળી આવ્યાં હતા. મોરબી તાલુકાના વાવડી ગામે રહેતા સલીમ દાઉદ માણેક અને મોરબીમાં વાવડી રોડ પર રહેતા રફીક ગફુર મોવર નામના બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.


